રાજકોટ, તા. 30
પુરા રાજકોટ શહેરમાં પાણીની વર્ષો જુની એમએસ પાઇપલાઇનો બદલવા કરોડોનો ખર્ચ થઇ રહ્યો છે. જુના નવા અને પૂર્વ રાજકોટના મુખ્ય માર્ગ તથા રહેણાંક વિસ્તારોમાં શેરીઓ સહિતના રોડ ખોદાઇ રહ્યા છે ત્યારે પાઇપલાઇનના કામ કરવાની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી લોકો હેરાન થઇ રહ્યા છે.
આથી આ કામગીરી સમયસર અને ઝડપી બનાવવા કામમાં ઢીલ દાખવતી એજન્સીઓને નોટીસ ફટકારવા આજે સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે અધિકારીઓને સૂચના આપી છે.
મહાનગરમાં છેલ્લા સાતેક વર્ષથી જુની પાઇપલાઇનો બદલીને નવી ડીઆઇ પાઇપલાઇન પાથરવાનું કામ ચાલી રહ્યું છે. થોડા સમય અગાઉ પાઇપલાઇનની સપ્લાયના વાંકે ચાલુ કામો અટકી પડતા હતા. આ બાદ મનપાએ જાતે કંપની પાસેથી પાઇપલાઇન ખરીદવાના કોન્ટ્રાકટ કર્યા છે.
જોબવર્કના આધારે કામના ઝોનલ કોન્ટ્રાકટ મંજૂર કરાયા હતા. હવે શહેરમાં લગભગ તમામ વિસ્તારમાં ડીઆઇ પાઇપલાઇનનું કામ થઇ ગયેલુ અથવા ગતિમાં હોવાનું દેખાઇ છે. લગભગ દર સ્ટે.કમીટીની મીટીંગમાં હજુ નવી લાઇનના કામો મંજૂર થાય છે.
દરમ્યાન જુદા જુદા વિસ્તારમાં જે ઝડપે ખોદકામ ચાલે છે એટલી ઝડપથી કામ પુરૂ થતું નહીં હોવાની ફરિયાદો આવે છે. અનેક વિસ્તારમાં કાયમની જેમ ખાડા ખોદાયા બાદ લેવલીંગ થતું નથી. રહેણાંક વિસ્તારોમાં મોટો ત્રાસ થયો છે.
અનેક જગ્યાએ તો એપાર્ટમેન્ટમાં કે ઘરમાં જવાના રસ્તા આડે પણ ખાડા આવી ગયા છે. ચોમાસા પહેલા આવા વિસ્તારોમાં ડામર થશે કે કેમ તેનો જવાબ કોર્પોરેટરો પણ આપતા નથી ત્યારે કમ સે કમ લેવલીંગ સાથેનું મેટલીંગ તો તાબડતોબ કરવાની જરૂર છે. અન્યથા ભવિષ્યમાં પાણી પ્રશ્ન હળવો થાય તે પૂર્વે હાલ અન્ય પ્રશ્ન ઉભા થઇ ગયા છે.
જુના રાજકોટના વોર્ડ નં. 7ના સમગ્ર જાગનાથ પ્લોટ, મીલપરા, મનહર પ્લોટ વિસ્તાર, વોર્ડ નં.8ના વૈશાલીનગર, સોજીત્રાનગર, ન્યુ રાજકોટના અનેક વિસ્તારો, કોઠારીયા રોડ, પૂર્વ રાજકોટના ભાગોમાં આ કામ ચાલુ છે. હવે 1પ0 ફુટ રોડને લાગુ શીતલપાર્ક વિસ્તારમાં ડીઆઇ પાઇપલાઇનનું કામ લગભગ છ મહિનાથી ચાલુ છે. હજુ આ કામ ચાલવાનું છે. પરંતુ હાલ એજન્સી પાસે વાલ્વનો પુરતો સ્ટોક ન હોવાથી અમુક કામ અટકી ગયું છે.
આ અંગેની જાણ થતા સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે આજે એન્જીનીયરોનો જવાબ લીધો હતો. આ કામની મુદ્દત તો હજુ ચાલુ છે. પરંતુ કામમાં વિલંબ થવો ન જોઇએ તેવું સ્પષ્ટ કહ્યું છે.
સાથે જ ત્રણે ઝોનમાં ચાલતા ડીઆઇ પાઇપલાઇન પાથરવાના કામમાં વિલંબ બદલ જે તે એજન્સીને નોટીસ ફટકારવા સૂચના આપી છે. આથી વેસ્ટ ઝોનમાં તો આજે જ નોટીસ આપવા કાર્યવાહી થનાર હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. 2, 3, 7, 13, 14 અને 17માં જયાં જયાં ડીઆઇ પાઇપલાઇન નાખવા માટે ખોદકામ કરાયું હોય તે માર્ગોને 31.31 કરોડના ખર્ચે ડામરથી મઢવા સ્ટે.કમીટીએ મંજૂરી આપી હતી. આ વિસ્તારોમાં તાબડતોબ ડામર કામ શરૂ થાય તે અનિવાર્ય છે. તો જયાં કામ ચાલુ છે ત્યાં પણ ચોમાસા પહેલા પાઇપલાઇન ઉપર ડામર કામ થઇ જાય તે પ્રકારે આયોજન કરવામાં આવે તે જરૂરી હોવાનો કોર્પોરેટરો પણ કહી રહ્યા છે.
શહેરના જુદા જુદા વિસ્તારમાં ડીઆઇ પાઇપલાઇનના ખોદકામ ચાલુ છે. પરંતુ પાછળ પાછળ મેટલીંગ કામ થતા નથી તો અનેક વિસ્તારમાં પાઇપલાઇનના કામ ધીમા ચાલતા હોય, લોકો હેરાન થઇ રહ્યા છે. (તસ્વીર : પંકજ શીશાંગીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy