રાજકોટ, તા.13
રાજકોટમાં રોજબરોજ તોફાની તત્વોના વીડિયો વાઇરલ થાય છે. ઘણી વખત ફરિયાદીઓ ડરનાં માર્યા સામે નથી આવતા. જેથી પોલીસ સામેથી ચાલી અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવતી હોય છે. ત્યારે ભક્તિનગર સર્કલ પાસે આવેલ શક્તિ હોટલ ખાતે તોફાન મચાવનાર કોર્પોરેટરના ભત્રીજા અક્રમ દાઉદાણીએ કાન પકડી માફી માંગી હતી. હોટલ સંચાલકે ફરિયાદ ન નોંધાવી, પણ વીડિયો વાઇરલ થતા ભક્તિનગર પોલીસે અક્રમની આગવી સરભરા કરી હતી.
આ અંગે ભક્તિનગર પોલીસના પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયાએ જણાવ્યું કે, બુધવારે રાત્રીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ શકિત હોટલમાં તોડફોડ બાબતે સોશ્યલ મીડીયામાં વીડિયો વાઇરલ થયેલ. કોઇ કારણોસર એક શખ્સ દ્વારા હોટલના થડા પર હાજર વ્યકિત સાથે ઝઘડો કરી અને તોડફોડ કરવાનો પ્રયાસ કરેલ. જેથી બનાવવાળી જગ્યાએ પોલીસ ફરીયાદ જાહેર કરવા જણાવતા પોલીસ ફરીયાદ નહી કરવાનું જણાવેલ હતુ.
છતા જાહેર સુલેહ શાંતિ અને આવી પ્રવૃતિઓને રોકવા તથા તેના પર અંકુશ લાવવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા ઉપરાંત ઇ.ચા.નાયબ પોલીસ કમિશ્નર ઝોન-1શ જગદિશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર બી.વી.જાધવની સુચના અને માર્ગદર્શન હેઠળ તોડફોડ કરનાર શખ્સ અક્રમ રફીક દાઉદાણી (ઉ.વ.24 રહે. નવી ઘાંચીવાડ શેરી નં.7)ની સત્વરે ઓળખ મેળવી અટકાયતી પગલા લેવામાં આવેલ. માફી માંગતો વીડિયો બનાવેલ. જેમાં અક્રમે માફી માંગી હતી.
હવે ક્યારેય આવી કાયદા ભંગની પ્રવૃતિ નહીં કરે તેમજ કોઈ આવી પ્રવૃતિ ન કરે તેવી અપીલ પણ અન્ય યુવાનોને કરી હતી. આ અક્રમ કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણીનો ભત્રીજો છે. તેમ જાણવા મળે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy