જામ ખંભાળિયા, તા. 17
ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાયેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ ભરાણા અને જુવાનપુર તાલુકા પંચાયતની એક-એક બેઠક પરની પેટા ચૂંટણીમાં રવિવારે એકંદરે સરેરાશ 49.57 ટકા અને 40 ટકા જેટલું શાંતિપૂર્ણ મતદાન થયું છે. સલાયામાં એક સ્થળે ઈ.વી.એમ. મશીન બગડતા તંત્રએ તાકીદે તે બદલ્યું હતું.
ખંભાળિયા તાલુકાના સલાયા નગરપાલિકાના સાત વોર્ડના 28 ઉમેદવારો માટે કુલ 27,270 મતદારો પૈકી 13,538 મતદારોએ, ભાણવડ નગરપાલિકાના 6 વોર્ડના કુલ 12,332 મતદારો પૈકી કુલ 6,784 મતદારોએ તેમજ દ્વારકા નગરપાલિકાના 7 વોર્ડના કુલ 23,357 પૈકી 10,887 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પૂર્વે જ દ્વારકાની 28 પૈકી 9 બેઠકો અને ભાણવડની 24 પૈકી 8 બેઠક બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી. જેથી ગઈકાલે રવિવારે સલાયાના 28 સદસ્યો, ભાણવડના 16 અને દ્વારકાના 19 સભ્યો માટેની ચૂંટણી યોજાઈ હતી.
રવિવારે સવારે મતદાનના પ્રારંભ પૂર્વે ચુંટણી સ્ટાફ સાથે પોલીસના જવાનો દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેના કારણે આજે દિવસ દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
દ્વારકામાં શાંતિપૂર્ણ 46.61 ટકા મતદાન થયું
ભાજપના ગઢ અને છેલ્લા આશરે ત્રણ દાયકાથી પ્રભુત્વ ધરાવતી ભાજપ શાસિત દ્વારકા નગરપાલિકાની પ્રથમ વખત નવ બેઠક બિનહરીફ બની રહી હતી. ત્યારે વધુ એક વખત દ્વારકા નગરપાલિકા પર ભાજપનો કબજો યથાવત રહે તે માટે સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક તેમજ અન્ય નેતાઓ દ્વારા કવાયત કરવામાં આવી હતી.
ત્યારે 19 બેઠકો માટેની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં 5,951 પુરુષ અને 4936 મહિલાઓ મળી કુલ 31,209 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં સરેરાશ અનુક્રમે 49.75 ટકા અને 43.32 ટકા સાથે કુલ સરેરાડ મતદાન 46.62 ટકા થવા પામ્યું છે. દ્વારકા નગરપાલિકામાં આ વખતે પણ ભવ્ય વિજય માટે ભાજપ દ્વારા મજબૂત આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ભાણવડમાં 55 ટકા મતદાન
આ ઉપરાંત સખળ-ડખળ માટે વગોવાયેલી ભાણવડ નગરપાલિકામાં આ વખતે ભાજપે એડી ચોટીનું જોર લગાવવા સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રદ થતાં ભાજપને આઠ બિનહરીફ બેઠકોનો મોટો ફાયદો થઈ ચૂક્યો છે. ત્યારે ગઈકાલે ભાણવડ નગરપાલિકાની અન્ય 16 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં 3,665 પુરુષ અને 3,119 મહિલાઓ મળી કુલ 6,784 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં સરેરાશ અનુક્રમે 59.85 ટકા અને 50.24 ટકા મળી કુલ મતદાન 55.01 ટકા થયું છે.
સલાયામાં 49.64 ટકા મતદાન
કોંગ્રેસનો ગઢ રહેલી ખંભાળિયા તાલુકાની સલાયા નગરપાલિકામાં અગાઉના ઇતિહાસમાં ભાજપનો પન્નો ટૂંકો રહ્યો છે. આ વખતે પણ અહીં ભાજપને ચૂંટણી લડવા માંડ 50 ટકા જેટલા જ ઉમેદવારો મળ્યા છે. આટલું જ નહીં, ખૂબ જ ઉત્તેજનાસભર બની ગયેલી 7 વોર્ડની 28 સભ્યો માટેની ચૂંટણીમાં આ વખતે પ્રથમ વખત એ.આઈ.એમ.એ.આઈ. પક્ષએ પણ ઝુકાવ્યું છે. જેથી અહીં સર્જાયેલા ચોપાંખિયા જંગમાં કોંગ્રેસ, આપ અને એ.આઈ.એમ.એ.આઈ.એ પણ જોર લગાવ્યું છે.
ગઈકાલે સલાયા નગરપાલિકાની ચૂંટણીના પ્રારંભે સવારે જીન વિસ્તારમાં એક ઈ.વી.એમ. બગાડતા ચૂંટણી તંત્રએ તાકીદે આ ઈ.વી.એમ. બદલાવ્યું હતું. આમ, આજે સાંજે છ વાગ્યા સુધીમાં સલાયા નગરપાલિકાની 28 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં 5,585 પુરુષ અને 7,953 મહિલાઓ મળી કુલ 13,538 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં સરેરાશ અનુક્રમે 41.64 ટકા અને 57.39 ટકા સાથે કુલ સરેરાસ 49.64 ટકા મતદાન થવા પામ્યું છે.
દ્વારકા, ભાણવડ અને સલાયાની તમામ ત્રણ નગરપાલિકાનું કુલ સરેરાશ મતદાન 49.57 ટકા નોંધાયું છે.
ભરાણા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 43.42 ટકા મતદાન
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામની તાલુકા પંચાયતની ખાલી પડેલી એક બેઠક માટે ગઈકાલે યોજાયેલી પેટા ચૂંટણીમાં કુલ 6,517 પૈકી 2830 મતદારોએ મતદાન કરતા 43.42 ટકા મતદાન થવા પામ્યું છે.
જુવાનપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 36.38 ટકા મતદાન
કલ્યાણપુર તાલુકા પંચાયતની જુવાનપુર બેઠકની એક બેઠક પરની પેટા ચૂંટણીમાં 6173 પૈકી 1,451 પુરુષો અને 795 સ્ત્રીઓ મળી કુલ 2,246 મત પડ્યા હતા. જેથી મતદાનની કુલ ટકાવારી માત્ર 36.38 ટકા રહી હતી. તાલુકા પંચાયતની ઉપરોક્ત બંને બેઠકની પેટા ચૂંટણીમાં કુલ સરેરાશ મતદાન 40 ટકા રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા અને તાલુકા પંચાયત (પેટા)ની આ ચૂંટણી માટે જિલ્લાના 43 સંવેદનશીલ સહિત કુલ 92 મતદાન બુથમાં નોંધાયેલા કુલ 75 હજાર જેટલા મતદારો માટે આ ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી. ખૂબ જ ઉત્તેજનાસભર બની ગયા જિલ્લાની કુલ પાંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેકટર આર.એમ. તન્ના તેમજ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની ટીમ દ્વારા તમામ જરૂરી પગલાંઓ લેવામાં આવ્યા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન કાર્યવાહી સંપન્ન થઈ છે.
ભાવિ ઈ.વી.એમ.માં સીલ
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકા તેમજ બે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં મેદાનમાં રહેલા કુલ 181 ઉમેદવારોના ભાવિ ઈ.વી.એમ.માં સીલ થયા છે. ગતરાત્રે જુદા જુદા સ્થળોએથી તમામ ઈ.વી.એમ. તેમજ બી.યુ. મશીનોને સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં રાખી દેવામાં આવ્યા છે. આવતીકાલે મંગળવારે આ તમામ સ્થાનિક રાજ્યની તમામ ચૂંટણી મતગણતરી નિયત સ્થળે કરવામાં આવશે.(તસ્વીર : કુંજન રાડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy