જામનગર તા.4: જામનગરમાં ગઇકાલથી માં આદ્યશક્તિની આરાધનાના પર્વ મનવરાત્રીનો રંગે ચંગે આરંભ થઈ રહ્યો છે. શહેરમાં 300થી વધુ સ્થળોએ પ્રાચીન અને 12થી વધુ સ્થળોએ અર્વાચીન ગરબા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે.
શહેરમાં પરંપરાગત ગરબીઓની દિવસોથી પ્રેકટીસ બાદ બાળાઓ તેમજ અમુક સ્થળોએ કુમારોની ગરબીઓનો ગઇકાલથી આરંભ થઈ રહ્યો છે. શહેરમાં પરંપરાગત આયોજનોની વાત કરીએ તો લીમડાલાઈનમાં 60 વર્ષ ઉપરાંતથી એક વિશેષતા સભર ગરબી યોજાય છે. ભારત માતા ગરબી મંડળ દ્વારા યોજાતી આ ગરબીમાં રાત્રે 11 વાગ્યા બાદ ગરબીમાં ગણપતિ, શિવજી, પાર્વતિજી, બ્રહ્માજી, કૃષ્ણ, રામ-સીતા સહિતના દેવી દેવતાઓના પાત્રો, ઋષિમુનિઓ, હનુમાનના ઉપરાંત શિવાજી, મહારાણા પ્રતાપ, ગાંધીજી જેવા ઐતિહાસિક પાત્રો સ્ટેજ ઉપર દાંડીયા રમવા આવે છે.
જેને નિહાળવા લોકો એકઠા થાય છે. આ જ રીતે હાથી કોલોનીમાં બાળાઓની ગરબી સાથે સાથે દેશભક્તિની એક વિશેષ નૃત્ય નાટિકા સાથેની પ્રસ્તુતિ હોય છે.જેમાં દર વર્ષે એક એક ઐતિહાસિક મહિષાસુર વધ જેવા પ્રસંગની પ્રસ્તુતિ થાય છે. રણજીતનગરમાં પટેલ સમાજની કુમારોની ગરબી નિહાળવા અને ખાસ કરીને તેઓના અંગાર રાસને નિહાળવા લોકો કલાક સુધી રાહ જોતા રહે છે.
આ જ રીતે પંચેશ્વર ટાવર પાસેની કુમારોની અને બાળાઓની ગરબી નિહાળવા લોકો ઉમટે છે. હંસબાઈની મસ્જીદ પાસે કોઈપણ સમાજની નાની બાળાઓ માટે ચોંસઠ જોગણીની ગરબી પણ પ્રખ્યાત છે. અહીં આવતાર તમામ બાળાઓને સીધી એન્ટ્રી મળે છે. બાળાઓની મરજી પડે તેટલું રમી શકે છે. આવા જ આયોજનો પટેલકોલોની, ખોડીયાર કોલોની, નવાગામ ઘેડ, રામેશ્વરનગર, દિગ્વિજય પ્લોટની 1 થી 64 ગલીઓના વિશાળ વિસ્તારમાં ઠેક-ઠેકાણે, કૃષ્ણનગરમાં, રણજીતસાગર રોડ ઉપર સાધના કોલોની, નંદનવન સોસાયટી તેમજ પટેલ પાર્ક સહિતના નવા વિકસેલા વિસ્તારોમાં થાય છે.
અર્વાચીનમાં બીનધંધાદારી આયોજનોની વાત કરીએ તો પટેલ. સમાજના ભાઈઓ-બહેનો માટેની ગરબી લાલપુર બાયપાસ રોડ ઉપર, પટેલ પાર્ક પાસે વૈશ્નવ પરંપરા મુજબના કિર્તનો સાથે નવ વિલાસ સાર્વજનિક વૈષ્ણવ રાસ, બ્રહ્મ સમાજના લોકો માટે ખોડીયાર કોલોની રાજ ચેમ્બર સામેના પ્લોટમાં અને ધંધાદારી રીતે શહેરના પ્રદર્શન મેદાન સામે, ખંભાળીયા બાયપાસ નજીક આવેલા સંખ્યાબંધ રિસોર્ટ ટાઈપ હોટલો તેમજ પાર્ટી પ્લોટમાં આયોજનો કરવામાં આવ્યા છે.જ્યા શહેરના ખેલયાઓ મનભરીને સંગીત અને ડીજેના સથવારે રાસની રમઝટ બોલાવી રહ્યા છે.
સાત રસ્તા પાસેના શ્રી એમ.પી. શાહ કોમર્સ કોલેજના વિશાળ પટાંગણમાં યોજાયેલ સહીયર નવરાત્રી મહોત્સવમાં કોઈપણ બાળા- યુવતિ કે મહિલાઓ ઉપરાંત માત્ર નવરાત્રીના પરંપરાગત વસ્ત્રધારી યુવકો તાલીરાસ, પંચિયા રાસ, ચોકડી રાસ, ફ્રી સ્ટાઈલનું સ્પર્ધાત્મક રાસ- ગરબાનું કૌશલ્ય પ્રદર્શિત કરે છે. રંગતાલી ગ્રુપ દ્વારા ’બેટી બચાવો, બેટી પઢાઓ’ પ્રકલ્પ અંતર્ગત નવ બાળાઓને શૈક્ષણિક હેતુસર દત્તક લઇ તેમના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની તત્પરતાવાળા સેવા પ્રકલ્પના કારણે શહેરમાં આ મહોત્સવને લઈને ભારે ઉત્સાહ પ્રવર્તિ રહ્યો છે.
’સહિયર નવરાત્રી મહોત્સવ’ ના સંયોજક શ્રીમતી રીટાબેન સંજયભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ આ દાંડિયા મહોત્સવ બહેનો દ્વારા આયોજીત અને બહેનો દ્વારા સંચાલિત હશે. પ્રવેશદ્વારથી લઇને ટિકિટ વેચાણ, ડી.જે., એરીના વ્યવસ્થા, ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, સ્વાગત, આરતી, ઉદ્ઘોષણા, નિર્ણાયક, ભેટ સ્વીકાર, સુરક્ષા, સ્વયંસેવક જેવી તમામ બાબતોનું સંચાલન માત્ર બહેનો દ્વારા જ કરવામાં આવશે. તદઉપરાંત નવરાત્રી દરમિયાન દરરોજ મહિલા સશક્તિકરણ અભિયાનના વિવિધ પાસાઓની ગરબીના મેદાન પર પ્રસ્તૃતિ કરવામાં આવે છે.
પ્રદર્શન મેદાનમાં લોટસ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સરગમ નવરાત્રી મહોત્સવનું આયોજન થયું છે. અહીં સંપૂર્ણ પરંપરાગત રીતે બાળાઓ રાસની રમઝટ બોલાવે છે. જામનગરમાં હવાઇ ચોક રોડ ઉપર આવેલ શ્રી વડનગરા નાગર જ્ઞાતિ સંચાલિત શ્રી હાટકેશ્ર્વર મંદિર ખાતે શરદીય નવરાત્રીની ઉજવણી નિમિત્તે જ્ઞાતિની મહિલાઓ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ બેઠા ગરબાનું આયોજન થયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy