ગઇકાલે અમૃત સ્ટેશન યોજના અંતર્ગત લીંબડી રેલ્વે સ્ટેશનના લોકાર્પણમાં સહભાગી બનતા ભુપેન્દ્રભાઇ પટેલ

વડાપ્રધાને લોકોની સુવિધા માટે ઇન્ફ્રાસ્ટ્રકચર, આધુનિકરણને આપી છે પ્રાથમિકતા : મુખ્યમંત્રી

Gujarat | Surendaranagar | 23 May, 2025 | 12:33 PM
રાજયના 87 રેલ્વે સ્ટેશનો 6303 કરોડના ખર્ચે પુન: વિકસીત કરાશે : રાજયમાં 97 ટકા રેલવે રૂટ વિદ્યુતકૃત થયા
સાંજ સમાચાર

વઢવાણ, તા.23
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના વિઝનના સંકલ્પના પરિણામે દેશને અમૃત સ્ટેશન યોજનાની ભેટ મળી છે. આ યોજનામાં દેશના 1300 થી વધુ સ્ટેશનોનો કાયાકલ્પ કરીને તેનો પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના 87 સ્ટેશનોનું પણ 6303 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકીકરણ થઈ રહ્યું છે 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રૂ. 164 કરોડના ખર્ચે ગુજરાતના પુનર્વિકસિત થઈ ગયેલા 18 રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલ લોકાર્પણ રાજસ્થાનના બિકાનેર ખાતે આયોજીત કાર્યક્રમમાં કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમૃત સ્ટેશન યોજનામાં નવીનીકરણ થયેલા લીંબડી સ્ટેશનના લોકાર્પણ  અવસરમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારથી સેનાથી લઈને સામાન્ય માનવીની સુવિધા, સજ્જતા અને સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિકીકરણને પ્રાથમિકતા આપી છે. 

રેલવેનો કાયાકલ્પ, સ્ટેશનોના આધુનિકીકરણ અને યાત્રી સુવિધાના નવતર આયામો આગવા વિઝન અને રાષ્ટ્રનિર્માણ માટેના સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યા છે. તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. 

અમૃત સ્ટેશન યોજના અન્વયે ગુજરાતના જે 18 સ્ટેશનોને પુનર્વિકસિત કરવાની કામગીરી પૂર્ણ થઈ અને વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યા તેમાં શિહોર જંક્શન, ઉતરાણ, ડાકોર, ડેરોલ, હાપા, જામજોધપુર, જામવંથલી, કાનાલુસ જંકશન, કરમસદ, કોસંબા જંકશન, લીંબડી, મહુવા, મીઠાપુર, મોરબી, ઓખા, પાલીતાણા, રાજુલા જંકશન અને સામખ્યાળી સ્ટેશનનો સમાવેશ થાય છે. 

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, જો લોકોની સારી સેવા કરવાની ઈચ્છાશક્તિ અને વિકાસની રાજનીતિની પ્રતિબદ્ધતા હોય તો સુશાસન દ્વારા રેલવે સેવાઓમાં કેવા ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય તે વડાપ્રધાનએ દુનિયાને બતાવ્યું છે. 

આ સંદર્ભમાં તેમણે ગુજરાતને રેલવે સેવાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મળેલી ભેટની વિગતો આપતા કહ્યું કે, વડાપ્રધાનના દિશા દર્શનમાં 2014 થી અત્યાર સુધીમાં રાજ્યમાં 3144 કિલોમીટર રેલવે લાઇનનું વિદ્યુતીકરણ થયું છે તે સાથે ગુજરાતમાં 97 ટકા રેલવે રૂટ વિદ્યુતકૃત થઈ ગયા છે. 

એટલું જ નહીં, 2025-26માં રેલવે બજેટમાં ગુજરાત માટે 17,155 કરોડ રૂપિયા ફાળવાયા છે. તે અગાઉના 2009 થી 2014 સુધીના સમયમાં ફાળવાયેલા બજેટ કરતા સરેરાશ 29 ગણા છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશમાં વડાપ્રધાનશ્રીના વિઝનથી વંદે ભારત ટ્રેનોનું જે નેટવર્ક ઊભું થયું છે તેમાં ગુજરાતને ચાર વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. તેનો ઉલ્લેખ કરતા ઉમેર્યુ કે, વિશ્વના અગ્રણી પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર સુધી દેશ-દુનિયાના યાત્રિકો સરળતાથી પહોંચી શકે તે માટે રેલવે સેવાઓ વિસ્તારવામાં આવી છે. 

મુખ્યમંત્રીએ ગુજરાતના 18 સ્ટેશનોના પુનર્વિકાસ પછી તેનું વડાપ્રધાનશ્રી દ્વારા થયેલું લોકાર્પણ  રાજ્યમાં રેલવે સુવિધાઓ અને પેસેન્જર એમેનીટીઝને વધુ સુગમ બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાએ પ્રાસંગિક ઉદબોધન કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશ હેઠળ અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત જુના રેલવે સ્ટેશનને પુન:વિકસિત કરવામાં આવી રહ્યા છે. રેલવેમાં પણ જુદી જુદી આધુનિક સુવિધાઓ અને નવીન ટેક્નોલોજી સાથેની ટ્રેનો વિકસાવવામાં આવી રહી છે. વંદે ભારત ટ્રેનો તેનું ઉત્તમ ઉદાહરણ છે. દેશમાં સૌથી વધુ મુસાફરી રેલવે દ્વારા થાય છે ત્યારે લોકોને મુસાફરી દરમિયાન અસુવિધા ન રહે તેની દરકાર સરકાર દ્વારા લેવામાં આવી રહી છે.

લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ લીંબડી જેવા નાના તાલુકામાં પણ મોટા શહેર જેવી સુવિધાઓ આપવા બદલ ભારત સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. 

આ અવસરે ઉપસ્થિત સૌએ રાજસ્થાનના બિકાનેર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત 103 રેલવે સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ રસપૂર્વક નિહાળ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રેલવે સ્ટેશન ખાતે વિકસિત અત્યાધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કરી સ્ટેશન અંગેની જાણકારી પણ મેળવી હતી.

આ લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય સર્વે પી. કે. પરમાર, પ્રકાશભાઈ વરમોરા, અગ્રણી સર્વે હિતેન્દ્રસિંહ ચૌહાણ, દિલીપભાઈ પટેલ, શંકરભાઈ દલવાડી, બાબાભાઈ ભરવાડ સહિતના અગ્રણીઓ, પદાધિકારીઓ, જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્ર પટેલ,જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. ગિરીશ પંડ્યા, ડિવિઝનલ રેલવે મેનેજર રવિશકુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj