રાજકોટ, તા.20
સરધાર નજીક સર ગામે રામોદના યુવાનની હત્યાના બનાવમાં બહેનના સાસુ અને મદદ કરનાર સગીર - સગીરાની ધરપકડ કરાઈ છે. હત્યાના આ બનાવ અંગે આજીડેમ પોલીસે તા. 18ના રોજ ફરિયાદ નોંધી હતી. ફરિયાદી દિલીપભાઈ કમાભાઈ રાઠોડ (ઉ.વ.60 રહે. રામોદ, નવા વણકરવાસ મોટા માંડવા રોડ તા. કોટડા સાંગાણી)એ જણાવ્યું હતું કે, હું છુટક મજુરીકામ કરું છું.
મારે સંતાનમાં એક દીકરો ગીરીશ (ઉ.વ.32) હતો. દીકરીઓમાં સૌથી મોટી દીકરી રીટાબેન તથા પુષ્પાબેન અને સૌથી નાના જયશ્રીબેન છે. મારા પત્નીનુ નામ લાભુબેન છે. ગીરીશના લગ્ન નવેક વર્ષ પહેલા રાજકોટ નવા થોરાળામાં રહેતા દીનેશભાઈ ભવાનભાઈ મુછડીયાની દીકરી જયશ્રી સાથે થયેલ હતા. તેને સંતાનમાં એક દીકરો દિવ્યરાજ (ઉ.વ.8) છે. અને ગીરીશ સરધાર હાઇવે ઉપર બસ સ્ટેન્ડની સામે ઘનશ્યામ ઈલેકટ્રીક નામે દુકાન ચલાવી વેપાર કરતો હતો.
મારી દીકરી નાની દીકરી જયશ્રીબેનના લગ્ન ત્રણેક વર્ષ પહેલા ગોંડલ તાલુકાના મોવીયા ગામના અજયભાઈ નરેશભાઈ સોહેલીયા સાથે અમારી જ્ઞાતીના રીતરીવાજ મુજબ થયેલ હતા. આ દીકરી તેના પતિ અને સાસુ સોનલબેન નરેશભાઈ સોહેલીયા સાથે રહેતી હતી. લગ્નના એકાદ વર્ષ બાદ અણબનાવના કારણે જયશ્રીબેનના છુટાછેડા થઈ ગયેલ. જોકે મારી દીકરી અને જમાઈ ફોનમાં વાતો કરતા હતા. ત્રણેક મહીના જમાઈ અજયભાઈએ મોવીયા ગામે તેના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધેલ હતો.
વધુમાં દિલીપભાઈએ જણાવ્યું કે, અજયના આપઘાત બાદ તેના ફોનમાંથી દીકરી સાથે વાત કરતા હોય તેના સ્ક્રીન શોટ મળેલ. અજયના માતા સોનલબેન તેના દીકરાના આપઘાત માટે જયશ્રી જવાબદાર હોવાનું કહેતા અને ‘મારો દીકરો ગયો તેમ હવે તમારો દીકરો પણ જશે’ એમ ઈન્સ્ટાગ્રામ આઈ. ડી. તથા ફેસબુકમાં સોનલબેન વીડીયો મુકતા હતા.
અવાર નવાર મારા દીકરા ગીરીશને મારી નાખવાની ધમકીઓ આપતા હતા. દરમ્યાન તા.18ના રોજ સાંજે સવા ચારેક વાગ્યે મને જાણ થઈ કે, સર ગામની સીમમાં હાઇવે રોડ નજીક મારાં દીકરા ગિરીશનું કોઈએ ખુન કરી નાખેલ છે. ગીરીશને પેટના ભાગે તથા મોઢાના ભાગે તથા માથાની પાછળના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ હતી. જેથી મોવીયા ગામના અમારા વેવાણ સોનલબેને ગીરીશનુ ખુન કરી અથવા કરાવી નાખેલ હોવાની અમોને પાકી ખાતરી છે. તેવી ફરિયાદ આપતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા જેમાં મોવીયા ગામેથી સોનલબેનને ઝડપી લઈ પુછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. સોનલબેન ગિરીશની હત્યા કરવા તેના ભત્રીજાની સગીર પુત્રી અને કુટુંબના એક સગીરને સાથે લઈ ગયા હતા. સગીર, સગીરા અને સોનલબેનની પોલીસે અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy