વડોદરા,તા.29
ડભોઈના પ્રખ્યાત તીર્થક્ષેત્ર કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી મંદિરમાં ટ્રસ્ટી મંડળના આંતરિક વિખવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વિવાદના કારણે મંદિરના કપાટ બંધ થઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે હજારો ભક્તોના દર્શન પર અસર પડી શકે તેવી શક્યતા હતી. આજે શનિવારી અમાસનો દિવસ હોવાથી ભક્તોની ભારે ભીડ દર્શન માટે ઉમટી પડે છે, પરંતુ ટ્રસ્ટીઓ વચ્ચેના ઝઘડાએ પરિસ્થિતિ વણસી હતી.
કુબેર ભંડારી મંદિર ટ્રસ્ટમાં થયેલી બબાલ અંતર્ગત તણાવગ્રસ્ત પરિસ્થિતિ વચ્ચે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા મધ્યસ્થી માટે મોડી રાત્રે મંદિર પહોંચ્યા. તેમણે રાત્રે 12 વાગ્યે મંદિરના કપાટ ખોલીને અમાસના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂક્યા હતા. ઉલ્લેખનિય છે કે વિવાદનું મુખ્ય કારણ નાણાકીય વ્યવહારો અને વહીવટી મુદ્દાઓ છે.
ચેરિટી કમિશનના વચગાળાના હુકમ છતાં મંદિરના જૂના પૂજારીઓને છૂટા કરવામાં આવ્યા છે. જેના વિરોધમાં જૂના પૂજારીઓએ મંદિરમાં પ્રવેશ બંધીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ ઉપરાંત નવા ટ્રસ્ટી મંડળની રચના બાદ પાંચ ટ્રસ્ટીઓ બે ભાગમાં વહેંચાઈ ગયા છે.
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી કુબેર ભંડારી મંદિરના શ્રી કુબેરેશ્વર તથા સોમેશ્વર સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટમાં હિન્દી ભાષી નવા બે ટ્રસ્ટીઓ સામે ત્રણ ગુજરાતી ટ્રસ્ટીઓએ જ મોરચો માંડી સંમતિ વિના સંસ્થાનો મનસ્વી રીતે વહીવટ ન કરવા અને નાણાકીય વ્યવહારમાં ગોટાળાની અરજ મામલે સંયુક્ત ચેરિટી કમિશનરએ 11 એપ્રિલ સુધી વચગાળાનો મનાઈ હુકમ આપ્યો છે.
વડોદરાના સંયુક્ત ચેરીટી કમિશનર સમક્ષ અરજદાર પરિંદુભાઈ ભગત, ભરત ભાઈ ભગત અને નિરંજનભાઇ વૈદ્યએ સામા પક્ષે મહંત નંદગીરી ગુરુ નિરંજન દેવ તથા અન્ય વિરુદ્ધ સંસ્થામાં વહીવટ અને કાયદો વ્યવસ્થા બાબતે ચાલતા વિવાદમાં વચગાળાના મનાઈ હુકમની મુદત લંબાવી આપવાની અરજ સંદર્ભે વચગાળાના મનાઈ હુકમની મુદત આગામી તારીખ 15 મે સુધી લંબાવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy