♣રાજકોટ પોલીસે થરાદ પોલીસને જાણ કરતાં સરહદ પાસે નાકાબંધી કરી અપહ્યત યુવકને છોડાવી છ શખ્સોની ધરપકડ કરી, દારૂના રૂા.3.50 લાખની ઉઘરાણીમાં અપહરણ થયાનું ખુલ્યું
રાજકોટ. તા.28
દારૂ અને જુગારના ધંધામાં લેણી રકમ ચૂકવવી જ પડે છે તેના ઉદાહરણ સમાન બનાવ રાજકોટમાંથી સામે આવ્યો છે. રાજકોટના બુટલેગરે હરિયાણાના દારૂના ધંધાર્થી પાસેથી મંગાવેલ દારૂના રૂપીયા આપવા ન પડે તે માટે વેપારીનો મોબાઈલ નંબર બ્લોક કરી નાંખતા યુવાનનું સ્કોર્પિયો કારમાં પોલીસની ઓળખ આપી અપહરણ થયું હતું. જો કે, રાજકોટ પોલીસની સતર્કતા અને થરાદ પોલીસે કરેલ નાકાબંધીથી અપહ્યત યુવાનનો છુટકારો થયો હતો અને પોલીસે છ શખ્સોની ધરપકડ કરી હતી.
બનાવ અંગે રાજકોટમાં કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિરની પાછળ આર.એમ.સી. પરીશ્રમ આવાસ ક્વાર્ટરમાં રહેતા લીલાબેન રમેશભાઈ મકવાણા ( ઉ.વ.45) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તેના પતિ રમેશભાઇ મકવાણા પુત્ર સુરેશભાઈ (ઉ.વ.27) તથા પુત્રવધુ પુજાબેન સાથે રહી ઘરકામ કરે છે.
ગઇ તા.26 ના સાંજના તેઓ તેમના પરીવાર સાથે ઘરે હતા ત્યારે તેમનો દિકરો સુરેશભાઇ મકવાણા સાંજના સાડા પાંચેક વાગ્યે તેના મિત્રના લગ્નમાં જવાનુ કહી ઘરેથી ગયેલ હતો. તેઓ ઘરે હતા ત્યારે રાત્રીના પોણા બારેક વાગ્યે અગાઉ તેમની બાજુમા રહેતા હુસૈન હાજીભાઇ હિગોરા કે જેઓ હાલ ભાવનગર રોડ ગંજીવાડામા રહે છે તે સુરેશનો મિત્ર છે.
તેમનો ફોન આવતાં પુત્રવધુએ વાત કરતા હુસૈનએ જણાવેલુ કે, હું તથા તમારા પતિ સુરેશભાઈ સહિતના મિત્રો રાત્રીના આઠેક વાગ્યે ભાવનગર રોડ ઉપર અમુલ સર્કલની નજીક આવેલ નવા સેટેલાઇટ બસ સ્ટેન્ડમાં પબ્લીક પ્રવેશવાના મેઇન ગેઇટની બહાર બેઠા હતા ત્યારે એક કાળા કલરની સ્કોર્પિયો નં-ઇંછ-11-છ-5851 ગાડી આવેલ અને તેમા છએક અજાણ્યા શખ્સો હતા.
બાદમાં તેઓ તમારા પતિ સુરેશભાઇને ઉપાડીને લઇ ગયેલા છે, તેમ જાણ કરતા તેઓ પરીવાર સાથે રુબરૂ ભાવનગર રોડ ગંજીવાડા મેઇન રોડ ઉપર મળતા જાણ કરવા વાળા હુસૈન હિગોરા અને તેના અન્ય મિત્રોએ સુરેસના અપહરણની વાત કરેલ હતી. બાદમાં તેણી પોલીસ મથકે દોડી જઈ ફરીયાદ નોંધાવી હતી.
જે બાદ થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવની ગંભીરતા દાખવી ક્રાઈમ બ્રાન્ચ પણ હરકતમાં આવી હતી અને ગુજરાત ભરની પોલીસને જાણ કરી હતી. ત્યારે થરાદ પોલીસે થરાદ ટોલનાકા નજીક નાકાબંધી કરી હતી અને ત્યાંથી પસાર થયેલ સ્કોર્પિયોને આંતરી અપહ્યત યુવકને છોડાવી હરિયાણાના છ શખ્સોની ધરપકડ કરી હતી. જે બાદ યુવાનને પરત રાજકોટ મોકલી દેવામાં આવ્યો હતો.
વધુમાં યુવાને જણાવ્યું હતું કે, ત્રણ મહિના પહેલાં તેને હરિયાણાના દારૂના ધંધાર્થી પાસેથી કટકે કટકે દારૂ મંગાવ્યો હતો. જેમના રૂ.3.50 લાખ આપવાના બાકી હતાં. જે બાદ રાહુલનો નંબર પણ બ્લોક કરી દિધો હતો.
જેથી ઉશ્કેરાયેલો રાહુલ તેની સાથે અન્ય શખ્સોને લઈ આવી તેનું અપહરણ કરી ગાડીમાં બેસાડી હમ હરિયાણા કી પુલીસ હે, શાંતિ સે બેઠના ઉસમે તૂહમાર ફાયદા હે કહી લઈ ગયાં હતાં. જે બાદ વાંકાનેર બાઉન્ડરી અને બાદમાં એક જગ્યાએ પાણી લેવા માટે ગાડી ઉભી રાખી બાદ 12 વાગ્યે થરાદ પહોંચતા ત્યાંની પોલીસે પકડી પાડ્યા હતાં.
હરિયાણાના દારૂના ધંધાર્થી રેલ્વેમાં જ દારૂની હેરાફેરી કરતા હોવાનો ઘટસ્ફોટ
અગાઉ દારૂ સાથે આવેલ શખ્સો પાસેથી અન્ય શખ્સોએ દારૂ પડાવી લીધો, અને રૂપીયા માંગ્યા સુરેશ પાસે
રેલ્વે પોલીસમાંથી પણ સમયાંતરે દારૂની હેરાફેરી થતી હોય તેવું સામે આવતું રહે છે. ત્યારે ગઈકાલે થોરાળા પોલીસ મથક વિસ્તારમાંથી બુટલેગરના થયેલ અપહરણના મામલા બાદ રેલવે પોલીસ તળે પણ દારૂની હેરાફેરી થતું હોવાનું સામે આવ્યું છે.
બુટલેગરના જણાવ્યા મુજબ, મોટા ભાગે હરિયાણાના દારૂના ધંધાર્થી રાજકોટમાં રેલ્વે તળે જ સપ્લાય કરવાં આવતાં હતાં અને એક વાર હરિયાણાથી રેલવેમાં આવેલ દારૂ બહાર પહોંચ્યો ત્યાં જ કોઈ અજાણ્યાં શખ્સોએ તે દારૂ પડાવી લીધો હતો. જે બાદ તે પાંચ પેટી દારૂના રૂપીયા તેમની પાસેથી પડાવવા માટે પણ દબાણ કરતાં હતાં. જેથી રેલ્વે પોલીસની કહેવાતી પેટ્રોલિંગ પર શંકા ઉભી થઈ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy