♦ ત્રણ વખત હેલ્મેટ કાનુનનો ભંગ કરનારના લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને જણાવાશે: 100 ની દરખાસ્ત પણ થઈ ગઈ
અમદાવાદ,તા 4
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસની ખંડપીઠ દ્વારા ગુજરાત સરકારને સ્પષ્ટ રીતે મૌખિક આદેશ કરવામાં આવ્યો હતો કે જો લોકો હેલમેટના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય અને રાજી ખુશીથી દંડ ભરીને ચાલતા થવા તૈયાર હોય તો બીજો રસ્તો અપનાવો. ઓફિસના સમય દરમિયાન તમે તેમને રોકી રાખો, ભલે તેમને મોડું થાય, ઓફિસમાં તેમને ઠપકો પડશે એટલે ખબર પડશે કે હવે હેલમેટ પહેરો.
બીજી બાજુ અમદાવાદ-ગાંધીનગર હાઇવે ઉપર પણ બન્ને તરફ અવર-જવર હોય છે તો ત્યાં ચેક પોસ્ટ ઉભી કરીને લોકોને હેલમેટના નિયમોનો અમલ કરાવો. આ ઉપરાંત ટેકનોલોજીનો અમલ કરવા ઉપર પણ ચીફ જસ્ટીસે ભાર મુકીને વધુ સુનાવણી આવતા શુક્રવારે રાખી હતી. કેસની વિગતો મુજબ ટ્રાફિક સમસ્યા, રસ્તાઓ અને ફ્લાય ઓવર બાબતે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અકજી ચાલી રહી છે.
તેમા ગત શુક્રવારે હાઇકોર્ટ દ્વારા હેલમેટના નિયમનો કડકાઇથી અમલ કરવાનો આદેશ આર્યો હતો. આજે સુનાવણીની શરૂઆત થઇ તે સાથે જ હાઇકોર્ટે એડવોકેટ જનરલને ટકોર કરી હતી કે, હેલમેટના નિયમનું અસ્તિત્વ જ રહ્યું નથી જાણે. આજે હું હાઇકોર્ટ આવતી હતી ત્યારે કારમાંથી કેટલાક ફોટો લીધા છે.
હું આપને બતાવી શકું છું. કારની બન્ને બાજુ દ્રીચક્રી વાહનોની હાર હતી તેમાંથી માત્ર ત્રણ ચાર જણએ જ હેલમેટ પહેરેલા હતા. રસ્તાની બન્ને બાજુ વીઆઇપી બંદોબસ્ત માટે ટ્રાફિક જવાનો હતા પરંતુ કોઇ દરકાર લેતુ નહોતું. તમે ચાહો તો તમને ફોટો બતાવી શકું છું.
106 લોકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે દરખાસ્ત
એડવોકેટ જનરલ દ્વારા હાઇકોર્ટને માહિતી આપવામાં આવી હતી કે, તેઓએ પગલા લેવાના શરૂ કરી દીધા છે જેમાં બે હજાર જેટલા લોકો સામે કેસ કર્યા છે અને તે પૈકી ત્રણ વખત હેલમેટના નિયમનો ભંગ કરનારનો લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવા માટે આરટીઓને દરખાસ્ત કરી છે. આથી કોર્ટે કહ્યું હતું કે, આ બાબતે ઝીરો ટોલરન્સ પોલિસી હોવી જોઇએ.
દહેરાદુનમાં પણ લોકો હેલમેટ પહેરે છે કારણ કે તેમને પકડાઇ જવાનો ભય છે. દિલ્હી, મુંબઇ અને દહેરાદુન જેવા શહેરોમાં પણ લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા પહેલા વિચાર કરે છે. અમે હજાર લોકોને જેલમાં મોકલવા માગતા નથી. પરંતુ કાયદાનો ભય જરૂરી છે.
હેલમેટના કાયદાનો ભંગ કરનાર માટે મોબાઇલ એપ્લીકેશન
એડવોકેટ જનરલ દ્વારા હાઇકોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, એક મોબાઇલ એપ્લીકેશન ડેવલપ કરવામાં આવી છે. જો કોઇ વાહન ચાલક હેલમેટ વગર પકડાશે અને તેનો વાહન નંબર મોબાઇલ એપ્લીકેશનમાં નાખવામાં આવશે તો તરત જ ખબર પડી જશે કે હેલમેટના નિયમનો કેટલી વખત ભંગ કર્યો છે. જો ત્રણ વખત થી હેલમેટ પહેર્યા વગર પકડાયા હશે તો વાહનનો નંબર સીધો જ આરટીઓને મોકલી આપવામાં આવશે અને તેમનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.
દંડ કરવાના બદલે ઉભા રાખો રસ્તા ઉપર
હેલમેટના નિયમની ચર્ચા દરમિયાન ચીફ જસ્ટીસ દ્વારા હળવા સૂરમાં સૂચના કરવામાં આવ્યું હતું કે, જે વ્યક્તિને ક્યાંક જવું છે તે કાયમ ઉતાવળમાં જ હોય છે અને તેને દસ થી પંદર મિનિટ પણ ઉભા રાખશો તેને ખબર પડશે કેતો કોણ બબાલમાં નહી પડે અને બીજી વખત પહેરી લઇએ તેવું વિચારશે. આથી આ રીતે કાર્યવાહી થવી જોઇએ.
હાઇકોર્ટે સરકારને સૂચન કર્યું હતું કે, જો દંડની કામગીરીના વિકલ્પમાં વિચારીએ તો ઓફિસના સમયગાળા દરમિયાન સવારે 10 થી 10.30 દરમિયાન હેલમેટ વગરના ચાલકને રોકો અને તેને દસ થી પંદર ઉભા રાખો. તેને ઓફિસ પહોંચવામાં વિલંબ થશે અને ઓફિસથી ઠપકો મળશે એટલે આપોઆપ ખબર પડશે કે હેલમેટ પહેરવું જોઇએ. માત્ર દંડ કરવાથી કામ નહી ચાલે તેમને રોકી રાખો.
હાઇકોર્ટના કર્મચારીઓ માટે હેલમેટ ફરજીયાત
દરિમયાન ચીફ જસ્ટીસ અને સાથે બેઠેલા જસ્ટીસ પ્રણવ ત્રિવેદીએ થોડ ક્ષણો માટે મસલત કરી હતી અને પછી કહ્યું હતું કે, અમે એક પરિપત્ર બહાર પાડીને હાઇકોર્ટના કર્મચારીઓ માટે હેલમેટ ફરજીયાત બનાવવા માટે વિચારી રહ્યા છીએ અને જો કોઇ પકડાશે તો તેમની પાસેથી દંડ વસૂલ કરાશે અને પગલાં લઇશું. આથી એડવોકેટ જનરલે આ નિર્ણયને આવકાર્યો હતો અને બીજી કચેરીઓમાં પણ આવું થવું જોઇએ તેવો મત વ્યક્ત કર્યો હતો. દરેક નોકરીદાતાઓએ આવો નિર્ણય લેવો જોઇએ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy