રિપોર્ટમાં કોર્પોરેશન, પોલીસ, માર્ગ-મકાન વિભાગની બેદરકારીનો મુદાસર ઉલ્લેખ

Rajkot : TRP ગેમઝોનમાં ‘ઈમરજન્સી એકઝીટ’ ન હોવાથી મોતનુ તાંડવ સર્જાયુ: ‘સીટ’નો રિપોર્ટ

Gujarat, Saurashtra | Rajkot | 30 May, 2024 | 11:21 AM
► નાનકડી જગ્યામાં લોખંડની પાંચ ફુટની સીડી પરથી જ પ્રથમ માળે જવાતુ હતુ, આગ વખતે નીચે ઉતરવાનું અશકય હતુ
સાંજ સમાચાર

► સંચાલકો માત્ર ‘હંગામી સુવિધા’ ગણાવતા હતા પણ વાસ્તવમાં ‘કાયમી સ્ટ્રકચર’ ખડકી દીધુ હતુ

► 30 લીટર પેટ્રોલ સહિતના જવલનશીલ પદાર્થો હોવા છતાં વેલ્ડીંગ વખતે બેદરકારી રખાઈ

ગાંધીનગર,તા.30
રાજકોટમાં 27 લોકોનો ભોગ લેનારા ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ વિશે તપાસ માટે રચાયેલી ‘સીટ’ દ્વારા પ્રાથમીક તપાસ રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે. ઈમરજન્સી એકઝીટ ન હોવાના કારણોસર જે લોકો બહાર ન નીકળી શકયા અને જીવતા ભુંજાયા હોવાનો ચોંકાવનારો નિર્દેશ કરવા સાથે વિવિધ વિભાગોની બેદરકારી-લાપરવાહીનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

સીટના તપાસ અહેવાલ પ્રમાણે એન્ટ્રી-એકઝીટ અલગ રાખવાના નિયમનો ભંગ હતો. ગેમઝોનમાં આવતા લોકોને પ્રવેશ માટે નાનકડી જગ્યા હતી. જયારે કોઈ ઈમરજન્સી એકઝીટ ન હતી. નેશનલ બિલ્ડીંગ કોડ તથા ફાયરસેફટી નિયમોનો ખુલ્લો ભંગ કરવામાં આવ્યો હતો.

તપાસમાં એવુ પણ માલુમ પડયુ છે કે, ગેમઝોનમાં નવો સ્નોપાર્ક બનાવવામાં આવી રહ્યો છે અને તેને અનુરૂપ બાંધકામ માટે વેલ્ડીંગ થતુ હતું. જેના તણખાથી આગ લાગી હતી. ગેમઝોનમાં મોટીમાત્રામાં જવલનશીલ ચીજો-પદાર્થ હોવા છતાં વેલ્ડીંગ કામ કરવામાં આવ્યુ હતું અને જોખમની અવગણના કરવામાં આવી હતી. વેલ્ડીંગ સ્થળે જ કોરૂગેટેડ બોકસ અને ટાયરો હતા તેમાં સરળતાથી આગ લાગી શકતી હોય છે.

સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગેમઝોનમાં 30 લીટર પેટ્રોલ હતું તે નિયત મંજુરીથી વધુ હતું. આમાં જવાબદારો સામે પેટ્રોલીયમ એકટ હેઠળ પણ કાર્યવાહી થશે.

ગેમઝોનમાં રેસ્ટોરાં તથા સૂચિત સ્નોપાર્ક વચ્ચે નાનકડી જગ્યામાં 4-5 ફુટની લોખંડની સીડી રાખવામાં આવી હતી તેના પરથી પ્રથમ માળે જવાતુ હતું. પ્રથમ માળમાં બોલીંગ ગેમ તથા ટ્રેમ્પોલાઈન પાર્ક હતા. આગમાં આખુ સ્ટ્રકચર આવી ગયુ હતું પરંતુ પ્રથમ માળે પહોંચવાનું કે ત્યાંથી નીચે આવવાનું અશકય બની ગયુ હતું.

આગ જેવી દુર્ઘટનાઓ માટે કોઈ નિયમ સુવિધા ન હતી. ફાયર હાઈડ્રન્ટ સીસ્ટમ હતી પરંતુ તેમાં પાણીનું જોડાણ ન હતુ એટલે આગ વખતે તે ઉપયોગમાં આવી શકે તેવી સ્થિતિ ન હતી. એકમાત્ર ફાયર એકટીંગ્યુસર રસોડામાં હતું અને રસોડુ પણ માર્ગ મકાન વિભાગના નિયમોનો ભંગ કરીને બનાવવામાં આવ્યુ હતું.

સીટની તપાસમાં એવુ પણ ખુલ્યુ હતું કે, ગેમઝોનના સંચાલકોએ કાયમ ‘કામચલાઉ સુવિધા’ હોવાનું જ દર્શાવ્યુ હતું છતાં અનેક ‘કાયમી સ્ટ્રકચર’ ઉભા કરી જ દીધા હતા.
સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમમાં વડા સુભાષ ત્રિવેદી છે જયારે સભ્યોમાં ટેકનીકલ શિક્ષણના ડાયરેકટર બંછાનિધિ પાની, ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના ડાયરેકટર એચ.પી.સંઘવી, અમદાવાદના ચીફ ફાયર ઓફીસર જે.એન.ખાડીયા અને માર્ગ-મકાન વિભાગના સુપ્રિ. એન્જીનીયર એમ.બી.દેસાઈ હોવાનું ઉલ્લેખનીય છે.

માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રથમ માળે પહોંચવા કાયમી સુરક્ષિત સીડી હોવાનુ ચકાસવાની કયારેય તસ્દી લેવામાં આવી ન હતી. પોલીસે ફાયર એનઓસી ચકાસ્યા વિના જ મંજુરી આપી દીધી હતી. કોર્પોરેશને કોઈપણ જાતના ચેકીંગ વિના ગુનાહીત બેદરકારી દાખવી છે. ફાયરબ્રિગેડે કયારેય સુરક્ષાની ચકાસણી કરી ન હતી.

પાંચ મૃતકોના દાંતમાંથી DNA લેવા પડયા હતા
27 મૃતકોના ડીએનએ મેચીંગની કામગીરી પુર્ણ: ભારતના ઈતિહાસની આ સૌથી ઝડપી પ્રક્રિયા
ગાંધીનગર,તા.30

રાજકોટના અગ્નિકાંડમાં ભડથૂ થયેલા 27 લોકોની ઓળખ ડીએનએ મેચ કરીને કરવામાં આવી છે તેમાંથી પાંચ લોકોના ડીએનએ તો દાંતમાંથી મેળવવા પડયા હતા અને તેના આધારે ઓળખ શકય બની શકી હતી.

ફોરેન્સીક વિભાગ માટે પણ ડીએનએના આધારે મૃતકોની ઓળખ મેળવવાનું પડકારજનક હતું. મૃતકોના શરીર રાખ થઈ ગયા હતા. છતાં અમુક સળગેલા નાનકડા અવયવો મારફત જ ઓળખ મેળવવાની કામગીરી કરવાની થતી હતી. સળંગ ચાર દિવસની રાત દિવસની કામગીરી બાદ બુધવારે તમામ 27 મૃતકોના ડીએનએ મેચીંગની કામગીરી પૂર્ણ થઈ હતી.

સૂત્રોએ કહ્યું કે, ભારતમાં કદાચ અત્યાર સુધીની આ સૌથી ઝડપી પ્રક્રિયા છે. રેલવે કે માર્ગ અકસ્માતો વખતે વ્યક્તિના મૃતદેહ મૌજૂદ હોય છે પરંતુ રાજકોટના કિસ્સામાં દેહ જ ન હતા.

મૃતક પુરૂષ છે કે સ્ત્રી અથવા વયસ્ક છે કે બાળક તે ચકાસવાનું પણ મુશ્કેલ હતું. સામાન્ય રીતે ડીએનએ ટીસ્યુ અથવા ફલુડમાંથી લેવાતા હોય છે પરંતુ તે મૌજૂદ ન હોય એટલે હાડકા વગેરેમાંથી લેવાયા હતા.

પાંચ કેસોમાં દાંતમાંથી ડીએનએ મેળવવામાં આવ્યા હતા. સમગ્ર પડકારજનક પ્રક્રિયામાં 18 નિષ્ણાંતોએ રાત દિવસ કામગીરી બજાવી હતી. સામાન્ય રીતે ડીએનએ ટેસ્ટમાં સપ્તાહ થતુ હોય છે પરંતુ આ કેસમાં પ્રક્રિયા ઝડપી લેવામાં આવી હતી.

‘સીટ’ના રીપોર્ટમાં અનેક મુદ્દાનો ઉલ્લેખ નથી: ફાયર બ્રિગેડ-પોલીસ ક્યારે પહોંચ્યા હતા
ઉચ્ચ અધિકારીઓની જવાબદારી વિશે પણ ચૂપકિદી

રાજકોટના અગ્નિકાંડ વિશેના ‘સીટ’ના રીપોર્ટમાં અનેક મુદ્ાઓ સામેલ કરવામાં આવ્યા નથી. દુર્ઘટનામાં કોઇ લોકો લાપતા છે કે કેમ તેનો ઉલ્લેખ નથી. ઉપરાંત કોર્પોરેશન, પોલીસ કે માર્ગ-મકાન કે અન્ય કોઇ વિભાગના અધિકારીઓની જવાબદારી ફીક્સ કરતો ઉલ્લેખ નથી.

સીટના વડાપ સુભાષ ત્રિવેદીએ કહ્યું કે મર્યાદિત સમયને કારણે તમામ પાસાઓને આવરી લેવાનું મુશ્કેલ હતું છતાં ગેમઝોનના ક્ષેત્રફળ, આગના પ્રસાર અને ક્યાંથી શરૂ થઇ જેવા મુદ્દાઓ સામેલ થઇ શક્યા નથી.

ગેમઝોનના સંકુલમાં દુર્ઘટના સ્થળે કેટલાક લોકો હતા અને  ભડથૂ થયેલા લોકો પ્રથમ માળ પર જ હતા કે કેમ તે મુદ્દે પણ કાંઇ કહેવાયું નથી. આગ દુર્ઘટના બાદ પોલીસ ફાયર બ્રિગેડ તથા આરોગ્ય સ્ટાફ કેટલા સમયે પહોંચ્યો તે બાબત પણ જણાવાયા નથી. તંત્ર પહોંચ્યા બાદ કેટલા સમયે સ્થિતિ પર કાબુ મેળવ્યો તે પણ જણાવાયું નથી. આગ માટે ઉચ્ચ અધિકારીઓની જવાબદારી વિશે પૂછપરછમાં કોઇએ ધ્યાન દોર્યું છે કે કેમ તેનો પણ ઉલ્લેખ નથી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj