(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 18
લીંબડી રોડ પર પવિત્ર શ્રી જાગતી મેલડી મા નું મંદીર આવેલુ છે. માતાજીનું મંદિર સમગ્ર પંથકમાં આસ્થાનું કેન્દ્ર છે, વર્ષો પહેલાં પાણીના ઉંડા વોંકળામાંથી માતાજી એક ભક્તને પ્રસન્ન થયા હતા અને તેણે માતાજીની નાની દેરી બનાવી સ્થાપના કરી હતી. માતાજીની નાની દેરી વર્તમાનમાં મોટું મંદિર બન્યું છે, અહિં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ પર રાણપુરથી ચાર કિલોમીટરના અંતરે લીંબડી રોડ પર પ્રવિત્ર શ્રદ્ધાના પ્રતિક સમાન ધામ જાગતી મેલડીમાનું મંદિર આવેલું છે. વર્ષો પહેલા આ સ્થાને ખીજડાના વૃક્ષ પાસે મેલડીમા સ્વયં પ્રગટ થયા હતા અને માતાજીના ભક્તોએ નાની દેરી બનાવી સેવા પૂજા શરૂ કરી હતી.
ભાવિકો કોઈપણ પ્રકારના દુખ સાથે મંદિરે આવી મેલડીમા ના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરીને મનમા સંકલ્પ કરે એટલે માતાજી તેમનો સંકલ્પ પુરો કરે જ છે. દર્શનાર્થીઓના દુખ દુર થાય છે એટલે આ મંદિર જાગતી મેલડીમા નું મંદિર તરીકે પ્રચલિત છે. મંદિરે દરરોજ ભક્તો ઉમટી પડે છે અને રવિવારે મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન કરી સકારાત્મક ઉર્જા મેળવી આનંદીત થાય છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વસતડી ગામે અવાર નવાર સામાકાંઠાના મેલડી મા ના દર્શન કરવા જતા હતા. એક વાર દર્શને જતા કાન્તાબેને ખીજડાના વૃક્ષ પાસે 7 ફુટ ઉંડા વોંકળાના પાણીમાં માતાજીની નિશાનીને તરતા જોઈ અને તેમના પતિએ નજીક જઈને જોયુતો ફડરલા સ્વરૂપે મેલડી માતાજીના દર્શન થયા હતા. એટલે કાન્તાબેન અને તેમના પતિ ભીખાભાઈએ માતાજીની સ્થાપના કરીને સેવા પૂજા કરવાનો સંકલ્પ કરી વોકળા પાસે આવેલા ખીજડાના વૃક્ષ પાસે મેલડી માતાજીની નાની દેરી બનાવીને સ્થાપના કરી હતી.
સમયાંતરે માતાજીના દર્શને આવતા ભક્તો અને રાણપુર ગામના સેવાભાવી યુવાનોના સહયોગથી મોટા મંદિરનું નિર્માણ થયુ હતું વર્તમાનમાં માતાજીના વિશાળ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવી મેલડીમાના શરણે શીશ ઝુકાવે છે અને માતાજીના આશીર્વાદથી પોતાના મનોવાંચ્છીત ફળ મેળવે છે. એટલે માતાજી જાગતી મેલડી મા તરીકે પૂજાય છે.
દર રવિવારે કરવામાં આવે છે મહાપ્રસાદનું આયોજન
જાગતી મેલડી માતાજી દુખીયાના દુ:ખ દુર કરવા માટે આવ્યા હોય તેમ દર્શને આવતા દરેકના દુ:ખ પળવારમાં દૂર કરે છે ચૈત્ર સુદ ત્રીજ માતાજીનો પ્રાગટ્ય દિવસ છે અને આ દિવસે મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સેવકોના સહયોગથી દર રવિવારે માતાજીના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને ભાવિકો માતાજીના દર્શનની સાથે પ્રસાદનો લાભ લઈ ધન્ય થાય છે.
જાગતી મેલડીમાંના મંદિરે દર રવિવારે હજારો ભક્તો માતાજીના આશીર્વાદ લેવા મંદિરે આવે છે, દર રવિવારે ભક્તો માતાજીને તાવાનો પ્રસાદ કરે છે મંદિરે રસોઈ બનાવવા માટે મોટી સંખ્યામાં બહેનો અલગ અલગ ગ્રુપમાં સેવા કરવા આવે છે. જાગતી મેલડી માતાજી મંદિરના વહીવટ કર્તાઓ અને સેવકો દર રવિવારે મંદિરે દર્શન કરી માતાજીના ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરે છે.
માઁના આશીર્વાદથી બંધાય છે નિ:સંતાનના ઘરે પારણા
માતાજીના મંદિરે ભાવિકો દુરદુરથી પગપાળા દર્શન કરવા આવે છે જેમણે માતાજીની કોઈ માનતા રાખી હોય તે ભાવિકો ઉઘાડા પગે પણ પગપાળા માતાજીના દર્શન કરવા આવે છે તો કેટલાક ભક્તોની મનોકામના પૂર્ણ થઈ હોય તો તે આળોટતા આળોટતા મંદિરે દર્શને આવે છે અને માતાજીના રૂડા આશીર્વાદ મેળવે છે. જે નિ:સંતાન ભક્તોના ઘરે માતાજીના આશીર્વાદથી પારણા બંધાય છે.
તે ભાવિકો મંદિરે પોતાના દિકરા કે દિકરીના ફોટા લગાવીને માનતા પુર્ણ કરે છે. રાણપુરના જાગતી મેલડી માતાજીના મંદિરનું અનેરું મહત્વ છે. રાણપુર લીંબડી રોડ પર આવેલુ આ મંદિર ભવ્ય અને દિવ્ય છે, સાક્ષાત મા મેલડી ત્યાં જાગૃત છે અને આ રોડ પરથી પસાર થતાં મોટાભાગના વાહન ચાલકો જાગતી મેલડી માતાજીના મંદિરે પોતાનું વાહન રોકીને માતાજીના દર્શન કર્યા બાદ જ અહીંથી આગળ વધે છે માતાજી ભક્તોના દુખ તાત્કાલિક દુર કરે છે એટલે જાગતી મેલડી મા તરીકે આ મંદિર પંથકમાં પ્રચલિત છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy