ગુજરાત ભાજપને નવા પ્રમુખ મળશે : જુલાઇમાં નામ જાહેર કરવા પક્ષની તૈયારી

Gujarat, Politics | Ahmedabad | 10 June, 2024 | 11:23 AM
સી.આર.પાટીલને મોદી કેબીનેટમાં સ્થાન મળતા સંગઠનમાં મોટા ફેરફાર થશે : પ્રમુખ પદે ઓબીસી ચહેરો પસંદ થવા પણ નિર્દેશ : અટકળો શરૂ
સાંજ સમાચાર

ગાંધીનગર, તા. 10
નવસારીની બેઠક પરથી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ફરી જંગી બહુમતી સાથે સંસદમાં ચૂંટાયા છે. આ સાથે તેમને નવી કેન્દ્ર સરકારમાં પ્રધાનપદ પણ મળી ગયું છે. આથી હવે ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર થાય અને પ્રદેશ પ્રમુખ તરીકે નવો ચહેરો આવશે તેવી અટકળો તેજ બની છે. સી.આર.પાટીલના સંગઠનના રેકર્ડને જોતા તેમની જવાબદારી લંબાવવામાં આવી હતી પરંતુ હવે પ્રમુખ પદે અન્ય નેતા મુકવામાં આવશે. 

હાલ દિલ્હીમાં સરકાર રચના, કેબીનેટ, ખાતા ફાળવણી સહિતની પ્રક્રિયા ચાલુ છે. આથી ગુજરાત ભાજપના નવા પ્રમુખની જાહેરાત જુલાઇમાં થવાની ધારણા છે. રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાગીરીમાં આ રીતે ટુંક સમયમાં નવા અને મોટા ફેરફાર આવશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી ટર્મ માટે દેશની શાસન ધૂરા સંભાળી છે અને એનડીએ ગઠબંધન સાથેની આ સરકારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તથા ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો સમાવેશ કેબીનેટ મંત્રી તરીકે થયો છે. આ સાથે હવે રાષ્ટ્રીય અને ગુજરાતના પ્રમુખ પદે રાષ્ટ્રીય નેતૃત્વ કોની પસંદગી કરશે તેને લઇને અટકળો તેજ બની છે.

ખાસ કરીને ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી છે ત્યારે પ્રદેશ પ્રમુખ પદે હવે કયાં સમાજને નેતૃત્વ  સોંપાય છે તે જોવાનું રહે છે. સંભવ છે કે પ્રમુખ પદે ઓબીસી ચહેરો પસંદ કરવામાં આવે, પરંતુ હાલ તો નવી સરકારના ઠન અને સો દિવસની અગ્રતામાં હાથ ધરાનાર કામગીરી પર રાષ્ટ્રીય નેતૃત્વ વ્યસ્ત રહે એમ હોવાથી મામલો જુલાઇમાં હાથ પર લેવાશે એમ સમજાય છે.

ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલના નેતૃત્વમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસન પછી  પહેલી વખત ભાજપ પંચાયતથી પાર્લામેન્ટની ચૂંટણીઓમાં અનેક સ્તરે વિક્રમી વિજય સાથે ઇતિહાસ સર્જવામાં સફળ રહ્યો છે. ખાસકરીને કોરોના કાળમાં ભાજપ સંગઠન નિષ્ક્રિય અને નિષ્પ્રાણ થઇ ગયું હતું ત્યારે જુલાઇ 2020માં રાષ્ટ્રીય નેતૃત્વએ નવસારી સાંસદ સી.આર.પાટીલને પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સોંપી હતી.

પાટીલે નવી ટીમ બનાવીને પહેલા સંગઠનમાં પેજ કમીટીથી પેજ પ્રમુખનો માઇક્રો પ્લાનિંગનો કોન્સેપ્ટ સક્રિય રીતે અમલમાં મુકયો હતો. 2021ના મહાનગરપાલિકા, પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતો તેમજ એ પછી ગ્રામ પંચાયતોમાં ભાજપને બે તૃત્યાંશથી વધુ બેઠકો સાથે ઐતિહાસિક વિજય મળ્યો હતો.

2022ની વિધાનસભા ગુજરાતના ઇતિહાસમાં વિક્રમી 156 બેઠક પર ભાજપ વિજયી બન્યો હતો. અગાઉ કોંગ્રેસ 150 બેઠકોનો વિક્રમ ધરાવતો હતો. આ સાથે જ પાટીલને હવે ગમે ત્યારે પ્રમોશન મળી શકે એવી શકયતાઓ તેજ બની હતી.

રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે
મોટા ભાગના સીનીયર્સ મંત્રી મંડળમાં  નવા-યુવા ચહેરાને તકની સંભાવના
નવી દિલ્હી, તા. 10

નવી સરકારની રચના, ખાતા ફાળવણી બાદ ભાજપના સંગઠનમાં પણ ફેરફાર આવી રહ્યા છે. જે.પી.નડ્ડાને કેબીનેટમાં સ્થાન મળતા નવા અધ્યક્ષની વરણીની પ્રક્રિયા હવે આગળ વધશે. તેમનો કાર્યકાળ જાન્યુઆરીમાં પૂરો થઇ ગયો હતો અને તેમને લોકસભા ચૂંટણી સુધી મુદ્દત વધારવામાં આપ્યો હતો.

નવા પ્રમુખ માટે શિવરાજસિંહ ચૌહાણ અને મનોહરલાલ ખટ્ટરનું નામ ચાલતું હતું પણ બંને એનડીએ સરકારમાં મંત્રી બની ગયા છે. એક ચર્ચા એવી પણ છે કે જયાં ભાજપને ફટકો લાગ્યો તે ઉત્તરપ્રદેશથી નવા પ્રમુખ આવી શકે છે.  યુપીમાં સંગઠન નબળુ પડયાની છાપ છે. મહારાષ્ટ્રમાંથી પણ એક નેતાનું નામ ચાલી રહ્યું છે. જે હાલ સંગઠનના મહત્વના પદ પર છે. અગાઉના અનેક પ્રધાનો હવે કેબીનેટમાં નથી. આથી તેમાંથી પણ કોઇ અધ્યક્ષ બની શકે છે. 

ગત સરકારના માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર હવે પ્રધાન નથી તો સ્મૃતિ ઇરાની સહિત ઘણા નેતા સંગઠનમાં  કામ કરતા જોવા મળી શકે તેમ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj