કોઈને છોડતા નહીં; ‘સીટ’ને છુટ્ટો દોર: IPS-IASની પૂછપરછ શરૂ

Gujarat | Rajkot | 30 May, 2024 | 12:12 PM
ગેરકાયદે વીજજોડાણ લીધુ: 25 સપ્ટેમ્બરે લાગેલી આગ પર ઢાંકપીછોડો: હવે સસ્પેન્ડેડ સામે ગુનો નોંધવાની તૈયારી: આટલા વર્ષોથી લાગતા કલંક ધોવા સરકાર મકકમ
સાંજ સમાચાર

અમદાવાદ તા.30
રાજકોટના ગેમઝોનના અગ્નિકાંડની ઘટનામાં આજે ‘સીટ’ દ્વારા બદલી પામેલા અધિકારીઓ પો.કમિશ્નર રાજુ ભાર્ગવ, મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલ, એડી.પો.કમિશ્નર વિધિ ચૌધરી, ડીસીપી ડો. સુધીર દેસાઈની પુછપરછ કરવામાં આવનાર છે તો બીજી તરફ આ ઘટનામાં સસ્પેન્ડ થયેલા, બદલી પામેલા અધિકારીઓની મિલકતો અંગે લક્ષ્ય રૂશ્વત વિરોધી શાખાએ પણ તપાસ શરૂ કરી દીધાનું જાણવા મળ્યું છે.

ગઈકાલે ‘સીટ’ દ્વારા આ તમામ અધિકારીઓને સમન્સ મોકલ્યું હતું. પ્રાથમીક રિપોર્ટ સરકારને સોંપી દેનાર સ્પે.ઈન્વેસ્ટીગેશન કમીટીને વધુમાં વધુ પગલા લેવા સરકારે છુટોદોર આપી દીધો છે અને હજુ સરકારી બાબુઓ સામે ગુના નોંધાય તેમ પણ માનવામાં આવે છે.

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ખાતે શનિવારે સર્જાયેલી દુર્ઘટનામાં સાત વિવિધ સંવર્ગના અધિકારીઓ સામે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ના પ્રાથમિક રિપોર્ટના તારણના આધારે રાજય સરકારે સોમવારે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. હવે આ અધિકારીઓ સામે ક્રિમિનલ કેસ દાખલ કરવાની દિશામાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં ચાર વર્ષથી રહેણાંક વિસ્તારમાં ત્રણ માળના કોમર્શિયલ બિલ્ડીંગમાં ચાલી રહેલા ગેમ ઝોન અંગે આંખ આડા કાન કરનાર મહાનગરપાલિકા, ફાયર સર્વિસ, માર્ગ અને મકાન તથા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓની ભૂમિકાની તપાસ કરી તમામ સામે બિન જામીનપાત્ર કલમ હેઠળ કેસ કરવા સીટને સૂચના આપી દેવામાં આવી છે.

આ સૂચના બાદ રાજકોટ ક્રાઈમ બ્રાંચ દ્વારા સ્થાનિક ટાઉન પ્લાનિંગ ઓફીસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર તથા પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી એકઝીકયુટીવ એન્જીનીયરને તાબડતોબ ઉઠાવી લઈ અજ્ઞાત સ્થળે પૂછપરછ માટે લઈ ગઈ હતી. આજે ગાંધીનગર ખાતે સીટ સમક્ષ તત્કાલિન પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ તથા અન્ય ટ્રાન્સફર કરાયેલા આઈપીએસ અધિકારીઓને પૂછપરછ માટે હાજર રહેવા સુચના આપવામાં આવી છે.

રાજયના અધિક પોલીસ વડા સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળની સીટ દ્વારા અત્યાર સુધીમાં કરાયેલી તપાસની સમીક્ષા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. આ તપાસ દરમિયાન કેટલીક હકીકતો ધ્યાનમાં આવી હતી. ખાસ કરીને રહેણાંક ઝોનમાં બનેલા કોમર્શિયલ બિલ્ડીંગમાં વીજ જોડાણ પણ ગેરકાયદે રીતે મેળવવાનું આવ્યું હતું.

એ જ રીતે 25 સપ્ટેમ્બર, 2023ના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં આગ ફાટી નીકળી હતી, પરંતુ આ ઘટનાને ફાયર બ્રિગેડના અધિકારીઓ સાથે મેળાપીપણામાં દબાવી દેવામાં આવી હતી. આમ, આ ત્રણ ગંભીર બાબતોને લઈ રાજકોટ ટાઉન પ્લાનિંગ ઓફીસર એમ.ડી. સાગઠીયા, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર બી.જે. ઠેબા તથા પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી એકઝીકયુટીવ એન્જીનીયર ચૌહાણને ક્રાઈમ બ્રાંચ દ્વારા અટકાયત કરીને પૂછપરછ શરૂ કરાઈ હતી.

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ સીટના સભ્યો સાથે યોજેલી બેઠકમાં હવે પછીની તપાસનો દાયરો વધારવાનો નિર્ણય લેવાયો હતો. સૂત્રોએ કહ્યું કે, અત્યાર સુધીમાં સુરતની તક્ષશિલા કાંડ, વડોદરાનો બોટકાંડ, અમદાવાદમાં હોસ્પિટલોમાં આગની ઘટનાઓ કોઈ કારણોસર ન્યાયિક તપાસ દાખલારૂપ સાબિત થઈ નથી એટલે આ કિસ્સામાં કોઈપણ જવાબદાર છટકી ન શકે એવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાને ધ્યાને લઈ અત્યાર સુધીમાં સસ્પેન્ડ કરાયેલા સાત અધિકારીઓની પૂછપરછ અને તેમાં બહાર આવેલી અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે કોઈ પદાધિકારીની ભૂમિકા જણાય તો તેમની તપાસ કરવા સીટને છુટો દોર આપવામાં આવ્યો છે.

સીટના વડા સુભાષ ત્રિવેદીએ પણ કહ્યું હતું કે, તપાસમાં કોઈપણ આઈએએસ, આઈપીએસ, આઈએફએસ અધિકારીની પણ પૂછપરછ કરાશે. તપાસ દરમિયાન જે કોઈની ભૂમિકા જણાશે તો તેની સામે પણ કાર્યવાહી કરાશે. ગત 27 મેના રોજ સરકારે ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડને લઈ રાજકોટના ત્રણ પોલીસ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનરની તાત્કાલિક અસરથી બદલીનો આદેશ કર્યો હતો.

આ ચારેય અધિકારીની પૂછપરછ કરવામાં આવશે. નોંધનીય છે કે, ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ પો.કમિ. રાજુ ભાર્ગવે, ગેમઝોનની મંજૂરી હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યારબાદ એવું સપાટી પર આવી રહ્યું છે કે ગેમઝોન દ્વારા કોઈપણ મંજૂરી લેવાઈ ન હતી અને એનઓસી સહિતની પરવાનગી વિના જ ધમધમી રહ્યું હતું. તપાસમાં એવું બહાર આવી રહ્યું છે કે આ ગેમઝોન પર તંત્રની રહેમ નજર હતી, જેથી જ 2021થી આગકાંડ સુધી ફરજમાં રહેલા પોલીસ તેમજ પાલિકાના ઉચ્ચાધિકારીઓની તપાસ કરવાનું દબાણ સતત વધી રહ્યું છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj