અમદાવાદ, તા.18
જામનગરમાં ગત વર્ષે એક સંસ્થા દ્વારા આયોજિત સમૂહ લગ્ન પ્રસંગમાં કોંગ્રેસના મહારાષ્ટ્રના રાજ્ય સભાના સાંસદ અને કવિ ઇમરાન પ્રતાપગઢી દ્વારા હાજરી આપ્યા બાદ તેનો વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને બેકગ્રાઉન્ડમાં કથિત ભડકાઉ શાયરી મૂકવાના કેસમાં જામનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત ડિસેમ્બર મહિનામાં નોંધાયેલી પોલીસ ફરિયાદ રદ કરવાનો ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટ દ્વારા ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સાંસદ અને કવિ હોવાની સાથે સાથે ટ્રાન્સપોર્ટ, ટુરીઝમ અને કલ્ચરની સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય અને લઘુમતી બાબતોના મંત્રાલય માટેની કોન્સ્યુલેટીવ કમીટીના પણ સભ્ય છે. અરજદાર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટીના માઇનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન પણ છે.
મહારાષ્ટ્રના રાજયસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી વિરુધ્ધ નોંધાયેલી ફરિયાદ રદબાતલ ઠરાવવા આરોપી સાંસદ દ્વારા પિટિશન કરવામાં આવી હતી. ઇમરાન પ્રતાપગઢી દ્વારા કરાયેલી કવોશીંગ પિટિશનમાં રજૂઆત કરાઇ હતી કે, ગત તા.29-12-2024ના રોજ જામનગરમાં અલ્તાફ ગફારભાઇ ખફીના જન્મદિન નિમિતની ઉજવણી અનુસંધાનમાં સુન્ની મુસ્લિમ્સ દ્વારા સામૂહ લગ્નનો પ્રસંગ યોજાયો હતો.
જેમાં પોતે પણ હાજરી આપી હતી. જો કે, બાદમાં તા.2-1-2025ના રોજ અરજદાર તરફથી સોશ્યલ મીડિયામાં ઉપરોકત ઇવેન્ટના સંદર્ભમાં એક્સ- એકાઉન્ટ હેન્ડલ પર તેમણે એક વીડિયો બેકગ્રાઉન્ડમાં મૂકયો હતો.
જે ઉશ્કેરણીજનક અને કોમી વૈમન્સ્ય જન્માવતો હોવાનો વાંધો ઉઠાવી તેમની વિરુધ્ધમાં જામનગર એ-ડિવીઝન પોલીસમથકમાં એફઆઇઆર નોંધાઇ હતી. જો કે, અરજદારે એવા કોઇ જ ઇરાદા સાથે આ વીડિયો પોસ્ટ કર્યો નહતો તેમછતાં તેમની વિરુધ્ધ ખોટી રીતે ફરિયાદ નોંધાઇ હોઇ તે રદબાતલ ઠરાવવી જોઇએ.
દરમ્યાન રાજયસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીની કવોશીંગ પિટિશનનો વિરોધ કરતાં રાજય સરકારે અદાલતનું ધ્યાન દોરતાં જણાવ્યું કે, અરજદારે વિવાદીત ઉશ્કેરણીજનક અને ભડકાઉ વીડિયો ઉપરોકત પ્રસંગ અનુસંધાનમાં અપલોડ કર્યો હતો. જેનાથી કોમ-કોમ વચ્ચે કોમી એખલાસની ભાવના જોખમાય અને શાંતિનું વાતાવરણ ડહોળાય તે પ્રકારની આ પ્રવૃત્તિ છે.
અરજદારે પોતે એક સાંસદ અને પ્રતિષ્ઠિત હોદ્દાઓ ધરાવતાં હોઇ તેઓએ કોમી વૈમન્સ્ય ફેલાવતાં અને ઉશ્કેરણીજનક પોસ્ટ કરવાથી દૂર રહેવું જોઇતુ હતુ કારણ કે, તેઓ એક જવાબદાર રાજકીય નેતા છે અને તેમના આવા બેજવાબદાર અને કોમી લાગણી ઉશ્કેરનારા કૃત્યને સહેજપણ હળવાશથી લઇ શકાય નહી.
કારણ કે, તેમના આવા કૃત્યના કારણે કોમી શાંતિ અને ભાઇચારાનું વાતાવરણ જોખમાયુ છે. આ સંજોગોમાં હાઇકોર્ટે અરજદારની રિટ અરજી ફગાવી દેવી જોઇએ. ઉપરોક્ત રજૂઆત બાદ જસ્ટિસ સંદીપ ભટ્ટે રાજયસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીની કવોશીંગ પિટિશન ફગાવી દીધી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy