♦ આ જ સમયગાળા દરમિયાન ભારતમાં સોનાનાં ભાવમાં 38 ટકાનો વધારો થયો છે, જ્યારે બીએસઇ સેન્સેક્સમાં માત્ર 6.9 ટકાનો વધારો થયો છે.
♦ છેલ્લાં 25 વર્ષમાં અમેરિકાનાં માર્કેટમાં સોનાનાં ભાવમાં 12.7 ગણો વધારો જોવા મળ્યો છે.
નવી દિલ્હી : શેરબજારમાં વધતી વોલેટિલિટી અને અનિશ્ચિતતાના કારણે સોનામાં રોકાણનું વલણ વધ્યું છે. આથી જ સોનું રોકાણકારો માટે પસંદગીની એસેટ બની ગયું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં છેલ્લાં એક વર્ષમાં સોનાનાં ભાવમાં લગભગ 52 ટકાનો વધારો નોંધાયો છે.
જ્યારે આ સમયગાળા દરમિયાન અમેરિકાનાં બેન્ચમાર્ક સ્ટોક ઇન્ડેક્સ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ (ડાઉ) 0.9 ટકા ઘટ્યા છે. છેલ્લા એક વર્ષમાં ભારતમાં સોનાના ભાવમાં 38 ટકાનો વધારો થયો છે, જ્યારે બીએસઇ સેન્સેક્સમાં માત્ર 6.9 ટકાનો ઉછાળો નોંધાયો છે
યુએસ અને ભારતીય સ્ટોક સૂચકાંકોના ડેટામાં ડિવિડન્ડ યીલ્ડનો સમાવેશ કરવામાં આવ્યો નથી. વોલ સ્ટ્રીટ જર્નલના આંકડા મુજબ ડાઓ પર ડિવિડન્ડ યીલ્ડ હાલમાં 1.87 ટકા અને બીએસઈ સેન્સેક્સ પર 1.15 ટકા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે અને તે મંગળવારે 3500 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચી ગયો હતો.
નવી દિલ્હી જ્વેલર્સ અને સ્ટોકહોલ્ડર્સની વધેલી ખરીદીના પગલે દિલ્હીમાં સ્થાનિક સોનાના ભાવમાં રૂ.1800 નો ઉછાળો નોંધાઇ રૂ.1 લાખ પ્રતિ 10 ગ્રામના આંકને પાર કરી ગયો હતો. મુંબઈમાં સોનાના ભાવ 98,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા. આંતરરાષ્ટ્રીય બજાર માટે મે 2006 બાદના 12 મહિનાના સમયગાળામાં સોનામાં આ રેકોર્ડ વધારો છે.
મે 2006માં સોનાના ભાવમાં 54.6 ટકાનો વધારો થયો હતો. ભારતમાં જુલાઈ 2019 થી જુલાઈ 2020 સુધીના સમયગાળા પછી સૌના માટે આ વર્ષ શ્રેષ્ઠ રહ્યું છે. તે દરમિયાન સોનાના ભાવમાં 54 ટકાનો વધારો થયો હતો. તાજેતરમાં આવેલી તેજી બાદ હવે સોનાએ માત્ર લાંબા ગાળા માટે જ નહીં પરંતુ ટૂંકા ગાળામાં પણ શેરબજારને પાછળ રાખી દીધું છે.
અમેરિકી શેર બજાર સામે સોનાનો લાંબાગાળાનો દેખાવ ખાસ ઉલ્લેખનીય છે. પાછલા 25 વર્ષોમાં અમેરિકી માર્કેટમાં સોનાની કિંમતોમાં 12.7 ગણો વધારો થયો છે, જ્યારે ડાઉ પર આ જ સમયગાળા દરમિયાન 3.6 ગણો વધારો થયો છે
અમેરિકામાં સોનાના રોકાણકારો માટે આ બાબત 10.7 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વળતર તરીકે પ્રતિબિંબિત થાય છે, જે ઇક્વિટીમાં રોકાણ કરતા રોકાણકારોના વળતર કરતાં બમણાથી વધુ છે. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ આ સમયગાળા દરમિયાન 5.2 ટકાના કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર)માં વૃદ્ધિ પામી હતી.
અમેરિકામાં સોનાના ભાવ એપ્રિલ 2000માં 273.6 ડોલર પ્રતિ ટ્રોય ઔંસથી વધીને હાલમાં 3,471 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયા છે. એ જ રીતે છેલ્લાં 10 વર્ષમાં અમેરિકામાં સોનાના ભાવ 11.4 ટકાના સીએજીઆર પર વધ્યા છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન ડાઉ જોન્સમાં 7.9 ટકાના સીએજીઆરની સરખામણીએ 7.9 ટકાનો સીએજીઆર નોંધાયો હતો
છેલ્લાં 25 વર્ષમાં અમેરિકન ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનને કારણે ભારતીય બજારોમાં સોનાનો ભાવ સારો રહ્યો છે. જો કે છેલ્લાં 25 વર્ષમાં સેન્સેક્સે સ્થાનિક કરન્સીમાં ડાઉને પણ પાછળ છોડી દીધો છે. સ્થાનિક બજારમાં સોનાની કિંમત છેલ્લાં 25 વર્ષમાં 13.3 ટકાના સીએજીઆર પર વધી છે. એપ્રિલ 2000માં તેની કિંમત 4350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી અને બુધવારે તે 98,484 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી.
આ ભાવમાં સેલ્સ ટેક્સ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો સમાવેશ થતો નથી. આ જ સમયગાળા દરમિયાન બીએસઈનો સેંસેક્સ એપ્રિલ 2000માં 4,658થી વધીને મંગળવારે 79,596 પર પહોંચી ગયો હતો, જે 12 ટકાના સીએજીઆર પર પહોંચ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy