જામ ખંભાળિયા, તા. 22
દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરીયાઈ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ફોરેસ્ટ વિભાગ તેમજ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં જુદા જુદા સ્થાન સાત સ્થળોએથી 36 જેટલા વિવિધ પ્રકારના બાંધકામો દૂર કરવામાં આવ્યા છે.
આ અંગેની વિગતો આપતા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયએ જણાવ્યું હતું કે પશ્ચિમી છેવાડાના અને 235 કિ.મી.નો વિશાળ દરિયા કિનારો ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 23 ટાપુઓ આવેલા છે.
જે પૈકી 21 નિર્જન ટાપુઓ છે. આ 21 ટાપુ પર પ્રવેશ માટે સક્ષમ અધિકારી દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ટાપુઓ ભારતની દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે. તંત્ર પાસે મળેલી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન જિલ્લાના આ 21 પૈકી 7 ટાપુઓ પર વિવિધ પ્રકારના દબાણો કરવામાં આવ્યા હતા જે સામે પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સામુહિક રીતે અભિયાન ચલાવી અને આવા વિસ્તારોને સંપૂર્ણ રીતે ગેરકાયદેસર દબાણથી મુક્ત કરવામાં આવ્યા છે.
છેલ્લા કેટલાક દિવસોથી ફોરેસ્ટ વિભાગ તેમજ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં 36 ધાર્મિક તેમજ કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ કામગીરી પોલીસ તથા ફોરેસ્ટ વિભાગની સાથે સંયુક્ત રીતે કરવામાં આવી હતી. આ ટાપુઓની યાદીમાં ખારા અને મીઠા ચુસ્ણા, આશાબા, ધોરીયો, ધબધબો, સામયાણી અને ભૈદર જેવા નિર્જન ટાપુઓ ઉપરના કુલ 36 નાના-મોટા બાંધકામો દૂર કરાયા છે. જેમાં ખાસ કરીને ફકત ખારા ચુસ્ણા અને મીઠા ચુસ્ણા ટાપુઓ ઉપર 15 જેટલા ગેરકાયદેસર બાંધકામોને ધ્વસ્ત કરાયા છે. તેમ વધુમાં જણાવાયું છે.
અહીં દૂર કરવામાં આવેલા દબાણ પૈકી કેટલાક દબાણો છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં જ્યારે મોટા બાંધકામો એકાદ દાયકાથી વધુ સમય જુના હતા. તેની પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા ખરાઈ કરીને દૂર કરાયા છે. આટલું જ નહીં, અહીંના ટાપુઓમાં પુન: દબાણ ન થાય તે માટે પણ પોલીસ તંત્ર અને ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરાશે. જેમાં પેટ્રોલિંગ, દરિયાઈ પેટ્રોલિંગ તેમજ કિનારા વિસ્તારમાં બોટ પેટ્રોલિંગમાં કોસ્ટ ગાર્ડ અને ફોરેસ્ટ વિભાગની ટીમ કાર્યરત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના દાયકાઓમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુ વિસ્તારમાં દાણચોરી હથિયાર તેમજ ડ્રગ્સના લેન્ડિંગ તથા હેરાફેરી સહિતના મોટા બનાવો બનવા પામ્યા હતા. ટાપુઓ ઉપર કેવી રીતે કોના દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામો કરવામાં આવેલ હતા? તે બાબતે તંત્ર દ્વારા વિવિધ પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રક્રિયા માટે સ્થાનિક પ્રશાસન દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી. ટાપુ વિસ્તારના બાંધકામ તેમજ ડિમોલિશન અંગેના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે.
હાલની પરિસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની દરિયાઈ તેમજ ટાપુઓની સુરક્ષા ખૂબ જ મહત્વની અને અનિવાર્ય છે ત્યારે આવા પ્રકરણમાં આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ તેમજ આઈ.પી.સી. કલમ હેઠળ કાર્યવાહી કરવાનો અણસાર પણ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આપવામાં આવ્યો છે.
(તસ્વીર : કુંજન રાડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy