રાજકોટ,તા.5
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયનાં અનેક સ્થળોએ હિટવેવ હાહાકાર પચાવી રહ્યો છે. અને તાપમાન સતત વધતા ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે. ત્યારે ગઈકાલે જ ભુજ, રાજકોટ, અમરેલી, ડિસા, સુરેન્દ્રનગર સહિત આઠ સ્થળોએ તાપમાનનો પારો 41 થી 44 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.
રાજકોટ, સુરેન્દ્રનગર પછી ભૂજમાં દેશનું સર્વાધિક તાપમાન નોંધાયું : રાજકોટ, સુરેન્દ્રનગરમાં 43 સે., ડીસામાં 42, જુનાગઢ, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, કેશોદ, કંડલામાં પણ પારો 41 સે.ને પાર
રાજકોટ, : સમગ્ર દેશમાં ઉનાળાના આરંભે સૌથી વધારે તાપમાન સૌરાષ્ટ્ર-કચ્છમાં નોંધાવા સાથે આ પ્રદેશ દેશનો સૌથી ગરમ પ્રદેશ બની રહ્યો છે. ચાર દિવસથી સતત ઉષ્ણલહર સાથે અંગ અંગ દઝાડતી લૂ વર્ષા અવિરત જારી રહી છે.
આજે સમગ્ર દેશમાં સૌથી વધુ તાપમાન ભૂજમાં 44.5 સે. નોંધાયું હતું જે છેલ્લે ઈસ 2017માં ભૂજમાં એપ્રિલ માસના સર્વાધિક તાપમાન કરતા વધુ એટલે કે 8 વર્ષનું સૌથી વધુ છે. આ સિલસિલો જારી રહે તો ગરમીમાં સદીનો રેકોર્ડ તૂટવાની ભીતિ છે.
કચ્છની સાથે રણપ્રદેશથી દૂર આવેલા છતાં રાજકોટમાં તેમજ સુરેન્દ્રનગરમાં માત્ર રાજ્યનું નહીં પણ દેશનું સર્વાધિક તાપમાન નોંધાઈ રહ્યું છે. ભૂજ પછી આજે વધારે તાપમાન સુરેન્દ્રનગરમાં 43.2 અને રાજકોટમાં 42.9 સે. નોંધાયું હતું. રાજકોટમાં ગીચ વિસ્તારોમાં તો 45થી 46 સે.તાપમાન સેન્સરોમાં નોંધાયું છે.
આ ઉપરાંત આજે જુનાગઢ, કેશોદ, અમદાવાદ, ગાંધીનગર, અમરેલીમાં પણ પારો ઉંચકાઈને 41 સે.ને પાર થયો હતો. જ્યારે ડીસા અને કંડલા એરપોર્ટ ખાતે 42 સે. તાપમાન સાથે તીવ્ર તાપથી લોકો ત્રાહિમામ પોકાર્યા હતા. હીટવેવની ચેતવણી વધારીને રાજકોટ,કચ્છમાં આગામી તા. 9 સુધી ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.
ત્યારે જામનગર દરિયાકાંઠે આવેલું હોવા છતાં હીટવેવના કારણે એપ્રિલ મહિનાના પ્રારંભે ગરમી 39.5 ડિગ્રીએ પહોંચતા શહેરીજનો તોબા પોકારી ગયા છે. બપોરના સમયે અંગ દઝાડતા તાપથી મુખ્ય માર્ગો સૂમસામ જોવા મળ્યા હતાં. લઘુતમ તાપમાન 21.5 ડિગ્રી પહોંચ્યું છે.જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95 નોંધાયું છે.અને પવનની ગતિ પ્રતિકલાક 6.7 કિમી રહી છે.
મોસમનું અત્યાર સુધીનું સૌથી ઉચુ તાપમાન નોંધાયું હતું. ત્યારે 9 એપ્રિલ સુધી તીવ્ર લૂ-વર્ષાની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળામાં હવામાન સૂકું અને ગરમ રહેવાનું હોય લોકોએ આકરા તાપનો સામનો કરવો પડશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy