રાજકોટ, તા. 13
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે રાજકોટના અતિથિ બન્યા હતા. આજે સવારે કાલાવડ રોડ પર કણકોટ નજીક આવેલા જશવંતપુરમાં નિર્માણ પામનાર ઉમિયા માતાજીના મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.
તે બાદ જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગનું ભૂમિપૂજન કર્યુ હતું. રાજકોટના 793 કરોડના જુદા જુદા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ મુખ્યપ્રધાને વર્ચ્યુઅલ કર્યા હતા. મહાનગરમાં નિર્માણ પામેલા અતિ આધુનિક સુવિધાસભર અટલ સ્માર્ટ સીટીને આજે મુખ્યમંત્રીએ રાજકોટને સમર્પિત કર્યુ હતું.
આજે સવારે મુખ્યમંત્રી અમદાવાદ એરપોર્ટથી રાજકોટ નજીકના હિરાસર એરપોર્ટે ઉતરીને હેલીકોપ્ટર મારફત કણકોટના હેલીપેડ પર પહોંચ્યા હતા. ત્યાંથી લોધીકા તાલુકામાં આવતા કણકોટ પાસેના જશવંતપુર ગામે પહોંચ્યા હતા.
અહીં નિર્માણ પામનાર ભવ્ય ઉમિયા માતાજીના મંદિરનું ભૂમિપૂજન કર્યુ હતું. સમાજ અને રાજકીય આગેવાનો તથા ચૂંટાયેલા લોકોની ઉપસ્થિતિમાં આ મંદિર નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લા પંચાયતના જુના બિલ્ડીંગને તોડવાનું કામ ચાલી રહ્યું છે. તેની જગ્યાએ 36 કરોડના ખર્ચે નવા બંધાનારા બિલ્ડીંગનો શિલાન્યાસ આજે ભુપેન્દ્રભાઇ પટેલે પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં કર્યો હતો. તે બાદ રેસકોર્સ ખાતે મહાપાલિકા, રૂડા તંત્રના વિકાસ કામોનો લોકાર્પણ અને ભૂમિપૂજનનો સંયુકત કાર્યક્રમ યોજાયો હતો.
રેસકોર્સમાં યોજાયેલા સમારોહ સાથે મુખ્યમંત્રીએ જનમેદનીને ટુંકુ સંબોધન કર્યુ હતું. 2047માં વિકસીત ભારતના નિર્માણમાં ગુજરાતના યોગદાન, શહેરીકરણના વિકાસને વેગ, પર્યાવરણના જતન, સ્વચ્છ નગરમાં સૌના યોગદાન માટે તેમણે હાકલ કરી હતી.
આ પૂર્વે તેમણે સવાણી કિડની હોસ્પિટલ ખાતે પણ ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપી હતી. રેસકોર્સના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ગોંડલ રોડ પર પીપળીયા ભવન ખાતે આવેલા સદભાવના વૃધ્ધાશ્રમની મુલાકાતે ગયા હતા. ત્યાં તેઓએ સંસ્થાની પ્રવૃતિ જાણી હતી અને સેવાભાવનાને બિરદાવી હતી. આ બાદ તેઓ એક પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ હેલીપેડ મારફત એરપોર્ટ પર પહોંચી પરત ગાંધીનગર જવા રવાના થયા હતા.
સર્કિટ હાઉસ ખાતે તેમના ટુંકા રોકાણ અને ભોજનના કાર્યક્રમને છેલ્લી ઘડીએ સમયના અભાવે રદ કરવામાં આવ્યો હતો. એકંદરે આજે રાજકોટમાં ધાર્મિક પ્રસંગ અને વિકાસ કામોના લોકાર્પણ, ખાતમુહૂર્તના કાર્યક્રમો પૂરા કરી બપોરે જ પરત નીકળી ગયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy