આગ દુર્ઘટના બાદ પૂરા રાજકોટમાં ફાયર સેફટીનું ઇમરજન્સી જેવું ચેકીંગ : હોલી સેન્ટ શાળા અને ટોળીયા હોસ્પિટલમાં દેવાંગ દેસાઇએ જાતે ચકાસણી કરી

રાજકોટમાં ત્રણ પેટ્રોલ પંપ, છ સ્કુલ, હોટલ સહિત 14 મિલ્કત સીલ : કમિશ્નર ખુદ મેદાનમાં

Saurashtra | Rajkot | 30 May, 2024 | 04:07 PM
કુવાડવા રોડના પેટ્રોલ પંપો, પરફેકટ ઓટો, એન.ડી. ફીટનેસ જીમ, રેલનગરની બે, કોઠારીયા રોડની બે શાળાઓ પાસે એનઓસી ન મળતા તાળા મારી દેવાયા : 18 ટીમની દોડાદોડી
સાંજ સમાચાર

રાજકોટ, તા. 30
રાજકોટમાં ગત શનિવારે સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના બાદ વધુ એક વખત ફાયર સેફટીની  ચકાસણી શરૂ કરવામાં આવી છે. મોટી દુર્ઘટના બને, હાઇકોર્ટ જવાબ માંગે, સરકાર હુકમો કરે તે ઘટનાક્રમ વખતે આ વખતના બનાવે અનેકની ખુરશી પણ ધ્રુજાવી દીધી છે ત્યારે રાજકોટમાં આજથી મ્યુનિ. કમિશ્નર દેવાંગ દેસાઇએ જાતે ફિલ્ડમાં ઉતરી જાહેર સ્થળો, બિલ્ડીંગ, શૈક્ષણિક સંસ્થાઓની ચકાસણી શરૂ કરતા અને આજે શાળા, પેટ્રોલ પમ્પ, હોટલ સહિત 14 મિલ્કતોેને સીલ કરી દેતા ફફડાટ મચ્યો છે. 

રાજકોટમાં ફાયર સેફટીના નામે બધુ જેમ તેમ ચાલે છે અને જોખમ તો ચારે બાજુ છે તેવું આજે વધુ એક વખત સાબિત થયું છે. કમિશ્નરે કરેલી તપાસમાં પણ બેદરકારી દેખાઇ હતી. તમામ 18 વોર્ડમાં ચાલતા ચેકીંગમાં આજે છ સ્કુલ, 3 પેટ્રોલ પમ્પ, હોટલ, કોમ્પ્લેક્ષ સીલ મારી દેવામાં આવ્યા છે. 

મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ  હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશન કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જ્યાં જનતા એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા દરેક વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ વોર્ડ કમિટી દ્વારા ઝૂંબેશના રૂપમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેમાં દેવાંગ દેસાઈએ પોતે પણ વોર્ડ નં. 8 માં કાલાવડ રોડ પર સેન્ટ હોલી સ્કૂલ અને વોર્ડ નં. 7મા એસ્ટ્રોન નાલા પાસે આવેલ ટોળિયા હોસ્પિટલ ખાતે ફાયર ટીમ સાથે વિઝિટ કરી હતી. 

આજે જે જે વોર્ડમાં કાર્યવાહી થઇ છે તેની માહિતી પીઆરઓ દ્વારા જાહેર કરવામાં આવે છે. 
► વોર્ડ નં. 4માં કુવાડવા રોડ પર ભારત પેટ્રોલ પંપ, આન પેટ્રોલ પંપ, જીઓ પેટ્રોલ પમ્પ, અને હોટલ નોવા ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે. 
► વોર્ડ નં. 1 માં મારૂતિ સુઝુકીનો પરફેક્ટ ઓટો શો રૂમ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે. 
► વોર્ડ નં.11 માં નાણા મવા રોડ પર એન.ડી. ફિટનેસ જિમ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે. 
► વોર્ડ નં. 8માં હોલી કિડ્સ સ્કૂલનો ચોથો માળ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે. 
► વોર્ડ નં. 3 માં રેલનગર રોડ પર આવેલ શ્રી આશીર્વાદ સ્કૂલ અને પ્રગતિ સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે. 
► વોર્ડ નં. 10 માં  કે-7 એકેડેમી ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે. 
► વોર્ડ નં.18માં પાલવ સ્કૂલ, જ્ઞાનગંગા સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે. 
► વોર્ડ નં. 6માં પેડક રોડ પર આવેલ અક્ષર પ્લાઝા કોમ્પ્લેક્સ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે. 
► પી એન્ડ બી કિડ્સ ઝોન ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે. 

કમિશ્નરે જણાવ્યું હતું કે, ઝૂંબેશના રૂપમાં હાથ ધરાયેલ આ કામગીરીમાં હોસ્પિટલ, ટ્યુશન કલાસીસ, મોલ, અને શોપીંગ કોમ્પ્લેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, સ્કુલ કોલેજ તથા અન્ય જાહેર સ્થળો કે જ્યાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં ચેકિંગ કરવામાં આવશે. જે સ્થળોએ ફાયર એન.ઓ.સી. અને બિલ્ડીંગ યુઝ પરમિશન નહીં હોય તે સ્થળોને સીલ કરવામાં આવશે. 

આ ઝૂંબેશ દરમ્યાન વોર્ડ કમિટીના સભ્યો દ્વારા વિવિધ બાબતોની ચકાસણી કરવામાં આવનાર છે, જેમાં ફાયર ડીટેકશન સીસ્ટમ અને આલારામ સીસ્ટમ છે કે નહી ? ફાયર હાઇડ્રન્ટ સીસ્ટમ છે કે નહી ? ઈમરજન્સી એકઝીટ અને સીડી છે કે નહી ? ઈમરજન્સી લાઇટીંગ અને સાઇનેજીસ છે કે નહી ? સ્ટાફને તાલીમ આપેલ છે કે નહી ? તેની છેલ્લી તારીખ ? ફાયર ફાઇટીંગ સીસ્ટમ મેઇન્ટેન્સ થાય છે કે નહી ? બિલ્ડીંગમાં ફાયર ફાઇટીંગ વાહન આવી શકે તેમ છે કે નહી ? એસેમ્બલી પોઇન્ટ છે કે નહી ? જેવી બાબતોનો સમાવેશ થાય છે. 

કમિશ્નર સીધા ફિલ્ડમાં : રાજકોટમાં ફાયર સેફટી સાથે કોઇ સમાધાન નહીં કરવા માંગતા કમિશ્નર દેવાંગ દેસાઇ આજે અધિકારીઓની ટીમ સાથે જુદા જુદા વિસ્તારમાં ઉતરી પડયા છે. આજે શાળા, પેટ્રોલ પંપ, હોટલ સહિતની ડઝનથી વધુ મિલ્કતો જાતે સીલ કરાવી હતી. (તસ્વીર : પંકજ શીશાંગીયા)

કયાં-કયાં સીલ મરાયા
► ભારત પેટ્રોલ પંપ
► આન પેટ્રોલ પંપ
► જીઓ પેટ્રોલ પંપ
► હોટલ નોવા
► પરફેકટ ઓટો શો રૂમ
► એન.ડી. ફિટનેસ જીમ
► હોલી કીડ સ્કુલનો ચોથો માળ
► આશિર્વાદ સ્કુલ
► પ્રગતિ સ્કુલ
► કે-7 એકેડેમી
► પાલવ સ્કુલ
► જ્ઞાનગંગા સ્કુલ
► અક્ષર પ્લાઝા કોમ્પ્લેક્ષ
► પી એન્ડ બી કીડસ ઝોન

ગેરકાયદે ખડકલા તોડી પાડવા તૈયારી
શાળા, હોસ્પિટલ, મોલ, ગેમઝોન, રેસ્ટોરન્ટના બાંધકામની ચકાસણી શરૂ 
કમ્પલીશન સર્ટીફીકેટ આપ્યા બાદ પણ સતત ચેકીંગ ચાલુ રાખવા ઇજનેરોને આદેશ : નવી માર્ગદર્શિકા જાહેર કરતા કમિશ્નર : ઈમ્પેકટની ફાઇલોની પણ તપાસ : 30% મકાનોનું રેન્ડમ વેરીફીકેશન

રાજકોટ, તા. 30
મહાનગરપાલિકા દ્વારા બાંધકામ વપરાશ (બીયુ)ની પરવાનગી અપાયા બાદ સમયાંતરે સ્થળ ચકાસણી કરવા અંગેની માર્ગદર્શિકાને અનુસરવા આજે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ હુકમ કરેલ છે. 

આજે કમિશ્નરે જાહેર કર્યુ હતું કે શહેરમાં આવેલ મકાનો કે જેમાં મોટી સંખ્યામાં વ્યક્તિઓ એકત્રિત થતા હોય તથા સી.જી.ડી.સી.આર.ની જોગવાઈ મુજબ એસેમ્બલીની વ્યાખ્યા હેઠળ આવતાં હોય તેવા સિનેમા, મલ્ટીપ્લેક્ષ, ઓડીટોરીયમ, બેન્કવેટ-કોમ્યુનીટી હોલ, ગેમિંગ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન કલાસીસ, મોટા શોપિંગ મોલ, ફૂડ-કોર્ટ, રેસ્ટોરન્ટ વગેરે તેમજ હોસ્પિટલ પ્રકારના બાંધકામો વિગેરે સંદર્ભે સલામતી તેમજ બિનઅધિકૃત બાંધકામ પ્રવૃત્તિને નિયંત્રિત કરી શકાય તે માટે સમયાન્તરે સ્થળ ચકાસણી માટે કાર્યપધ્ધતિ (એસઓપી) અનુસરવા હુકમ કરવામાં આવેલ છે. 

ઉપરોકત પ્રકારના મકાનો તા.01/06/2024 ની સ્થિતિએ બાંધકામ વપરાશની પરવાનગી ધરાવે છે કે નહિ તેની અદ્યતન યાદી ત્રણ માસમાં તૈયાર કરવાની રહેશે. જયાં પરવાનગી નથી એવા મકાનો સંદર્ભે બી.યુ. પરવાનગી મળવાપાત્ર હોય તેવા કિસ્સામાં દિન-14માં બાંધકામ વપરાશની પરવાનગી મેળવી રજુ કરવા જાણ કરવી અને જો તેમ કરવામાં ન આવે તો મકાનનો ઉપયોગ બંધ કરવા નોટીસ આપીને વીજ જોડાણ બંધ કરવા તથા સીલની કાર્યવાહી કરાશે. જયાં બીયુ મળવાપાત્ર નથી તેવું પ્રાથમિક રીતે જણાઈ આવે તેવા કિસ્સામાં બાંધકામ સીલ કરાશે.

ઇમ્પેકટ હેઠળ બાંધકામ નિયમિત થવાને  પાત્ર ન હોય તે નામંજૂર કરી, સીલની કાર્યવાહી કરી, બાંધકામ દુર કરવા  આવશે જેઓએ ઇમ્પેકટ હેઠળ અરજી કરી નથી તે બાંધકામ હટાવી દેવામાં આવશે. 

આ કેટેગરીમાં આવતા મોટા એકમો સંદર્ભે જેમાં બાંધકામ વપરાશની પરવાનગી આપવામાં આવેલ છે, ઇસ્યુ થયેલ છે, નિયમિતતાની કાર્યવાહી કરવામાં આવેલ છે તેવા બાંધકામો દર છ માસના સમયાંતરે ઓછોમાં ઓછી એક વાર થાય તે રીતે ઉપરોક્ત તમામ બાંધકામની સ્થળ ચકાસણી કરી  એન્ટ્રી, એકઝીટ, સીડી સહિતની ચકાસણી, અનધિકૃત બાંધકામ કે સલામતી જોખમાય તે પ્રકારના ગેરકાયદેસર ફેરફાર કરેલ છે કે કેમ? તેની તપાસ ઇજનેરો કરીને ટીપીઓને રજૂ કરશે. 

બાંધકામનો ઉપયોગ કે બાંધકામની સ્થળ સ્થિતિમાં મોટા પ્રમાણમાં અનધિકૃત ફેરફાર થયેલ હોય તો તાત્કાલિક ઉપયોગ બંધ કરાવી બાંધકામ સીલ કરી ડિમોલીશન કરવા પણ કાર્યવાહી થશે. એટીપી દ્વારા ઉપરોક્ત પૈકી અંદાજીત 20% જેટલા મકાનોની અને ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા 10% જેટલા મકાનોનું રેન્ડમ વેરીફીકેશન કરવાનું રહેશે.

કોમ્પ્યુટર વિભાગ દ્વારા ઉપરોક્ત કામગીરી માટે સોફ્ટવેર પ્રોગ્રામ કરવા, ફોટોગ્રાફ સહિતનો ડેટા પણ તૈયાર કરવામાં આવશે તેમ મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતું. 

ફાયર-ટીપી શાખાના કર્મચારીઓની રજા પણ રદ્દ કરી નાખતા કમિશ્નર
આગ દુર્ઘટનાના કટોકટી જેવા સંજોગોમાં રજા પરથી પરત ફરી જવા પણ સૂચના
રાજકોટ, તા. 30

રાજકોટમાં સર્જાયેલી આગ દુર્ઘટનાના પગલે તમામ સરકારી કચેરીઓ તપાસમાં ઉંધા માથે થઇ છે ત્યારે મ્યુનિ. કમિશ્નરે કોર્પો.ની મુખ્ય સંલગ્ન ફાયર અને ટાઉન પ્લાનીંગ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ્દ કરી દીધી છે. હવે કોઇ રજા પર હોય તો તાત્કાલીક હાજર થવા પણ હુકમ કર્યો છે. 

મહાનગરપાલિકા દ્વારા વર્તમાન સંજોગોને નજર સમક્ષ રાખીને વહીવટી સરળતા ખાતર મ્યુનિસિપલ કમિશનર  દેવાંગ દેસાઈ દ્વારા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ શાખા અને ટાઉન પ્લાનિંગ શાખામાં ફરજ બજાવતા તમામ અધિકારી, કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ રદ કરવા અને જો કોઈ અધિકારી, કર્મચારી રજા પર હોય તો તાત્કાલિક અસરથી કરજ પર હાજર થવા હુકમ કરવામાં આવેલ છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj