હિસ્સાર,તા.14
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વકફ ખરડા અંગે એક મહત્વપૂર્ણ વિધાનમાં કહ્યું હતું કે, લાંબા સમયથી આ ખરડાને સુધારાની જરૂર હતી અને અગાઉની સરકારે જો તે કહ્યું હોત તો આજે ગરીબ મુસ્લીમ પરિવારો જે પંચર બનાવે છે તેઓ વધુ સારી સ્થિતિમાં આવ્યા હોત. હરિયાણાના હિસ્સારમાં આજે ડો.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિએ વડાપ્રધાને તેમની પ્રતિમાને પુષ્પાંજલી આપી હતી અને હિસ્સાર અયોધ્યા ફલાઈટને પણ લીલીઝંડી આપી હતી તથા અહીના એરપોર્ટના નવા ટર્મીનલને પણ ખુલ્લુ મુકયુ હતું.
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, આ પક્ષે બાબાસાહેબ આંબેડકર અને ચૌધરી ચરણસિંહને ભારતરત્ન આપ્યુ નહી. કેન્દ્રમાં ભાજપ અને એનડીએની સરકાર આવી પછી અમોએ તે કાર્ય કર્યુ હતું. શ્રી મોદીએ વકફ કાનૂન અંગે કહ્યું કે આ સંસ્થાના નામે લાખો હેકટર જમીન પુરા દેશમાં છે અને આ જમીનથી ગરીબો બેસહારા મહિલાઓ અને બાળકોનું ભલુ થવુ જોઈએ.
જો ઈમાનદારીથી તેનો ઉપયોગ થયો હોત તો મુસ્લીમોને સાયકલના પંચર બનાવવાની જરૂર પડી ન હોત. પરંતુ ભૂમાફીયાઓએ આ જમીન પર કબ્જો કર્યો છે અને વકફ કાનૂનનો ઉપયોગ કરીને ગરીબોની જમીન લુંટી રહ્યા છે. તેમણે કહ્યું કે સેંકડો વિદ્વાન મુસ્લીમ મહિલાઓએ મારી સરકારને પત્ર લખ્યો હતો અને તેના પરથી અમે કાનૂન બદલ્યો છે.
અમોએ બહુ મોટુ કામ કર્યુ છે અને આ કાનૂનમાં એક જોગવાઈ છે કે આદિવાસીની જમીન પછી ગમે ત્યાં હોય પણ તેને વકફ બોર્ડ પણ હાથ લગાવી શકશે નહી. શ્રી મોદીએ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે જે રીતે સરકારી ટેન્ડરોમાં ચાર ટકા મુસ્લીમ અનામતની જોગવાઈ કરી છે તેના પર પણ પ્રહાર કરતા કહ્યું કે આપણા બંધારણમાં ધર્મ આધારિત આરક્ષણ પર પ્રતિબંધ છે.
પરંતુ કોંગ્રેસને બંધારણની પણ પરવાહ નથી. કોંગ્રેસે ડો. આંબેડકરે જે દેશનું સ્વપ્ન જોયુ હતું તે પણ પુરુ કર્યુ નથી. બંધારણમાં ડો.બાબાસાહેબે લખ્યુ છે કે ધર્મ આધારીત અનામત દઈ શકાશે નહી પણ કોંગ્રેસ સરકાર જ તે લાવી રહી છે.
કોંગ્રેસના શાસનમાં એસટી, એસસી, ઓબીસી માટે બેન્કના દરવાજા પણ ખુલતા ન હતા. જયાં સુધી બાબાસાહેબ જીવતા હતા ત્યાં સુધી કોંગ્રેસે તેમનું અપમાન કર્યુ. બે-બે વખત ચુંટણીમાં હરાવ્યા અને આજે તેઓ બાબાસાહેબને પૂજવા માંગે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy