એકથી ત્રણ કલાકમાં મેડીકલેઈમની પતાવટ ફરજીયાત થશે

India | 15 April, 2025 | 04:58 PM
કેન્દ્ર સરકાર દ્વારા તમામ વીમા કંપનીઓ માટેની પ્રક્રિયા એક સમાન કરવા તૈયારી: એક કલાકમાં કેશલેસ સારવારની મંજુરી આપવી પડશે; આખરી પતાવટ ત્રણ કલાકમાં કરવી પડશે
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.15
હોસ્પીટલમાં સારવાર માટે મેડીકલેઈમના દાવામાં વીમા કંપનીઓ દ્વારા કલાકો સુધી રાહ જોવડાવવામાં આવતી હોવા સહિતની વ્યાપક ફરીયાદો વચ્ચે કેન્દ્ર સરકાર હવે એકસરખા નિયમો ઘડવાની તૈયારીમાં છે. સારવાર લેનાર દર્દી કે તેનાં પરિવારોને વીમા કંપનીઓ તરફથી આ પ્રકારની વધારાની પીડા ભોગવવી ન પડે તો વીમા દ્વારા મંજુરી માટે મંજુરી માટે સમયગાળો નિશ્ચિત કરવામાં આવશે.

કેન્દ્ર સરકારના આધારભુત સુત્રોએ કહ્યું કે કેશલેસ સારવારની મંજુરી એક કલાકમાં તથા ફાઈનલ સેટલમેન્ટ ત્રણ કલાકમાં પૂર્ણ કરવાનું ફરજીયાત બનાવવામાં આવશે અને તે તમામ આરોગ્ય વિમા કંપનીઓને લાગુ પડશે.

સુત્રોએ કહ્યું કે, આરોગ્ય વિમા દાવાની તમામ પ્રક્રિયા એકસમાન હશે. ફોર્મ ભરવા તથા સમજવાનું સરળ રહે તે માટે યુનિફોર્મ ડિઝાઈન તૈયાર કરવા માટે પ્રોફશનલ એજન્સીને જવાબદારી સોંપવામાં આવશે.તમામ કંપનીઓએ ફોર્મ સમાન રાખવા પડશે.એટલુ જ નહિં વીમા દાવા સંપૂર્ણ અને નિશ્ચિત સમયમાં મંજુર થાય તે પણ ફરજીયાત રહેશે.

એક સીનીયર અધિકારીએ કહ્યુ કે વીમા ક્ષેત્રમાં આ બદલાવ બીઆઈએસ (બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાર્ન્ડડ) જેવા હશે.બિમાર વ્યકિત આર્થિક પરેશાની કે દેવાબોજ હેઠળ ન ધકેલાય અને વધુને વધુ લોકોને વીમા કવચ મળે તેવો હેતુ છે.

દેશના તમામ લોકોને 2047 સુધીમાં વ્યાજબી કિંમતે આરોગ્ય વિમા કવચ મળે તેવો સરકારે એકશન પ્લાન ઘડયો છે અને તેના ભાગરૂપે સુચીત ફેરફાર કરવામાં આવશે વીમા નિયમનકાર ઈરડા દ્વારા ગત વર્ષે વીમા દાવાના નિકાલ માટે ચોકકસ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી હતી. વીમા કંપનીઓ સમક્ષ દાવાઓની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે તેવા સમયે કંપનીઓ દ્વારા માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવતુ નથી.

વીમા કંપનીઓ કેશલેસ સારવારના દાવા ફગાવતી હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. આ સંજોગોમાં કડક નિયમો તથા એકસરખી દાવા પ્રક્રિયાને કારણે લોકોની હાલાકી હળવી થઈ શકશે. નેશનલ હેલ્થ કલેમ એકસચેંજને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો વચ્ચે દાવા પતાવટનો સમયગાળો નિશ્ચિત કરવાનુ કદમ વધારાનુ હશે.

જુલાઈ 2024ની સ્થિતિએ 34 વીમા કંપનીઓ- થર્ડ પાર્ટી એડમીનીસ્ટ્રેટર્સ આ પ્લેટફોર્મમાં હતા અને 300 જેટલી હોસ્પીટલોએ આ પ્લેટફોર્મ પર વીમા દાવા મોકલવાનું શરૂ કરી દીધુ હતું.  ભારતમાં 26 જનરલ ઈુસ્યોરન્સ બે સ્પેશ્યલાઈઝડ વીમા કંપનીઓ છે. હેલ્થ ઈુસ્યોરન્સ કંપનીઓની સંખ્યા સાત છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj