રાજકોટ, તા. 21
સૌરાષ્ટ્ર યુનિ.ની હાલ ચાલી રહેલી પરીક્ષામાં પેપર લીકની ઘટના સામે આવી છે. જેના પગલે ઉચ્ચ શિક્ષણ જગતમાં આ મામલે દેકારો બોલી જવા પામેલ છે. પેપર લીકની આ ઘટનાના પગલે યુનિ.ની વિશ્વસનીયતા સામે વધુ એક વખત સવાલો ખડા થવા પામેલ છે. જોકે આ અંગે વિશ્વ વિદ્યાલયના કુલપતિ દ્વારા તપાસના આદેશો આપી દેવામાં આવેલ છે.
યુનિ. દ્વારા આ લેવાઇ રહેલી આ પરીક્ષા દરમ્યાન બી.કોમ. સેમ-4નું પેપર શરૂ થતા જ અમરેલીની કોલેજમાંથી પ્રશ્નો વાયરલ થઇ જવાબો ધડાધડ વોટસએપ ગ્રુપમાં વાયરલ થયા હોવાનું સામે આવતા આ વિષય ઉચ્ચ શિક્ષણ જગતમાં ભારે ચર્ચાસ્પદ બનવા પામેલ છે. જેમાં ઉત્તરવહીમાં વિદ્યાર્થીઓએ લખેલા જવાબો ફોટા પાડી અને કોલેજ ફ્રેન્ડ નામના વોટસએપ ગ્રુપમાં વાયરલ કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે છાત્ર યુવા સંઘર્ષ સમિતિના સુરજ બગડા સહિતના યુવા આગેવાનો દ્વારા આજે કુલપતિને રજુઆત કરવામાં આવી હતી. તેમજ કુલપતિ દ્વારા પણ આ પ્રકરણમાં તપાસના આદેશો આપી દેવામાં આવેલ છે.
આ અંગે વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિના કાર્યકર્તાઓને આ જ કોલેજના એક વિદ્યાર્થી દ્વારા વ્હોટ્સએપ મેસેજના સ્ક્રીનશોટ મોકલવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીએ આ અંગે જણાવેલ હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન અમરેલીની એક કોલેજમાં ગેરરીતિ થતી હોવાની રજૂઆત તેઓને મળી છે.
જેમના દ્વારા ચાલુ પરીક્ષા દરમિયાન ઉત્તરવહીના ફોટો કોલેજના વોટ્સએપ ગ્રુપમાં વાઇરલ થયા હોય તેવાં સ્ક્રિન શોટ આપવામા આવ્યા છે. આ માસ કોપીકેસનો પ્રશ્ન છે. જેમાં મોબાઈલ નંબરના આધારે વિદ્યાર્થીઓ કોણ છે તેની તપાસ કરવામાં આવશે અને જરૂર લાગશે તો તપાસ કમિટીની પણ રચના થશે.
સૌપ્રથમ તો કઈ કોલેજના વિદ્યાર્થીઓ છે તે તપાસવામાં આવશે અને ત્યારબાદ તે કોલેજના પ્રિન્સિપાલ સહિતનાને પૂછપરછ કરવામાં આવશે અને જરૂર જણાશે તો વિદ્યાર્થીઓની પરીક્ષા કેન્દ્ર રદ પણ કરવામાં આવશે.
વિદ્યાર્થી આગેવાનોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અમરેલીની એમ.ડી. સીતાપરા કોલેજમાં ગેરેરીતિ થતી હોવાના કિસ્સા અંગે વોટ્સએપ સ્ક્રીનશોટ કુલપતિને આપેલા છે. જેમાં પરીક્ષા શરૂ થતા જ આ કોલેજના ગ્રુપમાં જવાબોના સ્ક્રિનશોટ આવી જાય છે.
જેથી અમારી સ્પષ્ટ માંગણી છે કે, આ પ્રકરણમાં 48 કલાકમાં પગલાં લેવામાં આવે અને પરીક્ષા કેન્દ્ર તાત્કાલિક રદ કરવામાં આવે. મોબાઈલ જો પરીક્ષા સેન્ટરમાં લઈ જવામાં આવે છે ત્યારે કોલેજ શું કરે છે? શું સીસીટીવી દ્વારા મોનિટરિંગ નથી થતું કે કોઈ કોલેજ સાથે આ પ્રકારની બાંધછોડ કરવામાં આવે છે.
વ્હોટ્સએપ સ્ક્રીનશોટ ગુરુવાર અને શનિવારએ લેવાયેલી પરીક્ષાના ગત ગુરુવાર અને શનિવારના વ્હોટ્સએપ સ્ક્રીનશોટ સામે આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ એકબીજાને ચાલુ પરીક્ષાએ પ્રશ્નોના જવાબો પૂછે છે, જેનો મતલબ એ થયો કે કોલેજમાં વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે પરીક્ષા આપે છે.
પરીક્ષા શરૂ થાય તે સાથે જ વ્હોટ્સએપ ગ્રુપમાં જવાબો આવવાના શરૂ થઈ જાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા વારંવાર પેપર લીકની ઘટના બને છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy