દર વર્ષે મનપા દ્વારા નોટીસો આપવાની પરંપરા ચાલુ : ફરી નળ અને ગટર જોડાણ કાપવા ચિમકી : સરકારી વિભાગે રસ્તો કાઢવાની જરૂર

રાજકોટમાં 1153 મિલ્કતો જોખમી : રાજય સરકારે રીપોર્ટ લીધો

Gujarat, Saurashtra | Rajkot | 21 May, 2024 | 04:34 PM
ચોમાસા પૂર્વે જર્જરિત બાંધકામો અંગે સમીક્ષા કરતા મુખ્ય સચિવ : જુના રાજકોટમાં ઘણી બંધ મિલ્કતો પડુ પડુ : ન્યુ રાજકોટ અને સામાકાંઠે હાઉસીંગ બોર્ડના કવાર્ટર ખખડી ગયા..
સાંજ સમાચાર

રાજકોટ, તા. 21
મુંબઇમાં ગેરકાયદે હોર્ડિંગ પડવાની જીવલેણ દુર્ઘટના બાદ રાજય સરકાર દ્વારા આવા હોર્ડિંગ સાથે શહેરોમાં ભયગ્રસત બાંધકામો અને મકાનોનો સર્વે કરવા ફરી સમીક્ષા કરવામાં આવી છે. તો રાજકોટમાં દર વર્ષની જેમ બાંધકામ શાખા જર્જરીત મકાનોને નોટીસો આપવા લાગી હોય, હાઉસીંગ બોર્ડ અને ગ્રામ ગૃહનિર્માણ બોર્ડના કવાર્ટરોનું શું કરવું તે અંગે ફરી સરકાર પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. 

સરકાર દ્વારા બનાવાયેલા કવાર્ટર જ જર્જરીત અને જોખમી હોય, મનપા નળ અને ગટર જોડાણ કાપવા સિવાય કોઇ કામ કરી શકતું નથી. આથી સરકારના વિભાગો રાજકોટમાં સલામતી માટે જરૂરી કાર્યવાહી કરે એ આવશ્યક છે. 

આજે મુખ્ય સચિવ અને શહેરી વિકાસ સચિવે રાજયમાં ભયગ્રસ્ત મિલ્કતો અંગે સમીક્ષા કરી હતી. જુદા જુદા મહાનગરો અને શહેરો પાસેથી આ અંગેની આંકડા સહિતની વિગતો લેવામાં આવી હતી. રાજકોટની વાત કરીએ તો  મનપાના રેકોર્ડ પર વર્ષોથી 11પ3 જેટલી મિલ્કતો ભયગ્રસ્ત છે. આ તમામ આસામીઓને નોટીસ આપવામાં આવી છે. 

આ પૈકી સેન્ટ્રલ ઝોનમાં ર60, વેસ્ટ ઝોનમાં 143 અને ઇસ્ટ ઝોનમાં 7પ0 મકાન જોખમી છે. ઇસ્ટ ઝોનમાં સૌથી વધુ ભયગ્રસ્ત મિલ્કતોમાં દૂધસાગર રોડ પર આવેલા ગ્રામગૃહ નિર્માણ બોર્ડના કવાર્ટર છે. આ જ રીતે યુનિ. રોડ પર પણ હાઉસીંગ બોર્ડના અનેક કવાર્ટર જર્જરીત હાલતમાં છે. થોડા સમય પહેલા આ કવાર્ટર રીપેર કરવામાં ન આવતા મનપાએ નળ જોડાણ કાપવાની કડક કાર્યવાહી કરી હતી. તો હવે સરકારનું વિજ તંત્ર લાઇટ કનેકશન કાપે તેવી તૈયારી પણ કરવામાં આવી રહી છે. 

પૂર્વ ઝોનમાં 7પ0માંથી 700 બાંધકામ હાઉસીંગ બોર્ડના કવાર્ટર છે. વોર્ડ નં.6 અને 1પમાં આવા દાયકાઓ જુના આવાસ આવેલા છે. તંત્રએ નોટીસ આપ્યા બાદ અમુક આસામીએ રીપેરીંગ કામ કર્યા છે. પરંતુ માલીકી સરકારની હોય, મનપા કોઇ ફેરફાર કરી શકતી નથી. હજુ જેઓએ જોખમી આવાસ કે બિલ્ડીંગ રીપેર કરાવ્યા ન હોય તેમના નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી ફરી કરવાની ચિમકી કોર્પો.એ આપી છે. 

ન્યુ રાજકોટના વેસ્ટ ઝોનમાં મણીયાર કવાર્ટરના રી-ડેવલપમેન્ટનું કામ શરૂ થયા બાદ પશ્ર્ચિમમાં ભયગ્રસ્ત મિલ્કતોનું સંખ્યા ઘટી છે. આમ છતાં રૈયા રોડના વૈશાલીનગર, કાલાવડ રોડના જગન્નાથ પ્લોટ જેવા અનેક વિસ્તારમાં હજુ ભયગ્રસ્ત મકાનો છે. 

સેન્ટ્રલ રાજકોટમાં વર્ષોથી ર60 મિલ્કતો ભયગ્રસ્ત હાલતમાં છે. જેમાં મોટા ભાગની જુના રાજકોટની છે. પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, રૈયાનાકા ટાવર, સોનીબજાર, રામનાથપરા, નદીકાંઠાના અમુક વિસ્તારોમાં  આવી ભયગ્રસ્ત મિલ્કતો છે. જોકે મોટા ભાગની મિલ્કત બંધ હાલતમાં છે. અમુકમાં કોર્ટ કેસ પણ ચાલી રહ્યા છે. આથી પણ ચોમાસામાં આવી મિલ્કતો ભગવાન ભરોસે ઉભી રહે છે. છતાં બજારમાં કોઇ દુર્ઘટના ન થાય તે માટે પગલા લેવાની જરૂરી છે. 

હાઉસીંગ બોર્ડના વર્ષો પહેલા બનેલા અનેક મકાનો ખખડી ગયા હોય, સરકાર રી-ડેવલપમેન્ટ માટે ઓફર કરી રહી છે. રાજકોટમાં પણ રી-ડેવલપમેન્ટ માટે રહીશો અને હાઉસીંગ બોર્ડ વચ્ચે ચર્ચાઓ થઇ છે. પરંતુ વર્ષો પહેલાના મકાન ખાલી કરીને છોડવા આસામીઓ તૈયાર નથી. આ સંજોગોમાં ચોમાસા પૂર્વે સરકારના વિભાગો કડક કાર્યવાહી કરે તેવી  રજૂઆતો થઇ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj