નવી દિલ્હી તા.18
દેશમાં ભૂમિ વિવાદોને ઘટાડવા શરૂ થયેલી સ્વામિત્વ યોજના અંતર્ગત વડાપ્રધાન મોદીએ આજે 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું ઓનલાઈન વિતરણ કર્યું હતું. આ પગલાથી દેશના 230થી વધુ જિલ્લાના લગભગ 50 હજાર ગામોમાં સંપતિ માલિકોને ફાયદો થશે.
આ તકે વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સીંગથી સંબોધન કરતા જણાવ્યું હતું કે આજનો દિવસ દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે ઐતિહાસિક છે. આ એક મોટી સમસ્યા હતી, પરંતુ રાજય સરકારો, અધિકારીઓ અને ગ્રામ પંચાયતોના હજારો સહયોગીઓની કોશિશોથી લાખો લાભાર્થીઓને સ્વામીત્વ યોજનાનો લાભ મળ્યો છે.
કાર્યક્રમમાં છતીસગઢ, ગુજરાત, હિમાચલ, મહારાષ્ટ્ર, મિઝોરમ, જમ્મુ-કાશ્મીર વગેરે રાજયોના સંપતિના માલિકોને પ્રોપર્ટી કાર્ડ વિતરીત કરાયા હતા.
શું છે સ્વામિત્વ યોજના?
સ્વામિત્વ કાર્ડ અથવા માલિકી કાર્ડનો એક મુખ્ય ફાયદો જમીન વિવાદો ઘટાડવાનું છે. જમીન માલિકીના સ્પષ્ટ દસ્તાવેજીકરણ પ્રદાન કરીને આ યોજના મિલકત અધિકારો અંગે વારંવાર ઉદ્ભવતા સંઘર્ષોને ઘટાડવામાં મદદ કરશે. ગ્રામજનો હવે આત્મવિશ્વાસપૂર્વક તેમની માલિકીનો દાવો કરી શકે છે. આમ, સમુદાયોમાં શાંતિ સ્થાપિત થાય છે.
સ્વામિત્વ યોજના હેઠળ ગામડાંના અબાદી સર્વેક્ષણ અને ગ્રામ્ય વિસ્તારોમાં સુધારેલી ટેક્નોલોજી સાથે મેપિંગ થાય છે. આ કાર્ડ માલિકીના પુરાવા તરીકે કામ કરે છે, જેનાથી ગ્રામજનો તેમની મિલકતનો નાણાકીય સંપત્તિ તરીકે ઉપયોગ કરી શકે છે.
1.5 કરોડ ભારતીયો પાસે છે સ્વામિત્વ કાર્ડ
સ્વામીત્વ યોજના હાલમાં 29 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશમાં કાર્યરત છે, જેમાં આશરે 2.5 લાખ ગામોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે અને 1.5 કરોડથી વધુ માલિકી કાર્ડ/સ્વામિત્વ કાર્ડ આપવામાં આવ્યાં છે. આ વ્યાપક કવરેજ ગ્રામીણ નાગરિકોને તેમના મિલકત અધિકારોની કાનૂની માન્યતા પ્રદાન કરે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy