♣ભગવાન શ્રીકૃષ્ણને એન્ટીક રથમાં બિરાજમાન કરવામાં આવશે ત્યારે રાજાઓના રાજા મહારાજને પોલીસ જવાનો ગાર્ડ ઓફ ઓનર આપશે
માધવપુર (ઘેડ) તા.9
માધવપુર (ઘેડ)માં શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના લગ્નોત્સવમાં અને લોકમેળામાં લોકો આનંદ-ઉલ્લાસ સાથે ઝુમી રહ્યા છે. માનવ મહેરામણ ઉભરાઈ રહ્યો છે.
આજે તા.9ના બારસના દિવસે રૂક્ષ્મણીજીના મામા કડછા ભાઈઓ જે મામેરીયાત કહેવાય છે તેઓ રૂક્ષ્મણીજીનું મામેરું લઈ વાજતે-ગાજતે નાચતા કુદતા ડી.જે. સાથે અબીલ ગુલાલની છોડો સાથે શ્રીકૃષ્ણ ભગવાનના મંદિરે પહોંચશે. મંદિર ઉપર ચડાવવાની ધજા તથા મામેરૂ લઈ રાજભોગ દર્શનમાં પધારશે પછી મંદિર ઉપર વિધિવત ધજા ચડાવી શ્રી રૂક્ષ્મણી ‘મા’નું મામેરુ પુરશે.
કડછા ભાઈઓ મંદિરે પહોંચ્યા પછી પોતાની આગવી શૈલીના પ્રદર્શનો જેવા કે તલવારબાજી, ઘોડેસવારી તથા પ્રાચીન દુહાઓની રમઝટ બોલાવી માનવ મહેરામણને મુગ્ધ કરશે અને મામેરુ તથા ધજા ચડાવ્યા પછી કડછા-મામેરીયાત ભાઈઓ રૂક્ષ્મણી-માધવનો જય જય બોલાવતા અબીલ ગુલાલની છોળો ઉડાવતા ઉડાવતા માધવપુરમાં આવેલા જલારામ મંદિરની બાજુમાં મહેર સમાજની વાડીએ આવશે ત્યાં આવી ભોજન-ભજન અને વિશ્રામ કરશે.
ત્યારબાદ નીજ મંદિરે એટલે કે માધવરાય મંદિરેથી શ્રીકૃષ્ણ ભગવાનની જાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીના વિવાહ કરવા બપોરના 4 વાગ્યે મધુવનમાં જવા રવાના થશે અને જાનમાં જવા માનવ મહેરામણ ઉભરાશે.
શ્રીકૃષ્ણ ભગવાનને દુલ્હારૂપે તૈયાર કર્યા બાદ તિલક, હારતોરા, શ્રીફળ આપી પસ ભરાવી શ્રીકૃષ્ણ ભગવાન ‘એન્ટીક રથમાં’ બિરાજમાન કરવામાં આવશે ત્યારે રાજાઓના રાજા મહારાજાને પોલીસ જવાનો ‘ગાર્ડ ઓફ ઓનર’ (સલામી) આપશે પછી કીર્તનકારો સાથે ર્કિતનની રમઝટ બોલાવશે. ડાંડીયા રાસની રમઝટ બોલશે. બહેનો શુરીલા પ્રાચીન ગીતો ગાશે અને શ્રીકૃષ્ણનો રથ જાનૈયા ભાઈ-બહેનો સાથે મેઈન બજારમાં થઈ મેળા ગ્રાઉન્ડમાં પહોંચશે ત્યારે શ્રીકૃષ્ણનો રથ પુર જોશમાં પવનવેગે 1થી1.5 કી.મી. સુધી પોલીસ બંદોબસ્ત વચ્ચે દોડાવવામાં આવશે. જાનૈયા પણ રથ પાછળ દોડશે.
શ્રીકૃષ્ણ પ્રભુનો રથ દોડાવવા પાછળના કારણો ભાગવત અનુસાર કહેવાય છે કે રૂક્ષ્મણીજીના લગ્ન તેમના ભાઈઓ ‘રુકમૈયો’ શીશુપાલ સાથે કરાવવા માંગતા હતા અને શ્રીકૃષ્ણને રૂક્ષ્મણીના કહેવાથી હરણ કરી લઈ આવ્યા હતા. તેથી કોઈપણ વિધ્ન ન આવે કે ચડાઈ પણ કોઈ ન કરે અને લગ્ન મુર્હુત ચુકાય નહી માટે રથ દોડાવવામાં આવે છે.
બીજી લોકવાયકા છે કે મધુવનમાં લોકો રહેતા તેઓ શ્રીકૃષ્ણની જાન લુટી ન લે અને લગ્ન મુર્હુતમાં મોડું ન થાય તે માટે રથ દોડાવવામાં આવે છે. જયારે શ્રીકૃષ્ણનો રથ દોડાવવામાં આવે છે ત્યારે માનવ મેદની સ્તબ્ધ થઈ લાઈન બંધ ગોઠવાઈ જઈ નઝારા નરી આંખે નિહાળશે અને પોતાની જાતને ધન્ય અનુભવી શ્રીકૃષ્ણની જાનમાં જોડાશે. આમ જાન આગળ પહોંચતા બેઠકજીના ચોક પાસે રૂક્ષ્મણીના પિયર પક્ષના જાનૈયા ભાઈ બહેનો કુમારીકાઓને તૈયાર કરી મોતીના નાળીયેર ઈંઢોણી કળશ સાથે વાજતે ગાજતે સામૈયા કરશે.
ત્યારબાદ શ્રીકૃષ્ણ ભગવાનના પોખણા વિધિવત પોખણા સ્થાનમાં કરવામાં આવશે. પોખાણા થયા બાદ મંડપ મધ્યે શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ થશે. વિવાહમાં પધારેલા દેવી-દેવતાઓ સાધુ-સંતો અને સમગ્ર જનતા વચ્ચે વિધિવત ગાંધર્વ વિધિથી લગ્નોત્સવ થશે. લગ્નગીતો ગવાશે. વાતાવરણમાં અલૌકીકતા જણાશે. લોકો લગ્નોત્સવ માણવા ઉંટ, ઘોડા, ઘોડાગાડીમાં આજે પણ આવે છે.
મંડપ મધ્યે રૂક્ષ્મણી-કૃષ્ણને જમાડવામાં આવેલ. ‘કંસાર’ સર્વે ભાવિક ભકતોએ વાટવામાં આવવા છતા કંસાર ખુટતો જ નથી. ત્યારબાદ માનવ મહેરામણ મેળા તરફ અને ઘર તરફ જવા વિખુટા પડશે અને શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી રાતવાસો ત્યાં જ કરશે.
આવતીકાલ તા.10ના તેરસના રોજ સવારે પરણી વરેલા યુગલ સ્વરૂપ એટલે કે રૂક્ષ્મણી માધવરાયને હાથો હાથ ‘હાથઘૈણુ’ એટલે કે આપણા હાથે ભગવાનને ટીંલી કરી ભેટ, પૈસા, આભૂષણ, વસ્ત્રો આપવાનો લ્હાવો મળશે. આ લ્હાવો હર કોઈ વ્યક્તિ માટે જીવનભરનો અમુલ્ય લ્હાવો ગણાય છે. હર કોઈ વ્યક્તિ રૂક્ષ્મણી માધવનો ‘જય જય’ બોલાવતા હોવાથી માધવપુર ભૂમિ પર વ્રજભૂમિ તુલ્ય કહેવાય છે. માધવપુર જાણે વૈકુંઠ સમાન બની જાય છે.
રૂક્ષ્મણીજીના મામેરીયાત જે મામેરુ લઈને આવે છે. તેઓ ઉંટ, ઘોડા સાથે લાવે છે અને માધવ ચોકમાં ઉંટ, ઘોડાની કરામતો બતાવે છે.આ કરામતો જોવા મોટી સંખ્યામાં માનવ મેદની માધવરાય મંદિરના ચોકમાં ઉમટી પડે છે.માધવપુર સૌરાષ્ટ્રનું વૃંદાવન અને વ્રજભૂમિ કહેવાતુ અલૌકીક અવર્ણનીય સ્થળ છે જેનો મહિમા ગાતા દેવી-દેવતાઓ પણ થાકતા નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy