(વિશાલ જયસ્વાલ/પ્રશાંત જયસ્વાલ) હળવદ તા.23
મોરબી જીલ્લાના હળવવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમના મહંત પૂ.દયાનંદગીરી બાપુ આજે તા.23ના વહેલી સવારે 5-30 કલાકે બ્રહ્મલીન થતા હજારો ભકતોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
આજે મહાકાળી આશ્રમ ચરાડવા ખાતે બપોરના 11-30 કલાકે પાલખીમાં અંતિમ દર્શન બાદ સાંજે સમાધિ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય જણાશે કે પૂ.દયાનંદગીરી બાપુનો જન્મ તા.4-11-1892માં કાર્તિક સુદ પુનમના દિવસે થયો હતો. તેઓ 133 વર્ષના હતા છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ ખાતે ખાનગી હોસ્પીટલમાં તેમની સારવાર ચાલતી હતી. આજે વહેલી સવારે તેમણે 133 વર્ષની ઉમરે પોતાનો નશ્વર દેહનો ત્યાગ કરી દીધો હતો. તેમના નિધનથી હજારો અનુયાયીઓ શોકગ્રસ્ત બન્યા છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અનેક રાજકીય, સામાજીક અગ્રણીઓ પૂ.દયાનંદગીરી બાપુના દર્શનાર્થે આવતા રહેતા હતા. આજે ચરાડવા સમગ્ર ગામમાં તેમની પાલખીયાત્રા ફરશે જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાશે અને સાંજના સમયે પૂ.દયાનંદગીરી બાપુના નશ્ર્વર દેહને સમાધિ મહાકાળી મંદિરે આપવામાં આવશે.
પૂ.દયાનંદગીરી બાપુ દશ મહાવિદ્યાના ઉપાસક હતા. તેમને દૈવી સાક્ષાત્કાર થયો હતો. તેમણે યોગ, આયુર્વેદ, મંત્રવિદ્યા સિધ્ધ કરીને અસંખ્ય લોકોના દુ:ખદર્દ નષ્ટ કર્યા હતા.
પૂ.દયાનંદગીરી બાપુની વિદાયથી આધ્યાત્મિક જગતમાં સન્નાટો વ્યાપી ગયો છે. તેઓ મૂળ ઓરિસ્સા પ્રાંતના હતા તેમણે ચરાડવા ખાતે આશ્રમ સ્થાપ્યો હતો અને સિધ્ધિઓ હાંસલ કરી હતી. તેઓ દશ મહાવિદ્યાના ઉપાસક હતા. તેમનામાં અલૌકિક ઉજાની અનુભૂતિ કરાવવાની તાકાત હતી. પૂ.દયાનંદગીરી બાપુએ દેહત્યાગ કર્યો ત્યારે નાનાબાપુ પૂ.અમરગીરી બાપુ હાજર હતા. તેમજ અન્ય ભકતો પણ હતા.
પૂ.અમરગીરી મહારાજ
પૂ.દયાનંદગીરી બાપુના ઉત્તરાધિકારી તથા એક માત્ર શિષ્ય પૂ.અમરગીરી બાપુએ આજીવન પુત્ર ભાવે પૂ.દયાનંદગીરી બાપુની સેવા કરી અને તેમની પાસેથી આધ્યાત્મિક ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે.
ચરાડવા મહાકાળી આશ્રમના મહાન સંત પૂ. દયાનંદગીરી બાપુનો પ્રથમથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે અમીદ્દષ્ટિ રહી છે. પૂ.દયાનંદગીરી બાપુ કહેતા કે દેશની સેવા માટે મહામાનવ (નરેન્દ્રભાઈ)નો અવતર થયો છે.
તેમને કયારેય ઉની આંચ પણ નહિ આવે. જયારે યોગ ગુરૂ રામદેવજી બાબા પણ પૂ.દયાનંદગીરી બાપુના સંપર્કમાં રહેતા હતા.પૂ.દયાનંદગીરી બાપુ સિધ્ધપુરૂષ હતા. તેમના દર્શનાર્થે સૌરાષ્ટ્ર-ગુજરાત તેમજ દેશ-વિદેશથી લોકો આવતા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy