► વાલીઓને પણ ઈન્ટરનેટ વગરના મોબાઈલ તેમના સંતાનોને આપવા ખાસ જણાવાશે : શિક્ષકો તથા બિન શૈક્ષણિક શાળા કર્મચારીઓ માટે પણ નિયંત્રણ આવશે
રાજકોટ: ગુજરાતમાં નાના કિશોર-કિશોરીથી લઈને ટીન એજરમાં મોબાઈલના વધતા જતા અવગણ અને માતા-પિતા દ્વારા મોબાઈલના ઉપયોગ પર નિયંત્રણ મુકતા આદેશમાં આત્મહત્યા કે ઘરેથી નાસી જવા સુધીની ઘટનાઓ બાદ રાજય સરકારે શાળાઓમાં નો-મોબાઈલ પોલીસી લાવવા કરેલી તૈયારીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા નોન-ટીચીંગ સ્ટાફ તપાસ માટે સમાન નીતિ લાવવા તૈયારી કરી છે.
આ અંગેનો મુત્સદો રાજય સરકારને સુપ્રત કરી દેવામાં આવ્યો છે. જેના પર હવે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ નિર્ણય લેશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજય સરકાર ફકત નિયમો મેળવવા માટે જ નહી પણ તેનો અમલ પણ પુરી ગંભીરતાથી થાય તે જોવા માંગે છે અને તેમાં શાળા સંચાલકોની પણ જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે અને તેથી આ અંગેની માર્ગરેખા ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.
હાલમાં જ 14 વર્ષની એક છોકરીને તેના માતાએ મોબાઈલ ફોનનો સતત ઉપયોગ કરવાની ના કહેતા આ છોકરીએ આત્મહત્યા કરી જે કિસ્સાએ મોબાઈલ મેનીયા કઈ રીતે ગયો છે તે દર્શાવે છે અને તેના પરિણામે શિક્ષણ વિભાગ દ્વારા એક બેઠક બોલાવીને ખાસ કરીને શાળાઓમાં મોબાઈલ ઉપયોગ પર નિયંત્રણ મુકવાની તૈયારી છે.
શાળામાં મોબાઈલના ઉપયોગ પર પૂર્ણ રીતે પ્રતિબંધ આવશે. કલાસ રૂમમાં પણ સાથે લઈ જઈ શકાશે નહી અને આગામી શૈક્ષણિક વર્ષથી તેની આકરી ગાઈડલાઈન આવશે. જો કોઈ વિદ્યાર્થી બે કે વધુ વખત શાળામાં મોબાઈલના ઉપયોગ કરતો ઝડપાય તો તેને સ્કુલ લીવિંગ સર્ટી પણ પકડાવી દેવાશે.
રાજયના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ આ ગાઈડલાઈનને સમર્થન આપતા કહ્યું કે આ અંગે જીલ્લા શિક્ષણ અધિકારીઓની બેઠક બોલાવીને પહેલા શાળાઓમાં વિદ્યાર્થીઓ-સંચાલકોમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ અંગે જાગૃતતા આવે તે માટે કાર્યક્રમો નિશ્ચિત કરાશે અને પછી દરેક શાળા તેમના વિદ્યાર્થીઓના વાલીઓ સાથે તે અંગે બેઠકો સહિતના આયોજનો ગોઠવીને તેઓને પણ તેમના સંતાનો મોબાઈલ મેનીયાનો ભોગ ન બને તે જોવા સહકાર મંગાશે.
ખાસ કરીને એક તરફ ચોકકસ ઉમર સુધીના વિદ્યાર્થીઓના સોશ્યલ મીડીયાના ઉપયોગ પર પ્રતિબંધ આવી રહ્યા છે તે અંગે પણ શાળા સ્તરે ખાસ માહિતી અપાશે. જો કે હવે મોબાઈલ ફોનનો એક સેફટી ટુલ તરીકે પણ ઉપયોગ થઈ રહ્યો છે અને તેમાં માતા-પિતા સાથે સંપર્ક રાખવા પણ જરૂરી બની ગયો છે.
તેમ વિદ્યાર્થીઓ ઈન્ટરનેટ વગરનો મોબાઈલનો ઉપયોગ કરે તે માટે મંજુરી અપાશે. ઉપરાંત શાળાઓ હવે વિદ્યાર્થીઓને અભ્યાસ મટીરીયલ તથા અન્ય સૂચનાઓ પણ મોબાઈલ મારફત વોટસએપ ગ્રુપમાં અપાય છે. તે અંગે હવે વૈકલ્પિક માર્ગો અપનાવાશે. આ અંગેના અનેક નિયમો નિશ્ચિત થઈ રહ્યા છે જે અંગે સરકાર નિર્ણય લેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy