રાજકોટના ટીઆરપી ગેમઝોનનો પ્લાન પણ યોજનામાં મૂકવાનો પ્રયાસ થયાની ઘટનાથી રાજયમાં નવી ફાઇલોની ધડાધડ મંજૂરીને પણ બ્રેક લાગી ગઇ

ઇમ્પેકટ ફી યોજના તા.16ના રોજ પૂરી : હવે સરકાર મુદ્દત નહીં વધારે

Gujarat | Ahmedabad | 08 June, 2024 | 05:47 PM
અમદાવાદમાં અર્ધો લાખથી વધુ અરજી-31 હજાર મંજૂર : રાજકોટમાં કુલ 9370 પૈકી 3380ને મંજૂરી, 103પ નામંજૂર : 6664 ફાઇલો હજુ ચકાસણીના તબકકે
સાંજ સમાચાર

 અમદાવાદ, તા. 8
રાજ્ય સરકારે દ્વારા ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી લાગૂ કરી છે. સરકારે ત્રીજી વખત આ યોજનાની મુદ્દત લંબાવી છે ત્યારે હવે તા.16ના રોજ આ યોજના પૂરા રાજયમાં પૂર્ણ થઇ રહી છે. તા.16ના રોજ રવિવાર હોય મનપા, પાલિકા સહિતની કચેરીમાં તા.1પ સુધી અરજી લેવાશે અને તા.16ના ઓનલાઇન અરજી મૂકી શકાશે. ત્રણ-ત્રણ વખત મુદ્દત લંબાવવા છતાં આ યોજનાને ઉત્સાહભર્યો પ્રતિસાદ મળતો ન હોય, હવે સરકાર આ યોજનાની મુદત લંબાવશે નહીં તેવું સરકારના સુત્રોએ જણાવ્યું છે. 

ગેરકાયદે નાના મકાનો, સૂચિત સોસાયટી, બાંધકામમાં ફેરફાર સહિતના કેસમાં સરકાર આ બાંધકામને નિયમબધ્ધ કરવા ત્રીજી વખત આ યોજના લાવી છે. ત્રણ-ત્રણ વખત મુદ્દત પણ લંબાવવામાં આવી છે. પરંતુ હવે આ યોજનાની મુદત તા.16ના રોજ પૂરી થશે. ઇન્વર્ડ થયેલી અરજીઓ પર તે બાદ કાર્યવાહી ચાલુ રહેશે પરંતુ નવી અરજી સ્વીકારવામાં નહીં આવે. તેમાં પણ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિ કાંડ સર્જાયો છે ત્યારે આ ગેમ ઝોનનો ગેરકાયદે બાંધકામનો પ્લાન ઇમ્પેકટ ફી યોજનામાં મૂકવાનો પ્રયાસ થયાનું બહાર આવ્યું હતું આથી રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા અને સૌરાષ્ટ્રના અન્ય મહાનગરોમાં આ યોજના હેઠળ પ્લાન મંજૂર કરવાનું હાલ સ્થગિત જેવી હાલતમાં છે. 

તા.1-10-22થી તા.15-5-24 સુધીની સ્થિતિ જોઇએ તો રાજકોટમાં અત્યાર સુધીમાં ઓનલાઇન કુલ 3813 અને ઓફલાઇન 5557 અરજી થઇ છે. આ  પૈકી ઓનલાઇન 1556 અને ઓફલાઇન 1824 મંજૂર થઇ છે.  બંનેમાં કુલ 1035 નાઅરજી મંજૂર થઇ છે. એકંદરે ઓનલાઇન અને ઓફલાઇન 9370 અરજી મુકાતા 3380ને સર્ટીફીકેટ અપાયા છે. તો 6664 હજુ ચકાસણી હેઠળ હોવાનું ટીપી શાખા કહે છે. 

અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરાવવા માટે છેલ્લા એક વર્ષમાં ઇમ્પેક્ટ ફીની 53175 જેટલી અરજીઓ આવી છે, જેમાંથી 31876 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. બાકીની અરજીઓ હાલમાં પેન્ડિંગ છે. બિલ્ડિંગના પ્લાન- સ્કેચ, લિફ્ટ- ફાયર, સોસાયટી, હાઇ-વે લાઈન, એનઓસી બાંધકામના પૂરતા પુરાવા રજૂ ન કરવા તેમજ ઓનલાઈન પોર્ટલ ઉપર જરૂરી પુરાવા અને દસ્તાવેજ અપલોડ કરવામાં આવતા નથી. જેના કારણે ઇમ્પેક્ટ ફીની કામગીરી ઝડપી બનતી નથી.

ખૂટતા પુરાવાઓ અને અન્ય કારણોસર ઇમ્પેક્ટ ફીની અરજીઓનો પૂરો સુધી નિકાલ થઈ શક્યો નથી. જે અન્ય અરજીઓ છે તેના માટે સ્ક્રુટીની ચાલી રહ્યું છે. લોકો પૂરતા પુરાવા પ્લાન અને અન્ય જરૂરી દસ્તાવેજો જમા ન કરાવતા હોવાના કારણે ઇમ્પેક્ટ ફીનો નિકાલ થઈ શકતો નથી.

શહેરમાં જે ઠેકાણે રહેણાક કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભું થયું હોય અને તેમાં નિયમ બહારનું કોઇ બાંધકામ હોય અને જેને તોડવામાં આવે તો અન્ય લોકોને નુકસાન થાય તો તેવા કિસ્સામાં ઇમ્પેક્ટ ફી ભરીને તે બાંધકામને નિયમિત કરી આપી શકાય છે. જોકે આ વખતે પાર્કિંગ સહિતના કડક નિયમો બનાવવામાં આવ્યા હોય આ યોજનામાં લાભાર્થીઓની સંખ્યા ઘટી છે. છતાં બિનરહેણાંક આસામીઓની સંખ્યા પણ વધુ લાગી રહી છે. 

► કયા-કયા કારણે અરજી પેન્ડીંગ રહે છે
ઇમ્પેકટ ફી ભરવાની બાકી, બેટરમેન્ટ ફી વગેરે જમા ન કરાવાઈ, ખૂટતા પુરાવા, પ્લાન-સ્કેચ રજૂ ન કરતા, ઓનલાઇન પુરાવા અપલોડ ન કરતા, સ્થળ અને અરજીમાં સુસંગતતા, ઇમ્પેક્ટ ફીની તારીખ પહેલાનું બાંધકામ, હદની બહાર બાંધકામ કર્યું હોય, લિફ્ટ - ફાયર એનઓસી ન હોય, માલિકીના પુરાવા ન હોય, સ્ટ્રક્ચર્સ સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ ન હોય, સોસાયટીની એનઓસી ન હોય, ડ્રાફ્ટ ટીપી સ્કીમ અભિપ્રાય રજૂ ન કરતા

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj