અમદાવાદ, તા. 13
ઇરાન થઈને અફઘાનિસ્તાનથી કચ્છના મુન્દ્રામાં રૂ. 21000 કરોડના હેરોઈનની દાણચોરીના ચકચારભર્યા કેસમાં બે આરોપીઓ દ્વારા આ કેસમાંથી આરોપ મુક્ત કરીને છોડી મૂકવા માટે દાદ માંગતી કરાયેલી અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ જે ગુનામાં સંડોવાયેલા છે, તે ગુનો સામાન્ય નથી. આ બહુ ગંભીર પ્રકારનો અને સંવેદનશીલ કેસ છે, તેથી તેઓને છોડી શકાય નહીં.
આરોપીઓ તરફથી એવો મુદ્દો ઉઠાવાયો હતો કે, તપાસનીશ એજન્સી એનઆઇએ દ્વારા આ કેસમાં કાયદાની નિર્ધારિત પ્રક્રિયાઓનું પાલન કર્યું નથી અને તેથી તપાસમાં ક્ષતિ હોઇ અરજદારો વિરૂધ્ધ કોઇ પુરાવો આવતો ના હોઇ તેઓને આ કેસમાં બિનતહોમત છોડી મૂકવા જોઇએ. આરોપીઓ દ્વારા ઉજાગર કરાયેલા મુદ્દા કેસની ટ્રાયલ સમયે ધ્યાનમાં લેવા લાયક છે.
અગાઉ સરકાર તરફથી રજૂઆત કરાઈ હતી કે આ બહુ ગંબીર અને સંવેદનશીલ પ્રકારનો કેસ છે અને તેમાં રાષ્ટ્રીય જ નહી પરંતુ આંતરરાષ્ટ્રીય ગુનેગારો સંડોવાયેલા છે અને વિવિધ દેશો સુધી તાર જોડાયેલા છે. આ સંજોગોમાં ગુનાની ગંભીરતા જોતાં આરોપીઓને કેસમાં ડિસ્ચાર્જ કરી શકાય નહી. ઉલ્લેખનીય છે કે આરોપીઓ દ્વારા અગાઉ ખાસ એનઆઈએ કોર્ટમાં અરજી કરાઈ હતી તે ફગાવી દેવામાં આવી હતી.
વધુમાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે, આટલા મોટાપાયે નાર્કોટીક્સ પદાર્થની સરહદ પાર દાણચોરી અને તેના કન્સાઇનમેન્ટની હેરાફેરીની ગેરકાયદે પ્રવૃત્તિ એકલા હાથે શકય નથી અને તે સંગઠિત વ્યકિતઓના જૂથને સામેલ કરી આચરવામાં આવતી હોય છે.
જેમાં દરેક આરોપીને ચોક્કસ ભૂમિકા સોંપવામાં આવતી હોય છે. ટેકનોલોજીના ઉપયોગથી આવા નેટવર્કના સભ્યોને સંબધિત ભૂમિકા નિભાવવા માટે રૃબરૃ મળવાની પણ જરૃર રહેતી નથી. હાઇકોર્ટે આરોપી પ્રિન્સ શર્મા સહિત બે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ધરાર ફગાવી દીધી હતી.
કેસની વિગતો મુજબ, ડીઆરઆઈ, ગાંધીધામને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગુનો પ્રકાશમાં આવ્યો હતો કે અર્ધ-પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન્સનું કન્સાઈનમેન્ટ મુન્દ્રા બંદરે આવવાનું હતું, જે બાંદ્રા અબ્બાસ પોર્ટ, ઈરાનથી નીકળ્યું હતું અને નાર્કોટીક ડ્રગ્સ કન્ટેનરોમાં છુપાવવામાં આવ્યું હતું.
તેથી ડીઆરઆઈ, ગાંધીધામ દ્વારા તા.13-9-2013ના રોજ ટીજી ટમનલ્સ પ્રાઈવેટ લિમિટેડ કન્ટેનર ફ્રેઈટ સ્ટેશન મુન્દ્રા પોર્ટ ખાતે ટીમો સાથે દરોડા પાડી કુલ 38 જમ્બો બેગમાંથી રૂ.21 હજાર કરોડની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતા 2988.21 કિલો નાર્કોટીક્સ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. બાદમાં સમગ્ર કેસની ગંભીરતા ધ્યાને લઇ તપાસ એનઆઇએને સોંપવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy