બેંગ્લોર જેવા શહેરના જળસંકટમાંથી બોધ લઇ રાજકોટ કોર્પોરેશનનો પ્રોજેકટ : શાળાઓમાં પણ કામ શરૂ : મવડીમાં વિશાળ ગાર્ડનનો પ્લોટ પણ ઉપલબ્ધ

ભૂર્ગભ જળ અને બોર જીવંત રાખવા પ્રથમ વખત ચેક ડેમ બાંધવાનું શરૂ કરતી મહાપાલિકા

Local | Rajkot | 15 May, 2024 | 05:25 PM
મવડીમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેના વોંકળામાં ફિલ્ટર મીડિયા પણ મૂકાશે : રૈયા, કટારીયા ચોક, અવધ રોડ પર સંસ્થાના સહયોગથી વોટર રીચાર્જનું આયોજન : ચોમાસામાં જ કામ આવશે
સાંજ સમાચાર

રાજકોટ, તા.15
રાજકોટમાં દર વર્ષે પાણીની માંગમાં વધારો થતો જાય છે અને વધતા વસવાટ વચ્ચે નર્મદા યોજનાનું પાણી પણ વધુ લેવું પડે છે ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારમાં ચેકડેમ બનાવીને આજુબાજુના વિસ્તારના ભૂગર્ભ જળ જીવંત કરવાનો મહત્વનો પ્રોજેકટ કમિશ્નર આનંદ પટેલે હાથ પર લીધો છે. સંસ્થાના સહયોગથી મવડીમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ સહિતના વેસ્ટ ઝોનના ચાર પડતર અને પાણી વગરના વોંકળામાં આ જળસંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 

મ્યુનિ. કમિશ્નરે ચૂંટણી જાહેર થતા પૂર્વે મનપામાં વોટર મેનેજમેન્ટ સેલની રચના કરી હતી. તેમાં જળસંચય, પ્રોજેકટ અને ઓ એન્ડ એમ વિભાગનો સમાવેશ થાય છે. વોટર વર્કસ વિભાગનો વિસ્તાર કરવામાં આવ્યા બાદ પ્રથમ વખત ચેકડેમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, મવડી પોલીસ હેડ કવાર્ટર પાસે બનતા ચેક ડેમની અધિકારીઓએ મુલાકાત લીધી હતી.

સ્પીડવેલ પાસેના આ તળાવની સમાંતર ગાર્ડનનો પણ વિશાળ પ્લોટ હોય આ સ્થળ ભવિષ્યમાં રમણીય બનીને વિકસી શકે તેમ છે.  મેના અંતમાં ચારેય ચેકડેમ તૈયાર થઇ જાય અને આગામી ચોમાસામાં બોર રીચાર્જમાં ઉપયોગી થાય તેવી મનપાને આશા છે. 

મનપા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવા ચેક ડેમનું આયોજન કરવામાં આવ્યું છે. મવડી ઉપરાંત રૈયા સ્મશાન પાસેના વોંકળા, કટારીયા ચોક પાસે અને અવધ રોડ પર રૂડાની આવાસ યોજના પાસે આવું કામ ચાલી રહ્યું છે. જે વોંકળામાં પાણી આવતું ન હોય અને ડે્રેનેજનું ગંદુ પાણી પણ આવી શકે તેમ ન હોય ત્યાં આ પ્રોજેકટ મુકવામાં આવ્યા છે. કારણ કે ગંદા પાણી સાથે વેલ ઉગી નીકળવાનો ભય હોય છે.

મવડીમાં 63નો ઉંડો ફિલ્ટર મીડિયા પણ   મૂકવામાં આવ્યો છે. આજુબાજુના વિસ્તારોના ભૂગર્ભ જળ ઉંચા આવશે અને જયાં સુધી ચેક ડેમમાં પાણી રહે ત્યાં સુધી જીવંત રહેવાની પણ આશા છે. બેંગ્લોર જેવા શહેરમાં પણ જળસંકટ ઉભુ થયું જ છે. આ સહિતના ભવિષ્યના સંજોગો ધ્યાને રાખીને મહાપાલિકાએ બજેટમાં જોગવાઇ રાખેલી છે. 

મહાનગરપાલિકા દ્વારા 2024-2025નાં બજેટમાં થયેલી જોગવાઈ અંતર્ગત વોટર મેનેજમેન્ટ યુનિટ હેઠળ જળસંચય સેલ કાર્યરત છે. રાજકોટમાં જળસંચયની પ્રવૃત્તિને સારો વેગ પ્રાપ્ત થાય તેવા હેતુથી જળસંચય સેલ દ્વારા બોર રિચાર્જ, ચેકડેમ બનાવવા, બંધ હાલતમાં રહેલ હેન્ડપંપવાળા બોર રિચાર્જ કરવા, ચોમાસા દરમ્યાન જે સ્થળોએ પાણી ભરાતા હોય છે તેવા સ્થળોએ બોર બનાવી વરસાદી પાણીને ભૂતળમાં ઉતારવું,

રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ બિલ્ડિંગોમાં જળસંચયની વ્યવસ્થા વગેરે કામગીરી થઇ રહી છે. આ કાર્યમાં કોર્પો.ને વિવિધ સેવાકીય સંસ્થાઓનો સહયોગ સાંપડી રહ્યો છે.

જળસંચયની ઉપરોક્ત પ્રવૃત્તિને વધુ ને વધુ વેગ આપવા માટે તંત્ર અને  સેવાકીય સંસ્થા સદભાવના ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલ ચેકડેમ બનાવવાની કામગીરીના નિરીક્ષણ અર્થે મ્યુનિ. કમિશ્રનર આનંદ પટેલે સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક, મવડી પોલીસ હેડકવાર્ટર, 150 ફૂટ રીંગ રોડ સહિતના સ્થળે બની રહેલ ચેક ડેમની વિઝીટ હતી. તેમજ સ્કૂલ નંબર 88માં જળ સંચય માટેના બોર અંગેની કામગીરી પણ નિહાળી તેને લગત જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી..

આ વિઝિટ દરમિયાન સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સીટી એન્જિનિયર એ.એમ.મિત્રા તથા ના.કા.ઈ. એચ.બી. છૈયા, જીંજાળા, કે.પી.દેથરીયા, એ.એમ. વેગડ વગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા. 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj