જામ ખંભાળિયા, તા. 19
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા ધીરુભાઈ મકનભાઈ હળપતિ નામના 57 વર્ષના માછીમાર પ્રૌઢને સોમવારે ઓખાથી આશરે 75 નોટિકલ માઈલ દૂર અંબે ભવાની નામની બોટમાં હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગેની જાણ કિરીટકુમાર જીતેન્દ્રભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.
મકાનમાં ઘરફોડી
ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા ભરાણા ગામે રહેતા આબેદિનભાઈ નજીરભાઈ પીરજાદા નામના 31 વર્ષના યુવાન ગત તારીખ 8 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે લગ્ન પ્રસંગે તેમના મકાનને બંધ કરી અને ગયા હતા. ત્યારે આશરે ત્રણેક કલાકના સમયગાળામાં કોઈ તસ્કરોએ તેમના ઘરના દરવાજાનો નકુચો તોડીને પ્રવેશ કર્યો હતો.
અહીં રહેલા કબાટમાંથી રૂપિયા 5,000 રોકડા તેમજ ઘડિયાળ મળી, કુલ રૂપિયા 5,400 નો મુદ્દામાલ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે. આ સમગ્ર બનાવ અંગે વાડીનાર મરીન પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
હુમલો
ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે રહેતા ગોરધનભાઈ માંડાભાઈ નકુમ નામના 75 વર્ષના સતવારા વૃદ્ધ પર જામનગર ખાતે રહેતા નવનીતભાઈ ગોરધનભાઈ નકુમ, મનીષાબેન નવનીતભાઈ નકુમ અને ગૌતમ નવનીતભાઈ નકુમ તથા દર્શિક લખમણભાઈ સોનગરા નામના ચાર શખ્સોએ લોખંડના પાઈપ તથા લાકડીઓ વડે હુમલો કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આરોપી પરિવારની એક યુવતી ઘરેથી ક્યાંક ભાગી ગયેલી હોય, જે પ્રકરણમાં આરોપીએ ફરિયાદી ગોરધનભાઈને કહેલ કે આ દીકરીને ભગાડવામાં તેં મદદ કરેલ છે અને તેણી ભાગીને ક્યાં ગઈ છે, તને ખબર છે. તેમ કહી ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે ધોરણસર ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
મીઠાપુરમાં બે સ્થળોએ જુગાર દરોડા
મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં આવેલા એક તળાવ પાસે બેસીને તીનપત્તી નામનો જુગાર રમી રહેલા મંગુબેન નાગસીભાઈ ચમડિયા, સુધાબેન બાલુભાઈ ચૌહાણ, વાલબાઈ રામભા માણેક, રાજુબેન સુમલાભા હાથલ અને દિપાલીબેન મસરીભાઈ મકવાણાને પોલીસે ઝડપી લઇ રૂ. 3, 070 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અન્ય એક દરોડામાં પોલીસે સુરજકરાડી ગોડાઉન એરિયામાંથી રાહુલ લીલાધરભાઈ વિઠલાણી અને નિલેશ મનસુખભાઈ પંચમતીયાને જુગાર રમતા રૂપિયા 4,480 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy