રાજકોટ તા.17
રાજકોટ જિલ્લાની જસદણ, જેતપુર, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા પાલિકાની તેમજ ઉપલેટા, જસદણ, જેતપુર અને ગોંડલ એમ ચાર તાલુકા પંચાયતની છ બેઠકોની ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં શાંતીપૂર્ણ વાતાવરણમાં નિરસ મતદાન થયા બાદ હવે આવતીકાલે તા.18ને મંગળવારે મતગણતરી 11 સેન્ટરો પરથી કરવામાં આવનાર છે.
મતગણતરી કાઉન્ટીંગ સેન્ટરો પર સવારના 9 વાગ્યે શરૂ કરશે. આ માટે એક હજાર જેટલા અધિકારીઓ-કર્મચારીઓના ઓર્ડર જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ઈશ્યુ કરી દેવામાં આવેલ છે. મતગણતરી અંગે કલેકટર પ્રભવ જોશી દ્વારા આજે સાંજના 5 વાગ્યે તમામ આર.ઓ. સાથે વિડીયો કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી છે.
આ ચૂંટણીમાં ફરજ પર રોકાયેલા કુલ 264 કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરેલ છે. જેમાં ટપાલ મારફત મતપત્ર મળેલ અરજીઓની સંખ્યા 247 અને પોસ્ટલ બેલેટથી સંખ્યા 47 છે. આ દરમ્યાન જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લાની પાંચ પાલીકાની અને ચાર તાલુકા પંચાયતની છ બેઠકોની ચૂંટણી શાંતીપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થવા પામી છે.
આ ચૂંટણી દરમ્યાન આચારસંહિતા ભંગની એક પણ ફરીયાદ હજુ સુધી તંત્રને મળી નથી. આવી કોઈ ફરીયાદ મળે તો ચોકકસપણે પગલા લેવાશે. કલેકટર પ્રભવ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે પાલીકાની ચૂંટણીની મતગણતરી વધુને વધુ 11 રાઉન્ડમાં કરાશે. આ માટે 11 કાઉન્ટીંગ સેન્ટરો તૈયાર કરી દેવામાં આવેલ છે. જેમાં જેતપુર પાલીકાની ચૂંટણીની મતગણતરી 24 ટેબલ પર થશે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, રાજકોટ જીલ્લાની પાંચ પાલીકાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ભાયાવદરમાં 59.86 ટકા અને સૌથી ઓછું 51.33 ટકા ધોરાજીમાં થવા પામેલ છે. આ ચૂંટણી દરમ્યાન જીલ્લામાં છ જેટલા ઈવીએમ ખોટકાતા તાબડતોબ મતદાન મથકો પર નવા મુકવામાં આવેલ હતા.
જેમાં જેતપુરમાં બે બેલેટ યુનીટ અને એક કંટ્રોલ યુનીટ, ધોરાજીમાં ત્રણ બીયુ અને અને બે સીયુ તેમજ ઉપલેટામાં એક બીયુ અને એક સીયુ ખોટવાયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy