રાજકોટએ 72 માંથી 68 ભાજપના નેતાઓને કોર્પોરેટર બનાવ્યાં, દુ:ખની ઘડીમાં સૌ "ગુમ”

Saurashtra | Rajkot | 29 May, 2024 | 05:35 PM
સિવિલ હોસ્પિટલમાં મૃતકોના લાચાર સંબંધી રઝળે છે : ધારાસભ્ય, કોર્પોરેટરો કોઇ સાંત્વના પાઠવવા પણ ન ગયા : ફોટોસેશન સિવાય કોઈને રસ નથી !?
સાંજ સમાચાર

► માનવતા જેવું કંઇ છે કે નહીં; 20 દિવસ પહેલા લોકસભા ચૂંટણી વખતે હાથ જોડી પગે પડતાં’તાં અને હવે જ્યારે રાજકોટને જરૂર છે ત્યારે નેતાઓ ગુમ 

► ગૃહ મંત્રી રાજકોટ આવ્યાં તો પાછળ પાછળ દોડતાં જોવા મળ્યાં પણ સિવિલ હોસ્પિટલમાં કોઈએ દરકાર જ ન લીધી:  ચૂંટણી પર જમણવારો કરતા હતા : હવે પરિવારજનોના અસ્થિની રાહ જોનારા એકલા પડી ગયા 

► રાજકારણના નામે પ્રજાને ગુમરાહ કરતાં રાજકોટના નેતાઓ ગોત્યા જડયા જ નહીં: ચાર-ચાર દિવસથી પોતાના વ્હાલસોયા પુત્ર, સેથાનો સિંદૂર, ભાઈ-બહેનના મૃતદેહ સામે ખાધા પીધાં વગર બેસી રહેલા સ્વજનો નિરાધાર 

રાજકોટ. તા.29
રાજકોટ ટીઆરપી ગેમઝોન કાંડમાં નિર્દોષ 28 લોકો જીવતા ભૂંજાઈ ગયાં હતાં. તેઓ એટલી હદે સળગી ગયાં હતાં કે તેમની ઓળખ પણ થઈ શકી તેમ ન હતી. જેથી ગેમઝોનમાં આવ્યાં બાદ ગુમ થયેલ લોકોના ડીએનએ લઈ ફોરેન્સિક તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યાં હતાં. જેમની રાહ જોઈ ગુમ થયેલ અથવા મૃત પામેલા લોકોના સ્વજનો ડીએનએની રાહ જોઈ સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમ સામે ભૂખ્યાં તરસ્યાં બેસી રહ્યાં હતાં. જેમને પ્રથમ દિવસ બાદ, ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની મુલાકાત સિવાય કોઇ કોર્પોરેટરો કે પદાધિકારીઓ પાણીનું પણ પૂછવા માટે આવ્યાં ન હતાં.

તંત્રની ઘોર બેદરકારીથી ચાલતાં ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતાં બાળકો સહિત 28 લોકો જીવતાં ભૂંજાઈ ગયાં હતાં. ગુમ થયેલા લોકોના પરિવારજનોને ડીએનએ લઈ મૃતદેહની ઓળખ કરવાંની કામગીરી કરવામાં શરૂ કરવામાં આવી હતી. પોતાના વ્હાલસોયા પુત્ર, સેથાના સિંદૂર અને ભાઈ-બહેનની લાશ લેવા માટે લોકો સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં અશ્રુભીની આંખે પડાવ નાંખ્યો હતો. તમામ લોકોની આંખો ભીની હતી. સામાન્ય લોકોની હદય પણ સ્થીતી જોઈ પીગળી જાય પરંતુ સત્તાધારી શાસકોના પેટનું પાણી હલ્યું ન હતું.

રાજકોટ શહેરની પ્રજાએ ખોબલે-ખોબલે મત આપી મહાનગરપાલીકામાં સતા સોંપી હતી. તે સતામાં બેસેલા રાજકોટના પદાધિકારીઓ સહિત 68માંથી  એકપણ કોર્પોરેટર સિવિલ હોસ્પિટલમાં પોતાના સભ્યના મૃતદેહની રાહ જોઈ બેસેલા પરિવારજનોની દરકાર લેવાં માટે આવ્યાં ન હતાં.

ત્રણ ત્રણ દિવસથી ભૂખ્યાં પેટે બેસેલા લોકોની પીડા સમજવી માનવી માટે અશક્ય છે. કેમ, કે જેને પોતાનું ગુમાવ્યું છે તે જ પીડા સમજી શકે. પ્રથમ દિવસ બનાવ બન્યો ત્યારે સાંસદ રામભાઇ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર પહોંચ્યા હતા. પરંતુ ત્યારબાદ ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક નેતા લીલુબેન જાદવ, દંડક મનીષ રાડીયા, ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રીઓ વિરેન્દ્રસિંહ ઝાલા, માધવ દવે, અશ્ર્વિન મોલીયા તથા અન્ય ચૂંટાયેલા લોકો અને હોદ્દેદારો કોઇ પરિવારજનના આંસુ લૂંછવા કે તેમના ઘરે દુ:ખમાં સહભાગી પણ ન બન્યા, શું તેઓ ‘પ્રસંગો’ સિવાય પહોંચતા નથી. 

આ ઘટનાને આજે પાંચમો દિવસ છે. એક પણ કોર્પોરેટર સિવિલ હોસ્પિટલે દેખાયાં નથી, પોતાના વિસ્તારમાં રહેતા પરિવાર જેને સ્વજન ગુમાવ્યા તેની પડખે ઊભા નથી. ચાર-ચાર દિવસથી પોતાના સ્વજનના મૃતદેહના ડીએનએ  રીપોર્ટ સાથેના અવશેષોની રાહ જોતા લોકો પાસે કોઇ ફરકતું નથી. હતભાગી પરિવારોના ઘરે પણ આંસુ લુંછવા 72 પૈકી કોઇ કોર્પોરેટર ગયા નથી. મોટા વિવાદ, આક્ષેપો સહિતના સંજોગોમાં જાણે આ તમામ લોકો ધ્રુજી ગયા હોય તેવી  હાલત દેખાઇ રહી છે.

છતાં મત માંગવા જનારા લોકો આ પરિવારોને શાંત્વના આપવા પહોંચ્યા નથી. હોસ્પિટલ ખાતે લોકોએ સ્થાનિક નેતાઓ અને રૂપાલા ઉપર પણ રોષનો ટોપલો ઠલવ્યો હતો. રાજકોટમાં કોઇ પણ કાર્યક્રમ હોય તો વોર્ડે વોર્ડે ફોટોસેશન કરાવતા કોર્પોરેટરો હતભાગી પરિવારોની વ્હારે પહોંચતા નથી. કોઇના ઘરે જઇને શાંત્વના આપી હોય કે હોસ્પિટલે પહોંચીને સ્વજન તરીકે મદદની ઓફર કરી હોય તેવું પણ બન્યું નથી. 

મનપામાં કોંગ્રેસના 4 અને ભાજપના 68 કોર્પોરેટર ચૂંટાયેલા છે. 4 ધારાસભ્ય અને સંસદ સભ્ય છે. પરંતુ આ પરિવારોની પડખે કોઇ નથી તેવી હાલત છે. સત્તામાં બેસેલા લોકોને શું ઘમંડ આવી ગયો કે, 28-28 લોકો ભોગ લેવાણો તે ગેમઝોન સામે અગાઉ તો કોઈ કાર્યવાહી કરી ન શક્યા, પણ બાદમાં મૃતકના પરિવારજનોને સંવેદના પણ ન આપી શક્યા. આ નેતાઓનો જમીર પણ આગની લપેટમાં ભસ્મ થઈ ગયો હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે.

20 દિવસ પહેલાં જ લોકસભાની ચૂંટણી સમયે આ જ સત્તાધારી નેતાઓ ઘરે ઘરે જઈ લોકોના પગ પકડી મત માંગતા હતાં. હવે તે જ લોકો મત આપનાર લોકો સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમની બહાર ભૂખ્યા તરસ્યાં અશ્રુભીની આંખે બેઠાં છે તો તેમની દરકાર પણ લેવાનું ચુકી ગયાં છે.

► રૂપાલા રવિવારે ઇન્ડિગોની ફલાઇટમાં  મુંબઈ થી રાજકોટ સવારે 8.30 કલાકે આવી પહોંચ્યા, સિવિલ હોસ્પિટલ મંગળવારે પહોચ્યાં.. બહુ બિઝી? 
મુખ્યમંત્રી રાજકોટ પહોંચ્યા તે જ સમયે રૂપાલા પણ રાજકોટમાં હતા : મનીષ ભટ્ટ સહિતના નેતાઓ  સમયસર એરપોર્ટ "રીસિવ” કરવા પણ પહોંચી ગયા હતા, એ.સી લાઉન્જમાં બેઠા હતા

રાજકોટ : શહેરમાં ગત શનિવારે ભયાનક દુર્ઘટના બની હતી. 28 લોકો અગ્નિકાંડમાં જીવતા ભૂંજાયા હતા. ત્યારે રાજકોટના જવાબદાર પ્રતિનિધિઓએ આ દુર્ઘટના વખતે લોકોની પડખે ઊભા રહેવા બદલે અન્ય રાજ્યમાં ચૂંટણી પ્રચાર કે પછી અન્ય "મહત્વ” નાં કાર્યોમાં વ્યસ્ત હતા.

મૂળ અમરેલીના વતની પણ રાજકોટ લોકસભા ક્ષેત્રના ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા શહેરમાં આટલી મોટી દુર્ઘટના બની અને તેઓ હાજર નહતા. આમ તો, તેઓ રવિવારે એટલે કે દુર્ઘટનાના બીજા જ દિવસે રાજકોટ વહેલી સવારે 8.30.કલાકે આવી પહોંચ્યા હતા. તેઓ ઇન્ડિગોની ફલાઇટમાં મુંબઈ થી રાજકોટ આવ્યા હતા. સવારે તેમના આગતા સ્વાગતા માટે મનીષ ભટ્ટ સહિતના નેતાઓ પણ સમયસર પહોંચી ગયા હતા જ્યાં તેમણે એસી. લાઉન્જમાં બેસાડવામાં આવ્યા હતા.  રૂપાલા લેન્ડ થયા અને શહેરમાં પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પણ રાજકોટમાં હતા. છતાં રૂપાલાને સિવિલ હોસ્પિટલ જઈ મૃતકોના સ્વજનોને મળવાનો સમય મંગળવારે મળ્યો.

► ફાયર NOCના નામે થતા વહીવટને પણ ભસ્મ કરવાની જરૂર
 
તત્કાલ અને નિયમ વિરૂદ્ધની મંજૂરી માટે મોટા વહીવટની બુમ : એક અધિકારી તો ફાયર સેફટી સાધનનો ધંધો કરતા હતા!
રાજકોટ સહિત પૂરા રાજયમાં ફાયર એનઓસીના કાયદાનો કડકમાં કડક અમલ કરવા માટે સરકારમાંથી ધડાધડ હુકમો આવી રહ્યા છે ત્યારે હવે ફાયર એનઓસીની પ્રક્રિયા સરકાર કક્ષાએ પોર્ટલ ઉપર પણ થઇ રહી છે ત્યારે ભુતકાળમાં ફાયર એનઓસી આપવા માટે થતા ‘ભાવબાંધણા’ની ફરિયાદો પણ કચડી નાંખવામાં આવે અને યોગ્ય કાર્યવાહી થાય તેવી અપેક્ષા નવા કમિશ્નર ડી.પી.દેસાઇ પાસે નાગરિકોની છે. 

વર્ષો પહેલાથી ફાયર બ્રિગેડમાં હંગામી એનઓસી, બિલ્ડીંગ કે કોમર્શિયલ જગ્યાના એનઓસી માટે મોટા વહીવટ  કરવામાં આવતા હોવાની ફરીયાદ ઉઠી હતી. હજુ થોડા દિવસો પહેલા જ એક ફાયર એનઓસીના કેસમાં એક કોર્પોરેટરની જાણમાં પાંચ આંકડાની રકમ થયાની ચર્ચા મહાપાલિકામાં ગાજી છે.

ભુતકાળમાં આ અંગે કેટલાક પદાધિકારીઓએ પણ ફરિયાદો કરી હતી. ફાયર એનઓસી વગર કોઇ મોટુ ધંધાદારી કામ થઇ ન શકે. જગ્યા પર પગથિયા, ગેટ, સાધનો સહિતની અનેક બાબતમાં જો પુરેપુરૂ કાયદાનું પાલન કરવામાં આવે તો રાજકોટમાં અનેક એનઓસી કેન્સલ થઇ જાય તેમ છે. આ સંજોગોમાં હવે આ કાર્યવાહી સંપૂર્ણ પારદર્શક થાય તેવી લાગણી પણ ઉઠી છે. વર્ષો પહેલા અમુક અધિકારીઓ ફાયર બ્રિગેડમાં બેસીને માલમાલ થયા છે અને કેટલાકે ફાયર ઇકવીપમેન્ટનો ધંધો પણ બીજા નામે કર્યાનું બહાર આવ્યું હતું.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj