સુરત તા.28
થોડા દિવસ પૂર્વે ચીનના મોલમાં ગોલ્ડ એટીએમ શરૂ થયુ છે. હવે ભારતમાં પણ તે શરૂ થઈ ગયુ છે અને ગુજરાતના ડાયમંડ હબ સુરતમાં તેની પહેલ થઈ છે.સુરતમાં ગોલ્ડ એટીએમ મારફત 1 ગ્રામથી 25 ગ્રામ સુધીના સોનાના સિકકાની 24 કલાક ખરીદી થઈ શકશે.
આ ATM ની મદદથી લોકો 1 ગ્રામથી લઈને 25 ગ્રામ સુધીના સોનાના સિક્કા (અને ચાંદીના સિક્કા પણ) સરળતાથી ખરીદી શકશે. જ્વેલરી શોરૂમ ખોલવાનો સમય હોય ત્યારે જ સોનું કે ચાંદી ખરીદી શકાય તેવી મર્યાદા હવે આ ગોલ્ડ ATM દ્વારા દૂર થઈ ગઈ છે. જે રીતે બેંકો બંધ થયા બાદ પણ ATM માંથી રૂપિયા મેળવી શકાય છે, તેવી જ રીતે હવે ગોલ્ડ ATM થકી 24 કલાક કોઈપણ સમયે સોનું અને ચાંદી ખરીદવું શક્ય બન્યું છે.
આ ગોલ્ડ ATM ગોલ્ડસિક્કા કંપની સાથે મળીને લોન્ચ કરવામાં આવ્યું છે. તેની સુરક્ષા પણ જડબેસલાક રાખવામાં આવી છે, મશીનનું વજન જ 600 કિલો છે, જે તેની મજબૂતાઈ અને સુરક્ષાનો સંકેત આપે છે.
જ્વેલર્સ દિપક ચોકસીએ જણાવ્યું કે, ઘણી વખત લોકો વિવિધ શુભ પ્રસંગોમાં સોના અને ચાંદીના સિક્કા ભેટ તરીકે આપવા માંગતા હોય છે, પરંતુ રાત્રિના સમયે કે વહેલી સવારે સોનીની દુકાનો બંધ હોવાથી ખરીદી કરી શકતા નથી. હવે આ ગોલ્ડ ATM ને કારણે આ મર્યાદા દૂર થઈ જશે અને લોકો પોતાની જરૂરિયાત મુજબ 24 કલાક કોઈપણ સમયે સોનું અને ચાંદી ખરીદી શકશે.
આ ગોલ્ડ ATM દ્વારા કોઈપણ ડિજિટલ ટ્રાન્જેક્શન જેમ કે ATM કાર્ડ, અન્ય ડિજિટલ કાર્ડ કે ઞઙઈં થકી સરળતાથી ખરીદી કરી શકાશે. આવનારી પેઢી માટે પણ આ ખૂબ જ સરળ રહેશે, કારણ કે ડિજિટલ યુગમાં આવી નવી બાબતો ગ્રાહકો માટે વધુ સરળતા આપનારી છે. અખાત્રીજ હોય કે ગુરુ પુષ્ય નક્ષત્ર જેવા શુભ દિવસોએ જ્યારે સોના-ચાંદીની ખરીદી મોટા પ્રમાણમાં થતી હોય છે, ત્યારે આ ગોલ્ડ ATM લોકો માટે ખરીદીને વધુ સુગમ બનાવશે.
આમ, સુરતમાં શરૂ થયેલું આ ગુજરાતનું પ્રથમ ગોલ્ડ ATM સોના-ચાંદીની ખરીદીને વધુ સુલભ, સુવિધાજનક અને 24 કલાક ઉપલબ્ધ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy