સૌ પ્રથમ એશિયાઇ લાયનની ગણતરી 1936માં થઇ હતી : બે તબક્કામાં થશે કામગીરી

સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 35 હજાર ચો.કિ.મી. વિસ્તારમાં સિંહ વસ્તી ગણતરીનો પ્રારંભ

Gujarat, Saurashtra | Rajkot | 10 May, 2025 | 12:07 PM
58 તાલુકામાં વસવાટ થઇ ગયો છે : 2020 માં 674 સંખ્યા નોંધાઇ હતી : ઇ-ગુજ ફોરેસ્ટ એપ સહિત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા.10
ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ-2025 આજે તા.10 થી 13 મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવશે. જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ તા.10 થી 11 મે અને આખરી વસ્તી અંદાજ તા.12 થી 13 મેના રોજ હાથ ધરવામાં આવશે.

આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવશે. 

રાજ્ય સરકાર દ્વારા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષાએ ઇકો-ડેવલપમેન્ટ કમિટીની સ્થાપના, વન્ય પ્રાણી મિત્ર નક્કી કરવાં, નિયમિત સમયાંતરે નૈસર્ગિક શૈક્ષણિક કેમ્પનું આયોજન, ગીરની વનસ્પતિસૃષ્ટિ તેમજ તૃણાહારી જીવસૃષ્ટિનું નિરીક્ષણ-દેખભાળ તેમજ કૌશલ્યવાન માનવબળ સાથે સ્થાનિક લોકોનો સહકાર લેવો જેવા અવિરત પ્રયાસો કરવામાં આવે છે, જેના પરિણામે સિંહોની પ્રત્યેક વસતી ગણતરી વખતે તેઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. 

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મેક ઈન ઇન્ડિયાના લોગોમાં એશિયાઇ સિંહ સ્થાન પામ્યો છે, ત્યારે વન વિભાગે પણ સિંહોના આશ્રયસ્થાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત ગત વર્ષથી સિંહોને વૈકલ્પિક આશ્રયસ્થાનરૂપે બરડા અભ્યારણ્યમાં વસાવવા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી સિંહની વસ્તી અંદાજની કામગીરી, મુલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે.

રાજ્યમાં સૌપ્રથમ વર્ષ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ 1995માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ 304 જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ 2001માં કુલ 327, વર્ષ 2005માં કુલ 359, વર્ષ 2010માં કુલ 411, વર્ષ 2015માં કુલ 523 અને છેલ્લે વર્ષ 2020માં કુલ 674 જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે.  

ડાયરેક્ટ બીટ વેરીફીકેશન પદ્ધતિ
એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ ખુબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ 100 ટકા ચોકસાઈ મળે છે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ શુન્ય રહે છે. ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો, રેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે.

સમગ્ર વિસ્તારને રિજિયન, ઝોન,ફ સબ ઝોન જેવા શ્રેણી બદ્ધ એકમોમાં વિભાજીત કરીને રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો સહિત લગભગ 3,000 જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે. તેમને સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલ વિસ્તારોના નકશા આપવામાં આવશે.

આ પત્રકોમાં અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશે.  

 

મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ
 સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રીઝોલ્યુશન કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. કેટલાક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે, જે તે સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ કરશે.

સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે e-GujForest એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવશે, જેમાં જી.પી.એસ. લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઇ અને કાર્યક્ષમતામાં વધારો થશે. 

આ ઉપરાંત જી.આઇ.એસ. સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા તથા સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj