TRP ગેમ ઝોન અગ્નિકાંડ : તપાસમાં ACB, CID ક્રાઇમ, SIT એ ઝુકાવ્યું : મનપા-પોલીસમાં અધિકારીઓની ‘કુંડળી’ કાઢી

Gujarat | Rajkot | 30 May, 2024 | 04:22 PM
કોર્પોરેશન મુખ્ય કચેરી, પોલીસ કમિશ્નર ઓફિસ તથા ક્રાઇમ બ્રાંચ, રાજકોટ તાલુકા મથક પર 2021થી ફરજ બજાવનારા અધિકારીઓ-કર્મચારીઓનું લીસ્ટ અલગ અલગ એજન્સીએ કઢાવી તપાસ તેજ કરી : ગૃહવિભાગના સીધા સુપરવિઝનમાં ટીમોએ સરકારી કચેરીમાં ધામા નાંખતા હલચલ : જેના જેના સમયમાં ગેમઝોન ચાલતો રહ્યો તે તમામને જવાબ આપવો પડે એવી નોબત
સાંજ સમાચાર

રાજકોટ, તા. 30
રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડના ઘેરા પડઘા પડી રહ્યા છે. મહાપાલિકા, પોલીસ, વીજ તંત્ર, માર્ગ-મકાન સહિતની કચેરીઓમાં તપાસનો ધમધમાટ ચાલે છે ત્યારે ગઇકાલથી એન્ટી કરપ્શન બ્યુરોએ આ તપાસમાં ઝંપલાવતા વર્ગ-1 થી 3ના અધિકારીઓ અને કર્મચારીઓમાં હલચલ મચી ગઇ છે. આજે ક્રાઇમ બ્રાંચ, સીટી પોલીસ, એસીબી, ‘સીટ’ના પ્રતિનિધિઓની ટીમ મહાપાલિકા સહિતની કચેરીમાં પથરાઇ ગઇ હતી.

કોર્પોરેશનમાંથી પોલીસ વિભાગ દ્વારા 2021થી 2024 સુધીના વર્ષમાં ફરજ બજાવી ગયેલા અને હાલ ફરજ બજાવતા કર્મચારીઓ, અધિકારીઓનું લીસ્ટ  લઇ જવામાં આવતા વહીવટી તંત્રમાં નવો ડર બેસી ગયો છે. 

એસીબીની ટીમ ગઇકાલથી રાજકોટમાં છે. મહાપાલિકાની ટીપી, ફાયર, પોલીસ, માર્ગ-મકાન વિભાગમાં સસ્પેન્શન, અટકાયત, પુછપરછનો દૌર ચાલી રહ્યો છે. આજે તો સરકારે બનાવેલી સીટના સભ્યોએ ઉચ્ચ અધિકારીઓની પુછપરછ કરી છે. સરકાર દ્વારા ર0ર1માં જયારથી ગેમ ઝોન બન્યુ ત્યારથી આજ સુધીમાં જે તે વિસ્તારમાં, વિભાગમાં, વોર્ડમાં, પોલીસ સ્ટેશનમાં કેટલા અને કયાં કયાં કર્મચારી ફરજ બજાવી ગયા તેની સામે પણ તપાસ કરવા સૂચના અપાઇ છે. આથી દરેક વિભાગની મહેકમ શાખા પાસેથી એજન્સી લીસ્ટ લઇ ગઇ છે. 

સરકારના પત્ર સાથે કે મૌખિક સુચનાના આધારે પણ આ યાદી મેળવવામાં આવી રહી છે. મહાપાલિકામાં ટાઉન પ્લાનીંગ, ફાયર એન્ડ ઇમરજન્સી, વોર્ડ ઓફિસર, વોર્ડ એન્જીનીયર, એટીપી સહિતના વોર્ડ કક્ષાના અધિકારીઓની  કામગીરી અને છેલ્લા ચાર વર્ષની સેવાઓનું લીસ્ટ લેવામાં આવ્યું છે. 2021માં જયારે ગેમ ઝોન બન્યો ત્યારે કયાં અધિકારી કયાં કયાં ફરજમાં હતા, તે બાદ તેમની જગ્યાએ કયા કર્મચારીઓ આવ્યા, હાલ કયા અધિકારી ફરજ બજાવે છે તે તમામનું લીસ્ટ સરકાર સ્કેન કરવા માંગે છે.

મનપામાં વોર્ડ ઓફિસર, એન્જી., એટીપી સહિતના અધિકારીઓની  સમયાંતરે થતી રહે છે. ચૂંટણી આચારસંહિતા થયા પૂર્વે પણ કમિશનરે બદલીનો ગંજીપો ચીપ્યો હતો. આ તમામ લીસ્ટનો સરવાળો લાગી રહ્યો છે.  ગેમ ઝોન ધમધમતો થયો ત્યારે જે અધિકારીઓ ફરજ પર હતા તેમની પહેલી જવાબદારી તપાસનીશ એજન્સી નોંધે છે. તેમની બદલી બાદ જે અધિકારીઓ ચાર્જમાં આવ્યા તેઓએ આંખ આડા કાન કર્યાની છાપ છે.

જોકે ફાયર એનઓસી વગર બધુ બારોબાર ચાલતું હોય તે બધા અધિકારીઓની જાણમાં હોતું નથી. આથી કેટલાક કર્મચારીઓ  આ અગ્નિકાંડમાં અજાણતા જ દાઝી રહ્યાની છાપ પણ ઉપસી રહી છે. આથી જ સરકારે ન માત્ર કર્મચારીઓ પરંતુ ઉચ્ચ અધિકારીઓની પોલીસ મારફત પુછપરછ અને મ્યુનિ. તથા પોલીસ કમિશ્નરોની બદલી કરીને આકરા પગલાનો સંકેત આપી દીધો હતો. 

આ જ પ્રક્રિયા પોલીસ વિભાગમાં લાગુ પડે છે. છેલ્લા ચાર વર્ષમાં જે તે પોલીસ સ્ટેશન, લાયસન્સ બ્રાંચ જેવી જગ્યાએ ફરજ બજાવી ગયેલાનું લીસ્ટ પણ ક્રાઇમ બ્રાંચ અને એસીબી દ્વારા મેળવવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. એકંદરે જે જે લોકોએ જાણતા કે અજાણતા આંખ આડા કાન કર્યા તે તમામને જવાબદારી યાદ કરાવવાની દિશામાં આ તપાસ ચાલતી હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj