હાઈકોર્ટ ખખડાવતી રહી : 27 વર્ષમાં સરકારે કંઈ ન કર્યું!

Gujarat | Ahmedabad | 30 May, 2024 | 11:47 AM
2001માં તો અધિકારીઓને સજા કરવા ભલામણ કરી હતી: દાખલા કેમ બેસાડતા નથી: ભાજપ સરકારના સમયમાં સતત ટીપ્પણીના ઘટનાક્રમ: ફાયર સેફટી જૈસે થે...
સાંજ સમાચાર

અમદાવાદ,તા.30
રાજકોટના ગેમઝોનની દુર્ઘટનામાં સરકાર અને સરકારી વિભાગોની બેદરકારી હાઈકોર્ટમાં ફરી છતી થઈ છે. છેલ્લા 27 વર્ષથી ફાયર સેફટી નિયમોનાં ચુસ્તપાલન માટે સતત સુચના છતાં સરકારોએ ગંભીરતા લીધી નથી તેવી ટકોર પણ વડી અદાલતે કરી છે.

2001 માં ફાયર સેફટી નિયમોનો ચુસ્ત અમલ નહિં કરવા બદલ અધિકારીઓ પર પગલા લેવાની ભલામણ પણ અદાલતે કરી હતી. છતા સરકારે દાખલો બેસાડયો નથી. અગાઉ જુન-1997 માં લોક અધિકાર સંગઠને અમદાવાદનાં અગ્નિકાંડ મામલે જાહેર હિતની અરજી કરી હતી. કોર્પોરેશન અને બિલ્ડર્સની સાંઠગાંઠનો આરોપ પણ મુકયો હતો. પરંતુ આજ સુધી કોઈની આંખ ઉઘડી હોય એવુ લાગતુ નથી.

છેલ્લા બે દાયકામાં ભાજપ સરકારની ગુજરાત હાઈકોર્ટ દ્વારા વખતોવખત સૌથી ખરાબ રીતે ઝાટકણી કાઢવામાં આવી હોવા છતાં તંત્ર સુધરવાનું નામ લેતૂ ન હોય. તાજેતરમાં રાજકોટ અગ્નિકાંડમાં હાઈકોર્ટ હવે અમને સરકારી તંત્ર ઉપર સ્હેજ પણ ભરોસો રહ્યો નથી તેવી સખ્ત ટીપ્પણી પણ કરી છે.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના, વડોદરા હરણી બોટ કાંડ અને હવે રાજકોટ ગેમઝોનની ઘટનાનાં કારણે ભાજપ સરકારનાં મોવડીઓની કામગીરી કરવાની સમજણ, ક્ષમતા અને કૌશલ્ય ઉપર પણ સવાલ ઉઠવાના શરૂ થયા છે.

રાજકોટ અગ્નિકાંડની દુઘર્ટના આકસ્મીક અને માનવ સર્જીત છે. પરંતુ તેના કારણે જે બહાર આવ્યા તેના કારણે સરકારમાં કાયમી ધોરણે સ્થાપિત થઈ ગયલો સીસ્ટમનો સડો બહાર આવી રહ્યો હોવાનું નાગરીકોનો મોટો વર્ગ માની રહ્યો છે. મોરબી ઝુલતા પુલ દુઘર્ટના બની ત્યારે સરકારની નીતીગત ખામીઓ હાઈકોર્ટનાં સવાલમાં બહાર આવી ગઈ હતી. હાઈકોર્ટે શહેરી વિસ્તારમાં આવા બનાવ બને તો કોની જવાબદારી તેમ પૂછતા સરકાર પક્ષ તરફથી હાલની નીતિ 1990 થી લાગુ પડે છે અને શહેરી વિસ્તારની પુલની નીતિ બનાવાઈ રહી હોવાનો જવાબ અપાયો હતો.

કોઈ દુઘર્ટના બને તો, જ સરકારી વિભાગ નીતિ બનાવે તેટલી હદે તંત્રમાં સુધારા કરવાની જરૂર હોવાનું તે કેસમાં ઉજાગર થયુ હતું. તમામ મહાનગરોમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપનુ શાસન છે હાલ રાજકોટમાં દુર્ઘટના થઈ તેમ વડોદરા મહાનગરપાલીકા અંતર્ગત હરણી બોટ કાંડ બન્યો હતો તેમાં પણ હાઈકોર્ટે બનાવ બન્યો તે પહેલા શું તપાસ કરાઈ હતી તેમ કહીને ઉઘડો લીધો હતો કોર્ટે કહ્યું હતું કે કોઈ દુર્ઘટના થાય પછી જ તંત્ર જાગે છે.

સરકારી વિભાગો મહાનગરપાલીકાના તંત્ર યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહિં તે જોવાની કે સુસંગત નીતિ ઘડવાની જવાબદારી ન હોય તે રીતે વર્તી રહયા હોવાનું પણ વારંવારની ઘટના પરથી તેમણે સાબિત કર્યું છે. આ સંજોગોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનો શાસનમાં શું રોલ છે તેની ચર્ચા પણ શરૂ થવા પામી છે.

રખડતા ઢોર મામલે પણ હાઈકોર્ટનાં આકરા વલણ પછી તંત્રએ જડબેસલાક પગલા લીધા હતા તેમાં પણ સરકારે અધિકારીઓ સામે પગલા લેવાનાં સંકેત આપતા પડયા હતા. રાજકોટ મામલે પણ ફાયર સેફટી મુદ્દે ચાર વર્ષ પછી કોઈ ફરક પડયો નહી હોવાની હાઈકોર્ટે નોંધ લીધી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj