લેન્ડ ગ્રેબીંગના ગુનામાં ધડાધડ 30 આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દેતી રાજકોટની સ્પે. અદાલત

Crime | Rajkot | 29 May, 2024 | 04:42 PM
ગુજરાત હાઈકોર્ટે લેન્ડ ગ્રેબીંગના કાયદાને બંધારણીય વૈધ્યતા આપ્યા બાદ રાજકોટની કોર્ટે હુકમો આપ્યા: મુળ માલિકને કબ્જો પાછો સોંપી આપનારની શુધ્ધ બુધ્ધિ ધ્યાને રાખી જામીન અરજી મંજૂર પણ કરાઈ
સાંજ સમાચાર

રાજકોટ, તા.29
વર્ષ 2020 માં ગુજરાત સરકારે લેન્ડ ગ્રેબીંગ એકટને અમલમાં મુકી જમીન પચાવી પાડનાર સેંકડો આરોપીઓની ધરપકડ કરેલ હતી. જેઓએ ગુજરાત હાઈકોર્ટમાં આ કાયદાની બંધારણીય વૈધ્યતા પડકારેલ હતી. જે તમામ અરજીઓ હાઈકોર્ટે રદ કરી કાયદાની બંધારણીય વૈધ્યતા માન્ય રાખેલ હતી. આથી તમામ આરોપીઓએ રાજકોટની ખાસ અદાલતમાં આગોતરા જામીન અરજીઓ તથા ત્રણ આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી રજુ કરતા તમામ આરોપીઓની આગોતરા અને રેગ્યુલર જામીન અરજીઓ રદ કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, જે આરોપીઓએ જામીન અરજી રજુ કરી આ સ્થાવર મિલ્કતો મુળ માલિકને પરત સોંપેલ હતી તે આરોપીઓને રાજકોટની ખાસ અદાલતે જામીન મુક્ત કરેલ હતા પરંતુ અમુક રીઢા ભુમાફિયાઓએ સ્થાવર મિલ્કતો મુળ માલિકને પરત સોંપવાના બદલે હાઈકોર્ટમાંથી પોલીસ તપાસ સામે સ્ટે મેળવેલ હતો.

હાઈકોર્ટે કાયદાની બંધારણીય વૈધ્યતા માન્ય રાખી તમામ અરજીઓ રદ કરેલ હતી. આથી આ તમામ આરોપીઓએ રાજકોટની ખાસ અદાલતમાં આગોતરા જામીન અરજીઓ રજુ કરેલ તેમજ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ જતા તેઓએ રેગ્યુલર જામીન અરજી રજુ કરેલ હતી. આ તમામ અરજીઓની સુનાવણી વખતે આરોપીઓ વતી રજુઆતો કરવામાં આવેલ હતી કે તેઓએ પોતાના કબજા અંગે સિવીલ દાવો વર્ષો પહેલા દાખલ કરેલ છે.

તેથી આ પ્રકારની સિવિલ તકરારોનો નિર્ણય ન આવે ત્યાં સુધી તેઓ ઘુસણખોર છે તેમ કહી શકાય નહી અને તેથી તેઓને જામીન મુકત કરવા જોઈએ. સરકાર તરફે સ્પે.પી.પી. એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, લેન્ડ ગ્રેબીંગ એકટની કલમ- 11 મુજબ જે આરોપી સામે જમીન પચાવી પાડયાનો આરોપી હોય તેઓ પોતે નિર્દોષ છે તેમ સાબિત કરવાની જવાબદારી આરોપીની છે.

કાયદાની જોગવાઈ મુજબ જયારે કલેકટરના અધ્યક્ષ સ્થાને રેવન્યુ ઓફીસરો અને પોલીસ અધિકારીની કમીટીએ નિર્ણય કરેલ હોય કે અરજદારની સ્થાવર મિલ્કતમાં આરોપીએ ઘુસણખોરી કરેલ છે ત્યારે આવા રેવન્યુ અધિકારીઓના નિર્ણયને ખાસ અદાલત જામીન અરજીના તબકકે ખોટો કે ભુલ ભરેલો જણાવી શકે નહી. જે આરોપીઓ સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો નોંધાયેલ છે તેવા તમામ આરોપીઓ પાસે તેઓના કબજાવાળી જમીન અંગે કોઈ દસ્તાવેજી પુરાવો નથી હોતો ત્યારે જ તેઓને આ કાયદા હેઠળ આરોપી બનાવવામાં આવે છે. ખાસ અદાલત સમક્ષ જામીન અરજીઓ લઈને જે આરોપીઓ આવેલ છે તેઓ માંના કોઈ પણ આરોપી પાસે કબજાવાળી સ્થાવર મિલ્કત અંગેના કોઈ કાયદેસરના દસ્તાવેજો નથી.

જે આરોપીઓ પોતાને ભાડુઆત ગણાવે છે તેઓએ ઘણા વર્ષોથી મકાન માલિકને ભાડુ આપવાનું બંધ કરી દીધેલ છે. લેન્ડ ગ્રેબીંગ એકટની જોગવાઈ મુજબ જે સમયથી ભાડુઆત ભાડુ ન આપે ત્યારથી તેઓને ઘુસણખોર ગણવામાં આવે છે. આ મુજબના કોઈપણ આરોપીઓએ મકાન માલિકને ચડત ભાડુ આપવાની સ્વેચ્છા પણ બતાવેલ નથી. જેઓ ભાડુત નથી તે આરોપીઓએ પોતાના કબજાવાળી સ્થાવર મિલ્કતનો કબજો મુળ માલિકને પરત સોંપી આપવાની સ્વેચ્છા પણ દર્શાવેલ નથી તે તમામ આરોપીઓની જામીન અરજીઓ રદ થવા પાત્ર છે.

રજુઆતના અંતે ખાસ અદાલતના જજ જે.ડી. સુથારે રમેશભાઈ પાનસુરીયા, અલ્પાબેન સાવલીયા, ચંદુભાઈ સાવલીયા, લલીતાબેન કલોલા, જગદીશભાઈ ચકુભાઈ, નારણભાઈ પાંભર, જયેશભાઈ શુકલા, જેન્તીભાઈ ફચારા, મમતાબેન ઠાકર, પ્રમોદભાઈ રાવલ, મુકેશભાઈ ઉમરાણીયા, ધર્મિષ્ઠાબેન ઉમરાણીયા, ભુષણભાઈ જોગી, દિપાલીબેન જોષી, બાવાભાઈ બાંભવા, મિલન ભરવાડની આગોતરા તથા રેગ્યુલર જામીન અરજીઓ રદ કરેલ છે. આ તમામ આરોપીઓ સામેના કેસોમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળના સ્પે.પી.પી. સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj