કોઇ કાયદાથી ડરતું નથી : પૂરા રાજયમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ બેફામ

Gujarat | Ahmedabad | 28 May, 2024 | 12:27 PM
હાઇકોર્ટે જે રીતે સરકારની જાટકણી કાઢી તેના પરથી હાલત ઉજાગર : સોશ્યલ મીડિયા પર લોકો તુટી પડયા : મંત્રી અને અધિકારીઓની દાનત પર સવાલો
સાંજ સમાચાર

ગાંધીનગર,તા.28
રાજકોટ અગ્નિકાંડના કારણે કોઈપણ પ્રકારની મંજૂરી વિના વર્ષોથી ગેરકાયદે રીતે ચાલી રહેલા ગેમઝોનની વિગતો બહાર આવી છે તે ફકત હિમશિલાની ટોચ સમાન છે. સમગ્ર રાજયમાં ગેરકાયદે પ્રવૃતિઓ ફૂલીફાલી રહી હોવાનું અને અધિકારીઓ કે પોલીસ સાથે સ્થાપિત હિતોની મજબૂત સાંઠગાંઠ હોવાનો ઉભરો લોકો સોશિયલ મીડિયા પર ઠાલવી રહ્યા છે. 

દારૂના વેપલાના કારણે લઠ્ઠાકાંડ, ફેકટરીઓમાં બ્લાસ્ટ, ગેરકાયદે દબાણોને કારણે અકસ્માત, સરકારી જમીનો ઉપર કબ્જા સહિતની પ્રવૃતિઓ છેલ્લા કેટલાક વર્ષમાં બેફામ  રીતે વધી છે નિયમભંગ કરતા તત્વોને સરકારી તંત્ર કે પોલીસની કોઈની પણ બીકના હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.ગુજરાત હાઈકોર્ટ સરકારને ફટકાર લગાવે કે અમને તમારામાં ભરોસો રહ્યો નથી તે સરકાર માટે શરમજનક કહી શકાય તે સ્થિતિએ તંત્ર ચાલી રહ્યું હોવાનો પુરાવો છે.

ભૂતકાળમાં આવું જ વલણ હાઈકોર્ટે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અને વડોદરા બોટકાંડમાં સરકાર માટે અપનાવ્યું હોવા છતાં સમયાંતરે થતી આવી ઘટનાઓને કારણે મંત્રીઓ અધિકારીઓની નબળાઈ કે જવાબદારીઓનો અહેસાસ નહીં હોવાનું સ્પષ્ટ કર્યું છે. જે સચિવાલયમાં બેઠેલા અધિકારીઓ કે મંત્રીઓ પ્રાથમિક વહીવટી જવાબદારી સંભાળવામાં નિષ્ફળ નિવડયાનો સીધો સંકેત છે.

નાગરિકોને સુરક્ષાનો અહેસાસ અપાવવામાં તંત્ર ઉણું ઉતર્યું હોવાનો ઉભરો નાગરિકો ઠાલવી રહ્યા છે.  સરકારમાં અવાનનવાર ચિંતન શિબિરો થતી રહે છે.પરંતુ સચિવાલયના વિવિધ વિભાગોના સચિવો સ્થાનિક સ્તર સુધી તેમના વિભાગોના નિયમોનું પાલન થાય છે કે નહી તે માટે જવાબદાર ન હોય તેવી સ્થિતિ છે. મહિને-બે મહિને એકાદ વખત કલેકટર કોન્ફરન્સ થાય અને સૂચનો આપવામાં આવે તે પછી વાસ્તવિક અમલ કેટલો થાય છે. તેનું કોઈ તંત્ર ગોઠવાયેલું ન હોવાના કારણે દિન-પ્રતિદિન સ્થિતિ વધુ વકરી રહી હોવાની સાબિતિ સમાન બનાવો બહાર આવી રહયા છે. 

સરકારના મોવડીઓ કે સચિવાલયના સમગ્ર વહીવટી તંત્રની પકકડ ઢીલી પડી રહી હોવાની છાપ છેલ્લા બે દિવસથી જે રીતે લોકો સોશિયલ મીડિયા ઉપર આક્રોશ ઠાલવી રહ્યા છે તેમા દેખાઈ આવી છે.

વર્તમાન સરકારમાં મોરબી ઝુલતા પુલ, વડોદરા હરણી બોટકાંડ, અને રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટનાઓ બની છે તેના કારણે સમગ્ર તંત્રની છબી ખરડાઈ છે સરકારમાં બેઠેલા મંત્રીઓ કે અધિકારીઓમાં કામ કરવાની સમજણ, ક્ષમતા અને કૌશલ્ય ઉપર પણ સવાલ ઉભા કર્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj