રાજકોટ તા.30
આજરોજ ડી.એચ. કોલેજ પાસેના વિસ્તારમાં અન્ડર ગ્રાઉન્ડ પથરાયેલ બીએસએનએલનાં મુખ્ય કેબલમાં કોઈ કારણોસર ભંગાણ થતા આજે સર્વરથી ડીએચ કોલેજ સ્થિત સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નેટ કનેકટીવીટી ખોરવાઈ ગઈ હોવાનું બીએસએનએલનાં અધિકારી જેઠવાએ એક વાતચીત દરમ્યાન જણાવેલ હતું.
તેઓએ વધુમાં જણાવેલ હતું કે આ વાયરનો ફોલ્ટ શોધી તત્કાલ રીપેરીંગ કરી નેટ પ્રસ્થાપિત કરવા માટે બીએસએનએલની ટેકનીકલ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને યુધ્ધનાં ધોરણે રીપેરીંગ કાર્ય હાથ ધયુર્ં છે.
રાજકોટ તા.30
શુભ કાર્યો અને પ્રોપર્ટી દસ્તાવેજ જેવા કાર્યો માટે ખૂબજ શુકનીયાળ અને પવિત્ર મનાતો આજે અક્ષય તૃતિયા અને ગણેશ ચોથનો દિવસ હોય રાજકોટના અસંખ્ય મિલકત ધારકો કે જેઓએ નવા મકાન, જમીનોની ખરીદી કરી હોય તેઓના દસ્તાવેજોની નોંધણી માટે અગાઉથી જ સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી ટોકન લઈ લીધા હતા.
અને શુભ મુહૂર્તમાં દસ્તાવેજ નોંધણી માટે શહેરની ડીએચ કોલેજ સ્થિત સબ રજીસ્ટ્રારની ઝોન-3-4-5-6-7 કચેરીઓ ખાતે પહોંચી ગયા હતા. જો કે ‘દશેરાએ જ ઘોડુ’ ન દોડે તે કહેવત અનુસાર આજે સવારથી જ ડીએચ કોલેજની તમામ પાંચ સબ રજી. કચેરીઓમાં નેટ કનેકટીવીટી ખોરવાઈ ગઈ હતી.
આથી દસ્તાવેજ નોંધણી સહિતની તમામ મહત્વની કામગીરી ખોરંભ ચડી ગઈ હતી અને મોડી બપોર સુધી નેટ પ્રસ્થાપિત ન થઈ શકતા સેંકડો અરજદારો આકરા તાપમાં હેરાન પરેશાન થઈ ગયા હતા.
સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારીઓના જણાવ્યા મુજબ તેઓની કચેરીની નેટ કનેકટીવીટી બીએસએનએલ મારફતે આવે છે. અને બીએસએનએલની કનેકટીવીટીનાં અન્ડર ગ્રાઉન્ડ કેબલમાં મોટો ફોલ્ટ આવી જતા આજે સવારથી જ ડીએચ કોલેજ ખાતે નેટ કનેકટીવીટી ખોરવાઈ ગઈ હતી અને દસ્તાવેજીને લગતા તમામ કાર્યો ખોરવાઈ ગયા હતા.
પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે નેટના પ્રશ્નનાં કારણે અરજદારો તેના વકિલોમાં ભારે દેકારો સર્જાતા અંતે ડીએચ કોલેજ ખાતેના સબ રજીસ્ટ્રાર અધિકારીઓએ ના છુટકે ડીએચ કોલેજના અરજદારોને જૂની કલેકટર કચેરી સ્થિત ઝોન-1-2 અને 8ની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં શિફટ કરવા પડયા હતા. અસંખ્ય અરજદારોને એક કચેરીમાંથી બીજી કચેરીઓમાં શિફટ કરાતા ભારે દેકારો સર્જાયો હતો.
જુની કલેકટર કચેરીના સબ રજીસ્ટ્રાર અતુલ દેસાઈનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે અહીંની ત્રણે ઝોન કચેરીઓમાં નેટ ચાલુ હતું. આથી ડીએચ કોલેજની કચેરીઓનાં અરજદારોને અત્રે શિફટ કરાયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy