♦ પીસીબીએ રોહિત ડાભી, આશીફ ઉર્ફે આશલાને, એલસીબી ઝોન-1 તુષાર રાંકને અને સાયબર ક્રાઈમે આકાશ કાનાણીને દબોચ્યા, આઈડી આપનાર અંગે તપાસ
રાજકોટ. તા.09
આઇપીએલની સીરીઝ હવે છેલ્લા પડાવમાં પહોંચતા શહેરની તમામ પોલીસે પંટરો અને બુકીઓને પકડવા એડીચોટીનું જોર લગાડી દઈ પીસીબીએ રોહિત ડાભી, આશીફ ઉર્ફે આશલાને, એલસીબી ઝોન-1 તુષાર રાંકને અને છેલ્લે સાયબર ક્રાઈમે પણ હાથ અજમાવી આકાશ કાનાણી નામના શખ્સને ઓનલાઈન જુગાર રમતાં દબોચી લઈ આઈડી આપનાર અંગે તપાસ આદરી છે.
દરોડાની વિગત મુજબ, પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં એએસઆઈ મહિપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ અને હરદેવસિંહ રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે રોહીત ડાભી નામનો શખ્સ ભકિતનગર સર્કલ મેઘાણી રંગ ભવન પાસે રોડ ઉપર મોબાઇલ ફોનમાં આઇડી મારફતે જુગાર રમે છે તેવી ચોકકસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી શખ્સને અટકમાં લઈ તેનું નામ પુછતા પોતાનુ નામ રોહીત રમેશ ડાભી (ઉ.વ.23, રહે.યુનિવર્સીટી રોડ સરિતા વિહારના પુલ પાસે મફતીયાપરા પરા) હોવાનું જણાવેલ હતું.
પીસીબીની ટીમે શખ્સના મોબાઇલમાં જોતા ઓન સ્ક્રીન SHIP777.in નામની આઇડી જોવામાં આવેલ જેમાં લાઇવ કસીનોમાં 20-20 Dragon Tiger પતાની રમત રમતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી મોબાઈલ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી.
જ્યારે બીજા દરોડામાં પીસીબીના હેડ કોન્સ્ટેબલ કે. આર.જાડેજા અને કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા સહિતના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે શાસ્ત્રી મેદાન, ટેક્ષી સ્ટેન્ડ પાસે મોબાઈલમાં ઓલ પેનલ એક્સચેન્જ નામની માસ્ટર આઈડીમાંથી અલગ અલગ ગ્રાહકોને આઈડી ફોરવર્ડ કરી જુગાર રમાડતાં આશીફ ઉર્ફે આશલો આદમ રાઉમા (ઉ.વ.42),(રહે. લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી શેરી નં.1) ને પકડી પાડી મોબાઈલ કબ્જે કરી તેને માસ્ટર આઈડી આપનાર ગ્રાહકોના નામ ખોલવા તપાસ હાથ ધરી છે.
ત્રીજા દરોડામાં એલસીબી ઝોન-1 ના એએસઆઈ એમ.બી.ગોસ્વામી અને કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ગોંડલ ચોકડી પાસે આવેલ કૈલાસ પાન પાસે જાહેરમાં એક શખ્સ મોબાઈલમાં ઓનલાઈન જુગાર રમે છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી તે શખ્સને પકડી તેનું નામ પૂછતા પોતે તુષાર મુકેશ ટાંક (ઉ.વ.19),( રહે. સ્વાતિ પાર્ક પાસે કોઠારીયા રીંગ રોડ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તેનો મોબાઈલ ચેક કરતાં તેમાં ગો એક્સચેન્જ 777.કોમ નામની એપ ડાઉનલોડ કરી યુઝરનેમ પાસવર્ડ મેળવી આઇપીએલ ક્રિકેટ મેચ પર તેમજ કસીનોની કાર્ડની ડ્રેગન ટાઇગર અને લકી 7 નામની ગેમમાં જુગાર રમતો હોવાનું ખુલતાં તેને પકડી આઈડી આપનારનું નામ ખોલાવવા તજવીજ આદરી હતી.
ચોથા દરોડામાં સાયબર ક્રાઈમ પીઆઈ જે. એમ.કૈલાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ વિવેલ કુછડીયા અને હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ઝાલાને મળેલ ચોક્કસ બાતમીના આધારે સાયબર ક્રાઈમ પોલીસ મથકની સામે કનૈયા હોટલ સામેથી આકાશ પ્રદીપ કાનાણી (ઉ.વ.28),( રહે. સોમનાથ સોસાયટી શેરી નં.02, હુડકો ચોકડી પાસે) ને Dragon Tiger નામની વેબસાઈટમાં ઓનલાઈન જુગાર રમતાં પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy