રાજકોટ, તા.13
મુંબઇ શેરબજારમાં આજે 2000 પોઇન્ટની જોરદાર ઉથલ પાથલ સર્જાઇ હતી. પ્રારંભિક કામકાજમાં સેન્સેક્સમાં 1200 પોઇન્ટનો કડાકો સર્જાયા બાદ 2000 પેઇન્ટની તેજી થઇ હતી અને નેટ 800 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.
વૈશ્વિક ટ્રેન્ડની અસર હેઠળ શેરબજાર ઉઘડતામાં ગેપડાઉન ખુલ્યું હતું. વેચવાલીના આક્રમક દબાણ હેઠળ સડસડાટ કરતા નીચે ઉતરવા લાગ્યું હતું. એક તબકકે બ્લેક ફ્રાઇડેનો ઘાટ ઘડાઇ ગયો હતો અને ઇન્વેસ્ટરોની સંપત્તિમાં સાત લાખ કરોડનું ધોવાણ થઇ ગયું હતું.
વિદેશી નાણાં સંસ્થાઓનો માલ ફુકાયાનું કહેવાતું હતું. એકાએક ધરખમ ઘટાડાથી ઇન્વેસ્ટરો પણ સ્તબ્ધ બની ગયા હતા. કારણ કે હેવીવેઇટની સાથોસાથ મીડકેપ-સ્મોલકેપના શેરોમાં પણ જોરદાર ધોવાણ થયું હતું. બપોરથી નાટકીયઢબે ટ્રેન્ડ પલ્ટાયો હતો અને એકાએક ઓલરાઉન્ડ લેવાલીથી રિકવરી શરૂ થઇ હતી અને જોતજોતામાં માર્કેટ ગ્રીન ઝોનમાં આવી ગયું હતું.
એટલું જ નહીં તોતીંગ ઉછાળો સુચવવા લાગ્યું હતું. મોટાભાગના શેરો ગ્રીનઝોનમાં આવી ગયા હતા. આવતા સપ્તાહમાં અમેરિકા વ્યાજદર ઘટાડશે તેવો આશાવાદ, લોકલ ફંડોની ચિક્કાર ખરીદી, ફુગાવા મોરચે રાહત સહિતના કારણોથી તેજીને બળ મળી ગયું હતું.
જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે અમેરિકી ફંડ રિઝર્વના નિર્ણય અને ત્યારબાદ આવતા માસથી કોર્પોરેટ પરિણામોની સિઝન શરુ થશે તેની અસર વર્તાવાનું મનાય છે. ઓક્ટોબર-ડીસેમ્બરના ત્રિમાસિક પરિણામો સારા આવવાનો આશાવાદ સેવાય રહ્યો છે.
શેરબજારમાં પ્રારંભિક કડાકા બાદ આજે મોટાભાગના શેરો ગ્રીનઝોનમાં જોવા મળ્યા હતા. બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, એચસીએલ ટેકનો, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ફોસીસ, લાર્સન, મારૂતી, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટીસીએસ, ટાઇટન, અદાણી પોર્ટ, હિન્દ લીવર, અલ્ટ્રાટેક્ સિમેન્ટ, ટેક મહિન્દ્ર વગેરેમાં ઉછાળો હતો. ઇન્ડુસઇન્ડ બેન્ક, જેએસડબલ્યૂ સ્ટીલ, ટાટા સ્ટીલ, શ્રીરામ ફાઇનાન્સ જેવા શેરો નરમ હતા.
મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ પ્રારંભિક કામકાજમાં 80082 થયા બાદ ઉછળીને 82132 થયો હતો. અને 777 પોઇન્ટના ઉછાળાથી 82067 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 214 પોઇન્ટના ઉછાળાથી 24762 હતો તે ઉંચામાં 24778 તથા નીચામાં 24180 હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy