► 66 નગરપાલિકાઓમાં જોકે એકંદરે 65% જેવું મતદાન : મુખ્યમંત્રીના મત વિસ્તારને આવરી લેતી ઘાટલોડીયાની વોર્ડ બેઠક સહિત 3 મહાપાલિકા પેટા ચૂંટણીમાં પણ કંગાળ મતદાન : ચૂંટણીમાં ભાજપની સ્થાનિક નેતાઓની ટકકરના પડઘા પણ પરિણામમાં જોવા મળી શકે
રાજકોટ, તા. 17
ગુજરાતમાં યોજાયેલી જુનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત નિયમિત ચૂંટણી તેમજ જિલ્લા પંચાયત તથા મહાનગરપાલિકાની બેઠકોની પેટા ચૂંટણીમાં ખાસ કરીને જુનાગઢ મહાપાલિકામાં જે ઓછું મતદાન થયું છે તે શહેરી મતદાનો હવે કોઇ મુદ્દા વગરની રહેલી આ ચૂંટણીમાં અત્યંત નિરસ હોય તેવું નિશ્ર્ચિત દેખાઇ આવ્યું છે.
જુનાગઢ મહાનગરપાલિકાની 60માંથી 54 બેઠકો પર મતદાન યોજાયુ હતું જેમાં 44.3ર જેવું મતદાન થયું છે આમ ગત ચૂંટણી કરતા પણ આ ચૂંટણીમાં ઓછા મતદાને ખાસ કરીને ભાજપની ચિંતા વધારી હોય તેવા સંકેત છે.
જુનાગઢ સહિત અનેક ચૂંટણીમાં બિનહરીફ બેઠકો કરાવનાર ભાજપના અગ્રણીઓ બાદમાં ધીમા મતદાનથી ચિંતામાં મુકાઇ ગયા હતા અને ગલી-ગલી જઇને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા વિનવતા હતા. જોકે મહાનગરપાલિકામાં ભાજપ પોતાની બહુમતી માટે મુસ્તાક છે અને ઓછા મતદાન માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી અને પક્ષના અગ્રણીઓએ કહ્યું હતું કે મોટા ભાગની બેઠકો પર સ્પર્ધા જેવી કોઇ સ્થિતિ નહી હોવાથી મતદારો નિરસ હોવાનું માની શકાય છે.
જે કંઇ મતદાન થયું છે તે ભાજપના કમીટેડ મતદારોનું હોવાનું જુનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણી પ્રભારી કમલેશ મિરાણીએ દાવો કર્યો હતો. જોકે ફકત જુનાગઢ મહાનગરપાલિકા જ નહીં અન્ય મહાનગરપાલિકા 3 બેઠકોની જે પેટા ચૂંટણી યોજાઇ હતી તેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મત વિસ્તાર ઘાટલોડીયાની એક વોર્ડ બેઠકનો સમાવેશ થાય છે અને ત્યાં પણ 31 ટકા જેવું મતદાન નોંધાયું છે.
ભાવનગરમાં પણ મતદાન નીચુ રહ્યું છે. જિલ્લા પંચાયતની 8 પેટા ચૂંટણીમાં 43.67 ટકા મતદાન થયું છે અને જયાં નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી હતી એટલે કે વાંકાનેર, બોટાદની ચૂંટણીમાં પણ બોટાદમાં ફકત 31.17 ટકા મતદાન નોંધાયુ છે. જયારે વાંકાનેરમાં પ1.પર ટકા મતદાન થયું હતું.
સૌરાષ્ટ્રમાં જોઇએ તો પેટા ચૂંટણીઓમાં પણ ઓછું મતદાન થયું છે આમ ઓછા મતદાને હવે પરિસ્થિતિ રસપ્રદ બનાવી દીધી છે અને હારજીત સાંકળી હશે તેવું માનવામાં આવે છે. ભાજપે અગાઉ જ 8 બેઠકો બીનહરીફ કબ્જે કરી હતી અને તેથી પરિણામો પ4 બેઠકોમાં ભાવિ નકકી થશે. તેની સાથે અનેક બેઠકોમાં દિગ્ગજોના ભાવી પણ અસર કરે તેવા પરિણામો આવી શકે છે.
અમરેલીમાં લેટરકાંડની ઇફેકટ કેવી હતી તે જોવા મળશે, જેતપુરમાં મેન્ટેડ કાંડ અને માણાવદરમાં જવાહર ચાવડા ફેકટરની અસર પણ જોવા મળશે. ચોરવાડમાં સાંસદ અને ધારાસભ્યની ટકકર જોવા મળી હતી. જયારે દેવભૂમિ દ્વારકામાં પબુભા માણેકની તમામ તાકાત છતાં પણ બિનહરીફ થઇ શકી નહીં તે પણ રસપ્રદ બાબત છે. પોરબંદરની કુતિયાણા અને રાણાવાવમાં ભાજપની સાથે અને સામે એમ ભૂમિકા ભજવનાર કાંધલ જાડેજા અને ઢેલીબેન ઓડેદરા વચ્ચેની ટકકર કેવું પરિણામ લાવશે તે જોવું રસપ્રદ બની જશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy