લોકસભા ચૂંટણીમાં ભાજપના 435 માંથી 106 ઉમેદવારો બીજા પક્ષમાંથી આવેલા છે

પક્ષપલટુઓને શિરપાવ: ભાજપનાં 25 ટકા ઉમેદવારો આયાતી

India, Politics, Lok Sabha Election 2024 | 15 May, 2024 | 11:11 AM
આંધ્રપ્રદેશ, તેલંગાણા, તામીલનાડુ જેવા રાજયો તો ઠીક, ભાજપનું વર્ચસ્વ ધરાવતા ઉતરપ્રદેશનાં 74 માંથી 26 ઉમેદવારો ‘પક્ષપલટુ’ છે: ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન એવા ‘ગઢ’ જેવા રાજયોમાં પણ અન્ય પક્ષમાંથી આવેલા નેતાઓને ભાજપે ટીકીટ આપી છે
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.15
રાજકારણમાં પક્ષપલટો કરીને ટીકીટ મેળવવાની વાત નવી નથી કે તેમાં નવાઈ જેવુ નથી પરંતુ ભાજપમાં જે રીતે અને જે સ્તરે પક્ષપલટુઓને વર્તમાન લોકસભાની ચૂંટણીમાં ટીકીટ આપવામાં આવી છે જે અસામાન્ય બાબત છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે ચોથા ભાગ અર્થાત 25 ટકા ટીકીટ બીજા પક્ષમાંથી આવેલા નેતાઓને આપી છે.

ભાજપના 435 માંથી 106 ઉમેદવારો એવા છે કે જે છેલ્લા 10 વર્ષ દરમ્યાન અન્ય રાજકીય પક્ષમાંથી ભાજપમાં જોડાયા હતા તેનાથી પણ મહત્વની વાત એ છે કે 106 પૈકીનાં 90 ઉમેદવારો તો છેલ્લા પાંચ વર્ષમાં જ ભાજપમાં સામેલ થયા હતા.

ભાજપ દ્વારા પક્ષપલટુઓને સૌથી વધુ ટીકીટ આંધ્રપ્રદેશમાં આપવામાં આવી છે. જયાં ભાજપનાં 6 માંથી 5 ઉમેદવાર આયાતી છે. રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસ, વાયએસઆરસીપી ઉપરાંત તેના સહયોગી 5ક્ષ ટીડીપીમાંથી આવેલા નેતાને પણ ટીકીટ આપવામાં આવી છે.

તેલંગાણામાં ભાજપે ઉભા રાખેલા 17 માંથી બે તૃતિયાંશ અન્ય પક્ષમાંથી આવેલા છે. બીઆરએસ તથા કોંગ્રેસમાંથી ખેડવીને ભાજપે ટીકીટ આપી હતી. રસપ્રદ વાત એ છે કે 11 માંથી આવા 6 ઉમેદવાર તો ચૂંટણી ટાણે જ ભાજપમાં જોડાયા હતા.

આંધ્રપ્રદેશ તથા તેલંગાણામાં ભાજપનો ખાસ પ્રભાવ ન હોવાથી આયાતી પર આધાર રખાયાનું માની શકાય તેમ છે. છતાં ભાજપનો મોટો પ્રભાવ હોય તેવા રાજયોમાં પણ સમાન હાલત છે. હરીયાણામાં છેલ્લા એક દાયકાથી ભાજપ સતામાં ભાગીદાર છે ત્યાં પણ ભાજપ દ્વારા 10 માંથી 6 આયાતી ઉમેદવારોને ટીકીટ આપી હતી.
તેમાંથી નવીન જીંદાલ તથા અશોક તેવર તો લોકસભાની ચૂંટણી પૂર્વે જ ભાજપમાં આવ્યા હતા અને પાર્ટી દ્વારા તેમને ટીકીટ આપી દેવામાં આવી હતી.

હરીયાણાના પાડોશી રાજય એવા પંજાબમાં આ ભાજપનાં અર્ધાથી વધુ ઉમેદવારો પક્ષપલટો કરીને આવેલા છે.તેમાંથી અમુક કોંગ્રેસનાં છે. જેઓએ કેપ્ટન અમરીંદસિંઘ સાથે કોંગ્રેસને રામરામ કર્યા હતા અને ત્યારબાદ ભાજપમાં જોડાઈ ગયા હતા.

ઝારખંડમાં પણ સમાન હાલત છે. 13 માંથી સાત ઉમેદવારો પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા છે અને તેઓને પાર્ટીએ લોકસભાની ટીકીટ આપી દીધી હતી. ઝારખંડ મુકિત મોરચા તથા કોંગ્રેસમાંથી આ નેતાઓ ભાજપમાં આવ્યા હતા 

સૌથી ચોંકાવનારો અને રસપ્રદ ઘટનાક્રમ ઉતરપ્રદેશનો છે. જયાં છેલ્લા એક દાયકાથી ભાજપનો વિજય વાવટો ફરકી રહ્યો છે સંસદ હોય કે વિધાનસભાની ચૂંટણી, ભાજપ પ્રચંડ જીત મેળવતુ રહ્યું છે. ઉતર પ્રદેશમાં 74 માંથી ભાજપમાં 23 ઉમેદવારો આયાતી છે. અર્થાત છેલ્લા એક દાયકામાં અન્ય પક્ષમાંથી ભાજપમાં જોડાયા હતા. ટકાવારીની દ્રષ્ટિએ ઉતર પ્રદેશમાં 31 ટકા ઉમેદવારો પક્ષપલટુઓ છે.

અન્ય રાજયોનાં આંકડા ચકાસવામાં આવે તો ઓડીશામાં 29 ટકા, તથા તામીલનાડુમાં 26 ટકા ભાજપી ઉમેદવારો અન્ય પક્ષોમાંથી આવેલા છે.મહારાષ્ટ્રમાં પણ પક્ષપલટો કરીને આવેલા નેતાઓને ભાજપે ટીકીટ આપી છે અને તેની સંખ્યા 25 ટકા છે.

મહારાષ્ટ્રની જેમ પશ્ર્ચિમ બંગાળમાં પણ ભાજપ દ્વારા પક્ષપલટુઓ પર વધુ ભાગોમાં મુકવામાં આવ્યો છે. 42 માંથી 10 ઉમેદવારો પક્ષપલટો કરીને આવેલા છે. ભાજપનો ગઢ ગણાતા ગુજરાત પણ બાકાત ન રહ્યું હોય તેમ 26 માંથી બે ઉમેદવારો પક્ષપલટુઓ હતા.

લોકસભા ચૂંટણીમાં જોડાણનાં આધારે ભાજપના પ્રતિક પર લડી રહેલા ઉમેદવારોને આ લીસ્ટમાં સમાવેશ થતો નથી. જોકે ભાજપમાંથી અન્ય પક્ષમાં ગયા બાદ ફરી ઘરવાપસી કરતાં પાંચ ઉમેદવારોનો સમાવેશ છે તેમાં કર્ણાટકનાં જગદીશ શેટ્ટુર, મહારાષ્ટ્રનાં ઉદયનરાજ ભોંસલે વગેરે છે.

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj