સીટનો પ્રાથમિક રીપોર્ટ સરકારને સોંપાયાના તુર્ત બાદ સૂચક કાર્યવાહી

TRP ગેમઝોન અગ્નિકાંડમાં આકરા એકશનની તૈયારી: કોર્પોરેશનના TPO સાગઠીયા, ફાયર ઓફિસર ખેર-ઠેબા, PGVCLના ચૌહાણ સહિત 11ની અટકાયત

Saurashtra | Rajkot | 29 May, 2024 | 03:51 PM
◙ અગાઉ સસ્પેન્ડ થયેલા કોર્પોરેશન, માર્ગ-મકાન અને પોલીસના અધિકારીઓની પણ ક્રાઇમ બ્રાંચની કચેરીએ પૂછપરછ: સાગઠીયાને ચાલુ મીટીંગમાંથી લઇ જવાયા: કોર્પોરેશન સહિતની સરકારી કચેરીઓમાં સોંપો
સાંજ સમાચાર

◙ ટીઆરપી ગેમઝોનના રેકર્ડના આધારે અધિકારીઓની ભૂમિકા ચકાસાય રહ્યાનો નિર્દેશ

રાજકોટ, તા.29
રાજકોટમાં 27 લોકોનો જીવ લેનારા ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડમાં હવે આકરા પગલાની તૈયારી શરુ થઇ ગઇ હોય તેમ આજે બપોરે એક સાથે 11 અધિકારીઓને પૂછપરછ માટે પોલીસે ઉઠાવી લેતા સનસનાટી મચી જવા પામી છે. કોર્પોરેશનના ટીપીઓ, ફાયર વિભાગના વડા-નાયબ વડા, પીજીવીસીએલના ડેપ્યુટી એન્જીનીયર ઉપરાંત સસ્પેન્ડ કરાયેલા સાત અધિકારીઓને પૂછપરછ માટે લઇ જવામાં આવ્યા હતા. હવે આગળની કાર્યવાહી કેવી રહે છે તેના પર મીટ વચ્ચે સરકારી વિભાગોમાં સોંપો પડી ગયો છે.

રાજકોટમાં ગત શનિવારે અગ્નિકાંડ સર્જાયા બાદ તપાસ માટે ખાસ ટીમની રચના કરવામાં આવી હતી અને તેના દ્વારા સરકારને પ્રાથમિક રીપોર્ટ સોંપી દેવામાં આવ્યા સાથે જ કાર્યવાહીનો બીજો રાઉન્ડ શરુ થયો હોય તેમ આજે અધિકારીઓની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી.

પોલીસના સુત્રોએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનના મુખ્ય ટાઉન પ્લાનીંગ ઓફિસર (ટીપીઓ) એમ.ડી. સાગઠીયા આજે સવારે કોર્પોરેશન ખાતે મીટીંગમાં હતા ત્યારે જ ચાલુ બેઠકમાંથી ક્રાઇમ બ્રાંચની ટીમ તેમને લઇ ગઇ હતી આ સિવાય કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, નાયબ ફાયર ઓફિસર ઠેબાને પણ લઇ જવામાં આવ્યા હતા. આ સિવાય પીજીવીસીએલના લક્ષ્મીનગર સબ ડીવીઝનના ડેપ્યુટી એન્જીનીયર એસ.કે. ચૌહાણને પણ પોલીસ પૂછપરછ માટે ઉપાડી ગઇ હતી. 

સૂત્રોના કહેવા પ્રમાણે અગ્નિકાંડના તાત્કાલીક પગલામાં સસ્પેન્ડ થયેલા સાત અધિકારીઓને પણ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાંચે લઇ જવામાં આવ્યા હતા. આ અધિકારીઓમાં કોર્પોરેશનના આસી. ટાઉન પ્લાનર ગૌતમ જોષી, આસી. એન્જીનીયર જયદિપ ચૌધરી, ફાયર વિભાગના ઓફિસર રોહિત વિગોરા, માર્ગ-મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.આર. સુમા, આર.એસ. કોઠીયા તથા પોલીસ ઇન્સ. એન.આઇ. રાઠોડ અને વી.આર. પટેલનો સમાવેશ થાય છે. બંને પોલીસ અધિકારીઓની તો ગઇકાલે પણ લંબાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી અને આજે ફરી વખત તેડાવવામાં આવ્યા હતા. 

માહિતગાર સુત્રોએ જણાવ્યું છે કે, સીટ દ્વારા સરકારને પ્રાથમિક રીપોર્ટ આપવામાં આવ્યા બાદની આ કાર્યવાહી ઘણી સૂચક ગણવામાં આવી રહી છે. આવતા દિવસોમાં હજુ કેવા પગલા લેવામાં આવે છે તેના પર મીટ છે. પૂછપરછ માટે લઇ જવામાં આવેલા અધિકારીઓને ટીઆરપી ગેમઝોનના રેકર્ડ પણ સાથે રાખવાની સૂચના આપવામાં આવી હતી. રેકર્ડ આધારિત જ પૂછપરછ થવાનું માનવામાં આવી રહ્યું છે.

સરકારી ઓફિસોમાંથી અધિકારીઓને પોલીસ લઇ જતાં કોર્પોરેશનથી માંડીને તમામ ઓફિસોમાં સનસનાટી મચી જવા પામી હતી અને અનેકવિધ ચર્ચાઓ થવા લાગી હતી. ગેમઝોન દુર્ઘટનામાં આ અધિકારીઓના રોલ વિષે તપાસ થવાનું માનવામાં આવી રહ્યું છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj