રાજકોટ. તા.19
150 ફૂટ રીંગરોડ પર આંબેડકરનગરમાં મારા મમ્મીને કેમ હેરાન કરો છો’ કહેતાં જ યુવાન પર પાંચ શખ્સોએ છરી-ધોકાથી જીવલેણ હુમલો કરતાં માલવીયાનગર પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બચાવવા વચ્ચે પડેલ નાના ભાઈને પણ છરીના ઘા ઝીંક્યા હતાં. બંને ભાઈઓને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા હતાં.
બનાવ અંગે 150 ફૂટ રીંગરોડ નજીક આંબેડકર નગર શેરી નં.12/14 ના ખૂણે રહેતાં જેકેસભાઈ મનસુખભાઇ ચાવડા (ઉ.વ.25 ) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભરત ચમન ચૌહાણ, અજય નાનજી રાખસીયા, કૈલાસ ઉર્ફે ગુગો જેન્તી પરમાર, નરસી ઉર્ફે ભાણો ચૌહાણ અને સંજય મંગા રાઠોડ સહિતના શખ્સોના નામ આપતાં માલવીયાનગર પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ મજુરીકામ કરે છે. ગઇકાલ રાત્રીના સાડા દસેક વાગ્યાની આસાપાસ તેઓ આંબેડકરનગરમાં આવેલ ઇટ્ટોના ભઠે ગયેલ ત્યા ભરત ચૌહાણ અને અજય રાખસીયા બેઠેલ હોઇ એટલે તેમને કહેલ કે, મારા મમ્મીને કેમ હેરાન કરો છો, હવે પછી આમ ન કરતા તેમ સમજાવવેલ હતાં.
બાદ તે ઘરે આવવા માટે ભઠેથી નીકળેલ ત્યારે ઘર પાસે પહોંચેલ ત્યારે ભરત ચૌહાણ, અજય રાખસીયા, કૈલાસ ઉર્ફે ગુગો પરમાર, નરસી ઉર્ફે ભાણો ચૌહાણ, સંજય રાઠોડ હાથમા લાકડાના ધોકા, છરી અને પથ્થર લઇને ઘસી આવી ગાળો આપવા લાગેલ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
દરમિયાન ફરીયાદી યુવાને રાડ પાડી તેના મમ્મી તથા નાનાભાઈ ચીરાગને રાડ પાડી કહેલ કે, આ લોકો મારવા આવેલ છે, એટલામાં ભરત ચૌહાણે લાકડાના ધોકા વડે હુમલો કરી દિધો હતો. તેમજ અજય રાખસીયાએ પણ ધોકાનો ઘા મારેલ જેથી તેઓ નીચે પડી ગયેલ હતો.
તેમજ ભરત ચૌહાણે તેના હાથમા રહેલ છરીનો એક ઘા માથાને ભાગે ઝીંકી દિધો હતો. બાકીના ચારેય આરોપી ધોકા તથા ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને ત્યારે તેમની માતા અને તેનો નાનો ભાઇ ચીરાગ આવી જતા પાંચેય શખ્સો ત્રણેય જણાને છરી, લાકડાના ધોકા, પથ્થર તથા ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતાં.
મારામારીમાં તેના ભાઈને પીઠના પાછળના ભાગે છરી અને ધોકાના ઘા લાગતાં ઈજા પહોંચી હતી. તેમજ ફરીયાદીનાં માથાના ભાગે છરીનો ઘા લાગતા લોહી નીકળતા તેઓ અને અન્ય ઇજાગ્રસ્તને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy