સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો ગઢ અકબંધ રહેવા તરફ : લીડ વધવા લાગી

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Kutch | 04 June, 2024 | 11:09 AM
આઠ બેઠક પર ફરી કમળ ખીલવાના નિર્દેશ : રાજકોટમાં રૂપાલા વિક્રમી જીત તરફ : પુનમબેન માડમ અર્ધો લાખ મતે આગળ : સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલીમાં કમળ-કમળ : પોરબંદર વિધાનસભામાં અર્જુનભાઇ જીત તરફ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 4

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની મત ગણતરી દરમ્યાન આજે સવારે ઉથલપાથલ વચ્ચે ફરી એકંદરે ભાજપનું ચિત્ર ઉજળુ દેખાઇ રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠક પર 11 કલાકે ભાજપના ઉમેદવારો ઓછી વધતી લીડ સાથે  કોંગ્રેસથી આગળ નીકળી ગયા છે.

રાજકોટ લોકસભા બેઠક પર કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા કોંગ્રેસના પરેશ ધાનાણી કરતા એક લાખ મતની લીડથી આગળ છે. સવારે સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને જામનગરમાં કોંગ્રેસના ઉમેદવારો થોડા આગળ હતા પરંતુ બાદમાં  આ બંને સહિત તમામ આઠ બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ નીકળતા સૌરાષ્ટ્રમાં ભાજપનો ગઢ અકબંધ રહે તેવું લાગી રહ્યું છે. 

રાજકોટ લોકસભાની બેઠક પર સવારે પરસોતમભાઇ રૂપાલાને 1,44,378 અને કોંગ્રેસના પરેશ ધાનાણીને 52,454 મત મળતા રૂપાલા 91,924 મતથી આગળ છે. પોરબંદર લોકસભાની બેઠક પર કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા 83,000 મતથી આગળ છે. જામનગરમાં પ્રારંભે થોડા પાછળ રહ્યા બાદ ભાજપના પુનમબેન માડમને 1.44 લાખ અને કોંગ્રેસના જે.પી.મારવીયાને 1.04 લાખ મત મળતા 40,185ની લીડ સવારે હતી. 

ભાવનગરમાં ભાજપના નીમુબેન બાંભણીયાને સવારે 94424 મતની લીડ મળી ગઇ હતી. નીમુબેનને 142761 અને આપના ઉમેશ મકવાણાને 48337 મત મળ્યા હતા. કચ્છમાં પણ ભાજપના વિનોદભાઇ ચાવડા જીત તરફ આગળ વધી રહ્યા છે. તેઓને 92557 અને કોંગ્રેસના નીતેશ લાલણને 67008 મત મળ્યા હતા. જુનાગઢમાં ભાજપ માટે સવારે ચિંતા ઉભી થયા બાદ પક્ષના ઉમેદવાર રાજેશ ચુડાસમા 20,000થી વધુ લીડે આગળ નીકળી ગયા છે. સવારે 10.30 કલાકે ચુડાસમાને 176680 અને કોંગ્રેસના હિરાભાઇ જોટવાને 155892 મત મળ્યા હતા. 

અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતભાઇ સુતરીયા, કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમર કરતા 80000 મતે આગળ નીકળી ગયા છે. સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઇ સિહોરાને સવારે 63326 અને કોંગ્રેસના ઋત્વિક મકવાણાને 36366 મત મળતા ભાજપ 27000 મતે આગળ નીકળી ગયો છે. 

વિધાનસભા
પોરબંદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના અર્જુનભાઇ મોઢવાડીયાને 30000 મતની લીડ છે. અર્જુન મોઢવાડીયાને 33443 અને કોંગ્રેસના રાજુભાઇ ઓડેદરાને 3954 મત મળ્યા છે. માણાવદર વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કસોકસની લડાઇ ચાલુ છે.  ગુજરાતમાં એક માત્ર પાટણ બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. 

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાયું હતું ત્યારે દેશના ભાજપના રાજકારણની પાઠશાળા ગણાતા સૌરાષ્ટ્રમાં આ વખતે ઘણી ઊથલપાથલ જોવા મળી હતી. લોકસભાની 2024ની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠક પર સરેરાશ 55.44 મતદાન થયું હતું. આટલું ઓછું મતદાન થવા પાછળ અસહ્ય ગરમીએ પણ ભાગ ભજવ્યો હતો.

આજે આ મતદાનની ટકાવારી આઠેય બેઠક પર ભાજપ હેટ્રિક ફટકારે છે કે કેટલી બેઠક ગુમાવશે તે તો સંપૂર્ણ પરિણામ જાહેર થયે જાણવા મળશે. લોકસભાની 2014 અને 2019ની ચૂંટણીમાં સતત સૌરાષ્ટ્ર-કચ્છની આઠેય બેઠક પર ભગવો લહેરાયો હતો. આ વખતે ક્યાંકને ક્યાંક રાજકીય ઉથલપાથલો ભાજપને કેટલી અસર કરશે તે આજે સાંજ સુધીમાં જાહેર થઈ જશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj