રી-ડેવલપમેન્ટ માટે 19 વખત ટેન્ડર કર્યા: ગુજરાત હાઉસીંગ બોર્ડ લાચાર - લોકો દુ:ખી

Local | Rajkot | 11 June, 2024 | 05:23 PM
રી-ડવેલપમેન્ટમાં સોસાયટીની સંમતિ જરૂરી પણ કોઇ કોન્ટ્રાક્ટર કામ રાખવા આવતા નથી: 2017થી મથામણ: બોર્ડ બીજુ કરી કંઇ શકે તેમ નથી: ગુ.હા. બોર્ડના સીનીયર અધિકારી
સાંજ સમાચાર

રાજકોટ, તા.11
રાજકોટ મહાનગરમાં હાલ બહુ ચર્ચિત દુધ સાગર રોડ પરના ગુજરાત હાઉસીંગ બોર્ડ ક્વાર્ટરના પ્રકરણમાં મનપાએ 48 કલાકમાં ક્વાર્ટર માલીકોને ક્વાર્ટરો ખાલી કરવાની નોટીસ સાથે વીજળી-નળ જોડાણ કાપી નાખતા 5000 જેટલા પરિવારજનો દુ:ખી થયા છે.

બીજી તરફ ગુ.હા. બોર્ડ છેલ્લા ઘણા વર્ષોથી આવાસ માલિકોને રિનોવેશન માટે સંમતિ આપવા મથામણ કરી છે તેમ છતાં આવાસ સોસાયટી તરફથી કોઇ સહયોગ નહીં મળતા આખરે જર્જરીત થયેલા ક્વાર્ટરો દિન-2 જ ખાલી કરવા મનપા તંત્રએ નોટીસ ફટકારવાની ફરજ પડી છે.

ગુ.હા. બોર્ડ દ્વારા દુધસાગર રોડ પર આવેલ ક્વાર્ટરના રિનોવેશન માટે લગાતાર ઘણા વર્ષોથી પ્રયત્ન હાથ ધર્યા છે. રી-ડેવલપમેન્ટ માટેની પ્રક્રિયા એવી છે કે સોસાયટી રહીશોની 75 ટકા સંમતિ સાથે આવાસનો દસ્તાવેજ હોવો પણ જરુરી છે. સંમતિ બાદ બીજા તબકકા મારફત ટેન્ડર બહાર પાડવાની હોય છે. તો આ બંને પ્રક્રિયામાં ગુ.હા. બોર્ડ દ્વારા અત્યાર સુધીમાં સમયાંતરે 19 ટેન્ડરો અત્યાર સુધી બહાર પાડવામાં આવ્યા છે તેમાં હજુ કોઇ કોન્ટ્રાક્ટર એજન્સી કામ રાખવા સામે આવી નથી.

ગુ.હા. બોર્ડ દ્વારા સતત પાંચ પ્રયત્નો છતાં ટેન્ડર ઉપાડવા એક પણ એજન્સી તૈયાર થઇ નથી. ગુ.હા. બોર્ડ દ્વારા છેલ્લે 2017માં આવાસોના માલીકોને આવાસ રિનોવેશન માટે તાકિદ કરી હતી સાથે મનપા તંત્રએ પણ નોટીસ આપી હતી. ત્યારબાદ પણ દર વર્ષે ગુ.હા. બોર્ડ દ્વારા આવાસોના રહીશોને પોતપોતાની રીતે રીપેરીંગ કરાવવાની તાકિદ કરી હોવા છતાં કોઇએ જરૂરી રીપેરીંગ સુધ્ધા નહીં કરાવતા આખરે મોટાભાગના આવાસો જર્જરીત થતાં કોર્પોરેશન ધ જીપીએમસી એક્ટની કલમ-264 હેઠળ બિલ્ડીંગ ભયમુક્ત કરવા નોટીસ તદ્ ઉપરાંત ધ જીપીએમસી એક્ટની કલમ 268 હેઠળ મકાન ભયગ્રસ્ત હોવાને કારણે તુરત જ ખાલી કરવા નોટીસ ફટકારવાની ફરજ પડી છે.

દુધસાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડના 744 આવાસો છે જે સંપૂર્ણ જર્જરીત થતાં મનપાને આખરે ખાલી કરાવવા નોટીસનું શસ્ત્ર ઉગામવાની ફરજ પડી છે.
બીજી તરફ ગુ.હા. બોર્ડ પાસે જર્જરીત આવાસો તોડી પાડવા કે વૈકલ્પિક વ્યવસ્થા માટેની કોઇ સત્તા નહીં હોવાનું ગુ.હા. બોર્ડના સીનીયર અધિકારીએ જણાવ્યું હતું.

 

મોટાભાગના કવાર્ટર ખાલી થયા, મનપાનું કામ પૂર્ણ : હાઉસીંગ બોર્ડને જાણ કરી દેતા કમિશ્નર
બોર્ડની માલિકીની જગ્યામાં હવે જે કાર્યવાહી કરવી હોય તે આગળ વધારવા કા.ઇજનેરને પત્ર
રાજકોટ, તા. 11

સામાકાંઠે દુધસાગર રોડ પર ખખડી ગયેલી હાઉસીંગ બોર્ડની આવાસ યોજનાના કવાર્ટર ખાલી કરાવવા મનપાએ નળ જોડાણ કાપવા, નોટીસ આપવા સહિતની કાર્યવાહી પૂરી કરી છે. હવે આગળની કાર્યવાહી કરવા માટે મ્યુનિ. કમિશ્નરે બોર્ડના કાર્યપાલક ઇજનેરને પત્ર લખી જાણ કરી છે. 

કમિશ્નરે ગઇકાલે લખેલા પત્રમાં જણાવ્યું છે કે જોખમી મિલ્કત સલામત કરવા અથવા ખાલી કરાવવા રાજય સરકારના વિભાગ તરફથી સહકાર માંગવામાં આવ્યો હતો. જેના પરથી કોર્પો. અને વીજ કંપનીએ નળ તથા લાઇટ જોડાણ કાપવા કાર્યવાહી કરી હતી. મનપાએ અંતિમ મુદત પણ આપી હતી. જે આજે પૂરી થઇ છે. આથી હવે આગળ ની કાર્યવાહી હાઉસીંગ બોર્ડે કરવાની થાય છે. 

આ જગ્યાએ મોટા ભાગના આવાસ ખાલી થઇ ગયા છે. 70 ટકાથી વધુ લોકો સલામત સ્થળે નીકળી ગયા છે. હવે આ જોખમી આવાસોનું શું કરવું તે અંગે બોર્ડ નિર્ણય લઇ શકે છે. જો મકાનો ખાલી કરવા હોય કે દુર કરવા હોય તો પણ  બોર્ડ શહેર પોલીસનો બંદોબસ્ત લઇને આગળની પ્રક્રિયા કરી શકે છે. આમ મહાપાલિકાએ આ કવાર્ટરના કેસમાં પોતાની ભૂમિકા હાલ પૂરી થયાનું જણાવ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj