રાજકોટ, તા.19
રાજકોટમાં ચાર વર્ષની બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં બોલપેન અથવા એવી કોઈ વસ્તુ ઘુસાડી દેતા બાળકીને ગુપ્તાંગમાંથી પરુ નીકળતા માતાને જાણ થઈ હતી. પોલીસે દિવસો સુધી ફરિયાદ નોંધી નહોતી. ગઈકાલે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
અંતે રેલનગરની કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષિકા સામે ફરિયાદ નોંધાઈ હતી. બાળકીના માતા ફરિયાદી બન્યા હતા. આ બનાવમાં પ્રિન્સિપાલએ બચાવ કર્યો કે, સ્કૂલમાં કંઈ નથી થયું. જ્યારે શિક્ષિકાએ આક્ષેપો ખોટા ઠરાવ્યા છે.
બનાવની સૂત્રો પાસેથી મળેલી વિગત અનુસાર, 4 વર્ષની બાળકી તેના પરિવાર સાથે રેલનગર વિસ્તારની એક સોસાયટીમાં રહે છે. પિતા પીજીવીસીએલમાં નાયબ અધિક્ષક અધિકારી છે.
હજુ ગયા વર્ષે જૂન મહિનામાં આ માસુમ બાળકીને કેજી નર્સરીમાં બેસાડી હતી. રેલનગરમાં જ આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના ઈંગ્લીશ માધ્યમાં કેજી નર્સરીમાં બાળકીનું એડમીશન કરાવ્યું હતું. ગત તા. 11ના રોજ બાળકી સ્કૂલેથી ઘરે આવી ત્યારે પોતાના માતાને કહ્યું કે, મને પેશાબની જગ્યાએ દુખે છે.
ગરમીના કારણે બળતરા થતી હશે. તેમ વિચારી માતાએ કાંઈ ખાસ ધ્યાન આપ્યું નહીં. બીજા દિવસે ફરી સ્કૂલેથી આવી બાળકીએ પેશાબની જગ્યામાં ખૂબ દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરી. જેથી માતાએ નીરખીને જોતા બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં પરુ જેવો ચીકણો પદાર્થ નીકળતો હતો. ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં બાળકીને દાખલ કરવામાં આવી હતી.
બાદમાં કોણે કૃત્ય કર્યું? એ જાણવા બાળકીને તેની સ્કૂલમાં સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓ, ટીચર, શિક્ષક, સ્ટાફના ફોટા બતાવી કોણે તેને પ્રાઇવેટ પાર્ટની જગ્યાએ લગાવ્યું એ પૂછતાં બાળકીએ એક ટીચરના ફોટા પર હાથ મુક્યો હતો. તા.16/4ના રોજ ડોકટરે એમએલસી જાહેર કરતા મામલો પ્રદ્યુમનનગર પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે નિવેદન લીધું હતું. બસ પછી એફઆઈઆર નોંધી નહોતી.
સૂત્રોએ જણાવ્યું કે, સ્કૂલના સીસીટીવી ચેક કરાયા હતા પણ કંઈ મળ્યું નહોતું. પિતાનો આક્ષેપ છે કે માત્ર એક જ દિવસના સીસીટીવી બતાવ્યા છે. પિતાએ જણાવ્યું કે, અમે બાળકીને પૂછીએ કે તને નીચેની જગ્યાએ બોલપેન મારી છે? તો બાળકી હા પાડે છે.
આ બનાવ દબાવવા પ્રયાસ થયો હતો પણ મીડિયામાં અહેવાલો પ્રકાશિત થતા તુરંત જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. ગત સાંજે જ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં એવો ઉલ્લેખ કરાયો કે, કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના આરોપી ટીચરે બાળકી સ્કૂલે હતી ત્યારે તેના ગુપ્તાંગમાં કોઈ વસ્તુ, આંગળી કે પેન નાખી ઈજા કરી મૂંઢ માર મારેલ હોય, પોક્સો, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.
ઘટનાના દિવસો બાદ હવે એસીપી બાળકીની મુલાકાત લેવા જશે
પ્રદ્યુમનનગર પોલીસ મથકે જે ગુનો દાખલ થયો છે તેમાં પોક્સો અને એટ્રો સિટી એક્ટની કલમો લેવાઈ છે. જેથી કાયદા મુજબ તપાસ એસીપી કક્ષાના અધિકારી કરી શકે છે. બનાવ 11 તારીખ આસપાસનો છે. પોલીસમાં સત્તાવાર એમએલસી તા. 16/4ના રોજ થઈ છે.
આશ્ચર્યની વાત એ છે કે, બનાવના દિવસો બાદ ગઈકાલે પીઆઇએ બાળકીની રૂબરૂ મુલાકાત લીધી હતી અને હવે ઘટનાના દિવસો બાદ હવે એસીપી બાળકીની મુલાકાત લેવા જશે. તેવું સૂત્રોમાંથી જાણવા
મળ્યું છે.
NSUI નો વિરોધ : શિક્ષકની ધરપકડ અને ઝડપી તપાસની માંગ
આજે રેલનગરની કર્ણાવતી સ્કૂલ બહાર દેખાવો કરાયા હતા. એનએસયુઆઈ એ આ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે કેટલાક વિદ્યાર્થી નેતાઓની અટકાયત કરી હતી. એનએસયુઆઈ દ્વારા શિક્ષકાની ધરપકડ અને ઝડપી તપાસની માંગ કરાઈ હતી.
અમે બાળકીના માતા પિતાને સીસીટીવી બતાવ્યા તેમાં કોઈ જ ઘટના બન્યાનું જણાતું નથી : પ્રિન્સિપાલ
સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા મીડિયા સમક્ષ નિવેદન અપાયું હતું કે, અમને બનાવ અંગે માતા પિતાએ વાત કરી ત્યારે અમે સ્કૂલમાં લાગેલા સીસીટીવી બતાવ્યા હતા. કલાસ રૂમના સીસીટીવી બતાવ્યા હતા. જેમાં આવી કોઈ જ ઘટના બની હોવાનું જણાતું નથી. ટીચરે એવું કશું કર્યું હોય તેવા કોઈ પ્રુફ નથી. સ્કૂલમાં આવી કોઈ ઘટના બની નથી. માતા પિતાએ જ્યારે એવી વાત કરી કે ટીચર દ્વારા ઈજા પહોંચાડવામાં આવી છે. ત્યારે આ કારણ ખોટું છે.
બાળકી કંઈ બોલી પણ નથી શકતી તો મારી સામે આક્ષેપો કર્યાં છે તે ખોટા છે : ટીચર
જેના પર આરોપ લાગ્યો છે તે ટીચરે જણાવ્યું કે, જે બાળકી સરખું બોલી પણ નથી શકતી તેના માતા પિતા આટલો મોટો આક્ષેપ કરે છે તો એ તદ્દન ખોટો છે. ક્લાસમાં સીસીટીવી કેમેરા લાગેલા છે. બાળકી ત્રણ કલાક સુધી એક જ જગ્યાએ બેઠી છે. બાળકી ઘરની બહાર પણ જતી હોય, માતા પિતાએ બીજે પણ તપાસ કરવી જોઈએ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy