TRP ગેમઝોન આગકાંડ : જગ્યાના માલિક અને ગેમઝોનમાં ભાગીદાર આરોપી કિરીટસિંહ જાડેજાની ધરપકડ

Saurashtra | Rajkot | 29 May, 2024 | 11:59 AM
♦ મહિને લાખો રૂપિયા ભાડું મેળવવા ’તા, 10 ટકા ભાગીદારી પણ હતી: ક્રાઈમ બ્રાન્ચ 14 દિવસના રિમાન્ડ સાથે આરોપીને કોર્ટમાં રજૂ કરાશે
સાંજ સમાચાર

♦ જગ્યાનો માલિક અશોકસિંહ જાડેજા હજું ફરાર: ક્રાઈમ બ્રાન્ચે સઘન શોધખોળ હાથ ધરી

રાજકોટ, તા.29
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન આગકાંડના બનાવમાં પાંચમા આરોપી કિરીટસિંહ જાડેજાની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. આરોપી ગેમઝોનની જગ્યાનો મલિક અને ગેમઝોનમાં ભાગીદારી ધરાવતો હોવાનું પણ સામે આવ્યું હતું.

શહેરમાં મોકાજી સર્કલ પાસે આવેલ ટીઆરપી ગેમઝોનમાં ત્રણ દિવસ પહેલાં સાંજના સમયે જ્યારે અંદાજીત 100 જેટલા લોકો અંદર ગેમ રમી રહ્યાં હતાં ત્યારે લાગેલી અચાનક આગથી 28 લોકો જીવતા ભૂંજાઈ ગયાં હતાં. જે બાદ આ મામલે તાલુકા પોલીસ મથકમાં છ શખ્સો સામે સામે મનુષ્યવધની કલમ હેઠળ ગુનો દાખલ થયો હતો.

આ ગંભીર મામલાની તપાસ એસીપી ક્રાઈમ ભરત બસિયાને સોંપવામાં આવી હતી અને ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયા અને ટીમે ફરાર થયેલાં અગાઉ ચાર આરોપીને પકડ્યા બાદ ફરાર થયેલા કીરીટસિંહ જગદિશસિંહ જાડેજાની પણ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આરોપીની સઘન પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી કિરીટસિંહ જાડેજા જે જગ્યામાં ગેમઝોન બનેલો હતો તે જગ્યાના પોતે માલિક હતાં. તેમજ તેઓની 10 ટકા જેટલી ભાગીદારી હોવાનું પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે અગાઉ આરોપી યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, નીતિન જૈનની ધરપકડ કરી ચુકી છે.

ત્રણેય હાલ 14 દિવસના રિમાન્ડ પર છે. જ્યારે ચોથો આરોપી ધવલ ઠક્કરને બનાસકાંઠા એલસીબીની ટીમે આબુરોડ પરથી પકડ્યો હતો. જે હાલ 13 દિવસના રિમાન્ડ પર મુકવામાં આવ્યો છે. જ્યારે હજું એક આરોપી અને જગ્યાનો માલિક અશોકસિંહ જાડેજા ફરાર છે. જેમની ક્રાઈમ બ્રાન્ચની ટીમે સઘન શોધખોળ હાથ ધરી છે.

વેલ્ડીંગ કામના કોન્ટ્રાકટર મહેશ રાઠોડનું નિવેદન નોંધાયું
રાજકોટ, તા.29

ટીઆરપી ગેમઝોન આગકાંડ થયો ત્યારે ત્યાં વેલ્ડીંગ કામ ચાલી રહ્યું હતું અને વેલ્ડીંગ કામ દરમિયાન તણખો થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ અને વીડિયો સામે આવતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે વેલ્ડીંગ કામના કોન્ટ્રાકટર મહેશ રાઠોડનું પણ નિવેદન નોંધ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, મહેશ રાઠોડ પણ આગની ઘટના બની ત્યારે લોકોને બચાવવા જતાં ગંભીર રીતે દાઝયો હતો અને હાલ તેનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, મહેશ રાઠોડ ગેમઝોનના સંચાલક રાહુલ રાઠોડને કાકા થતાં હોવાનું પણ સામે આવ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj